27 ડિસેમ્બર 1911ના દિવસે દેશનું રાષ્ટ્રગીત પ્રથમવાર ગવાયું હતું. વિશ્વમાં આજે સૌથી મોટી લોકશાહી તરીકે આપણે સ્થાપિત થઈ ચૂક્યા છે અને દેશે ઠીકઠીક પ્રગતિ કરી છે. પણ આઝાદી મળી તે અગાઉ દેશભાવના લોકોમાં જાગ્રત રાખવી તે દેશ આગેવાનોનો સૌથી મોટો પડકાર હતો. આ પડકારને ઝીલવાનું ઘણું ઘરું કાર્ય કવિ-ગીતકારોએ કર્યું છે. અને તે કાળે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે દેશભાવના પ્રગટ થાય તે અર્થે ‘જન ગણ મન…’ ગીતની રચના કરી હતી. આ ગીત પહેલુંવહેલું જાહેરમાં 27 ડિસેમ્બરે કલકત્તા ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં ગવાયું હતું. આ ગીતમાં હિન્દુસ્તાનનું ચિત્ર ગાનાર સામે ખડું થતું હતું. ત્યાર બાદ જાન્યુઆરી 1912માં આદિબ્રહ્મો સમાજના વાર્ષિક ઉત્સવ પ્રસંગે તેનું ગાન થયું હતું.
1912માં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સમક્ષ ‘જન ગણ મન…’ ગીતને ટાગોરના ભત્રીજીએ પર્ફોમ કર્યું હતું. એક વર્ષમાં કલકત્તામાં ‘જન ગણ મન….’ ખાસ્સુ પ્રચલિત થયું હતું. 1919 વર્ષની શરૂઆતમાં જ્યારે ટાગોર દક્ષિણ ભારતના પ્રવાસે હતા ત્યારે તેઓ 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી મદ્રાસ રાજ્યના હિલ સ્ટેશન મદનપલ્લે ખાતે રોકાયા હતા. મદનપલ્લે ખાતે આવેલી ‘બેસન્ટ થિયોસોફિકલ કોલેજ’ની તેમણે મુલાકાત લીધી હતી. અહીંયાની મુલાકાત દરમિયાન કોલેજના આર્ટરૂમમાં ગીતો ગવાઈ રહ્યા હતા અને ત્યારે ટાગોરને પણ પોતાનું એક ગીત સંભળાવવાની સૌએ વિનંતી કરી. તેમણે ‘જન મણ ગન…’ ગાયું. બેસન્ટ કોલેજના વિદ્યાર્થીઓ અને વાઇસ પ્રિન્સિપાલ માર્ગારેટ કઝિને(Margaret Cousins) તેને ખૂબ વધાવ્યું. માર્ગારેટ કઝિન પોતે સંગીત અને કવિતાના અચ્છા જાણકાર હતાં. તેમનાં લગ્ન પણ આઇરીશ કવિ જેમ્સ કસિન સાથે થયા હતા.
રવિન્દ્રનાથ ટાગોરે પછીથી માર્ગારેટને ‘જન ગણ મન…’ કેવી રીતે ગાવું તે અંગે સ્વરોની નોટ્સ આપી જેથી તેને કાયમી રેકોર્ડમાં રાખી શકાય. બીજા દિવસે તે નોટ્સ મુજબ માર્ગારેટ કઝિને ટાગોર સામે ટ્યૂન બનાવી આપી. ટાગોરે બંગાળીનો એક-એક શબ્દનો અંગ્રેજી ભાવાર્થ સમજાવી તે પૂરું ગીત તૈયાર કર્યું અને પછીથી તો તેમણે રાષ્ટ્રગીતનો અંગ્રેજી અનુવાદ પણ કરી આપ્યો. ટાગોરે અંગ્રેજીમાં રાષ્ટ્રગીતનું મથાળું ‘ધ મોર્નિંગ સોન્ગ ઑફ ઇન્ડિયા’ આપ્યું છે. બેસન્ટ કોલેજ દ્વારા તે ગીતને પ્રાર્થના તરીકે ત્યારથી અપનાવ્યું અને આજે પણ ત્યાં એ જ રીતે અંગ્રેજીમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે.
રાષ્ટ્રગીતનો અંગ્રેજી અનુવાદ કરેલી ટાગોરની હસ્તપ્રત આજે પણ કોલેજની લાઇબ્રેરીમાં સુરક્ષિત છે.