Thursday, September 17, 2026
HomeGujaratપરીક્ષા આપવા જતી ઉમેદવારને રસ્તામાં ઉતારી દીધી, ઓલાને ₹50 હજાર વળતર ચૂકવવાનો...

પરીક્ષા આપવા જતી ઉમેદવારને રસ્તામાં ઉતારી દીધી, ઓલાને ₹50 હજાર વળતર ચૂકવવાનો આદેશ

- Advertisement -

Ola compensation case: આંધ્ર પ્રદેશમાં જુનિયર સિવિલ જજની મુખ્ય પરીક્ષા આપવા જતી એક ઉમેદવાર અને તેની માતાને રસ્તામાં જ છોડી દેવાના મામલે કુર્નૂલ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે ઓલા કંપનીને સેવામાં ખામી બદલ જવાબદાર ઠેરવી છે. આયોગે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર ઓનલાઈન પ્લેટફોર્મ હોવાનો દાવો કરીને કંપની પોતાની જવાબદારીમાંથી બચી શકતી નથી. આ કેસમાં આયોગે ઓલાને ફરિયાદીને ₹50 હજાર વળતર અને ₹5 હજાર કેસ ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો છે.

મળતી માહિતી મુજબ ફરિયાદી ઉલ્લાજી ચેન્નમ્માએ 11 ઓક્ટોબર, 2025ના રોજ ગુન્ટૂરથી આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટીમાં આવેલ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે ઓલા મારફતે ઓટો રિક્ષા બુક કરી હતી. આરોપ મુજબ, ડ્રાઇવર એપમાં દર્શાવેલા વાહન નંબરથી અલગ વાહન લઈને આવ્યો હતો અને OTP મેળવ્યા બાદ મુસાફરી શરૂ કરી હતી.

- Advertisement -

ફરિયાદ અનુસાર, પરીક્ષા કેન્દ્ર તરફ જવાના બદલે ડ્રાઇવરે રસ્તો બદલી દીધો હતો અને ફરિયાદી તથા તેની માતાને નિર્ધારિત સ્થળથી આશરે 25 કિલોમીટર દૂર લઈ ગયો હતો. ત્યારબાદ ડ્રાઇવરે વધારાના પૈસાની માંગણી કરી હતી. જ્યારે ફરિયાદીએ વધારાની રકમ આપવાનો ઇનકાર કર્યો ત્યારે ડ્રાઇવરે અભદ્ર વર્તન કર્યું હતું અને સવારે આશરે 7:28 વાગ્યે બંનેને રસ્તાની બાજુએ ઉતારીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.

આ ઘટનાના કારણે ઉમેદવાર અને તેની માતાને પોતાના ખર્ચે અન્ય ઓટો ભાડે કરીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું પડ્યું હતું. ફરિયાદીએ આયોગ સમક્ષ રજૂઆત કરી હતી કે આ સમગ્ર ઘટનાના કારણે તેને ભારે માનસિક તણાવ અને ભાવનાત્મક આઘાત પહોંચ્યો હતો, જેના કારણે તેની પરીક્ષાની તૈયારી અને પ્રદર્શન પર પણ નકારાત્મક અસર પડી હતી.

ઘટના બાદ અનેક ફરિયાદો અને કાનૂની નોટિસ આપ્યા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન મળતાં ફરિયાદીએ ગ્રાહક આયોગનો દરવાજો ખખડાવ્યો હતો. બીજી તરફ ઓલાએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે કંપની માત્ર ગ્રાહકો અને ડ્રાઇવરોને જોડતું એક મધ્યસ્થ પ્લેટફોર્મ છે અને ડ્રાઇવરના વર્તન માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં.

- Advertisement -

જોકે આયોગે ઓલાની આ દલીલ ફગાવી દીધી હતી. આયોગે જણાવ્યું હતું કે ગ્રાહકો પ્લેટફોર્મની વિશ્વસનીયતા પર ભરોસો રાખીને સેવા લેતા હોય છે, તેથી કંપનીની ફરજ બને છે કે તે પોતાના નેટવર્ક સાથે જોડાયેલા ડ્રાઇવરોની જવાબદારી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરે.

આયોગે પોતાના નિર્ણયમાં નોંધ્યું હતું કે ડ્રાઇવર દ્વારા માર્ગ બદલવો, વધારાના પૈસાની માંગણી કરવી અને પરીક્ષા પહેલાં મહિલા ઉમેદવાર તથા તેની માતાને રસ્તામાં ઉતારી દેવું ગંભીર ગેરવર્તન અને સેવામાં ખામી ગણાય છે. આ સાથે આયોગે ઓલાને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે મોનિટરિંગ અને વેરિફિકેશન વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પણ સૂચના આપી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular