Friday, June 5, 2026
HomeNavajivan CornerLink In Bioરામભક્ત રંગબાજ: કોમી રંગની વાસ્તવિકતા ચિતરતી નવલકથા!

રામભક્ત રંગબાજ: કોમી રંગની વાસ્તવિકતા ચિતરતી નવલકથા!

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રાકેશ કાયસ્થ (Rakesh Kayasth) હિંદી સાહિત્ય જગતમાં નવું નામ ઉભરીને આવ્યું છે અને અત્યારે તે નામ ચર્ચામાં છે તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ના (Rambhakt Rangbaaz) કારણે. રાકેશ કાયસ્થ મૂળે પત્રકાર અને તેઓ દેશના ગ્રામિણ પરિવેશથી માંડિને શહેરી ચમકદમક ભર્યા જીવનને સારી રીતે સમજે છે. તેમના પુસ્તકના ફ્લેપ પર આપેલી તેમની ઓળખમાં તેમનું મુખ્ય કાર્ય ન્યૂઝ ટીવી ચેનલમાં રાજકીય વ્યંગ લખવાનું રહ્યું છે. તે ઉપરાંત તેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ અને ‘મૂવર્સ એન્ડ શેકર્સ’ નામના જાણીતા શૉ માટે સ્ક્રિપ્ટ લખી છે. આ રીતે વર્ષો સુધી તેમનું કાર્ય ન્યૂઝ ટેલિવિઝન સાથે રહ્યું અને આ સાથે તેમણે રાજકીય વ્યંગનું લેખન પણ કર્યું. તેમનો વ્યંગસંગ્રહ ‘કોસ કોસ શબ્દકોશ’ હિંદી વાચકોમાં ખૂબ વંચાયો છે અને તે પછી તેમની નવલકથા ‘પ્રજાતંત્ર કે પકોડે’ પણ લોકપ્રિય થઈ છે. પણ અત્યારે આવેલી તેમની નવલકથા‘રામભક્ત રંગબાજ’ની ચર્ચા ખૂબ થઈ રહી છે. જે સમયે આ નવલકથા (Novel) આવી છે તે સમયમાં તેની કથાવસ્તુ આપણી આસપાસ ભજવાઈ રહી હોય તેમ લાગે છે અને તે કારણે તે વધુ પ્રસ્તુત છે.

Novel Rambhakt Rangbaaz By rakesh kayasth
Novel Rambhakt Rangbaaz By rakesh kayasth

હિંદી સાહિત્યમાં રાજકીય ધારદાર વ્યંગ લખવાનો શિરસ્તો ચાલતો આવ્યો છે. હરિશંકર પરસાઈ, શ્રીલાલ શુક્લ, શરદ જોશી અને અશોક ચક્રધર જેવાં નામો તેમાં તુરંત સામે આવે છે. રાકેશ કાયસ્થના વ્યંગ હિંદીના આ જાણીતા વ્યંગકારોમાં સ્થાન પામશે એવો દાવો અત્યારે થઈ રહ્યો છે. આ દાવો થાય છે ખાસ કરીને ‘રામભક્ત રંગબાજ’ નવલકથાના કારણે. જેમાં તેમની કથાવસ્તુ હિંદુ-મુસ્લિમના સંબંધને જોડીને કહેવાઈ છે. પહેલાં તો નવલકથાનું નામ સાંભળીને એમ થાય કે તેમાં હિંદુ રાષ્ટ્રની કલ્પના હશે અને તેમાં હાલમાં થઈ રહેલાં જાતભાતનાં વિવાદોનો શોરબકોર હશે. પરંતુ તેવું જરાય નથી અને લેખકે શરૂઆતમાં જ આ ભ્રમ ભાંગ્યો છે અને પછી આપણી આસપાસ જે હિંદુસ્તાની પરિવેશ નિહાળીએ છીએ તે નાજુક દોરાથી જોડાયેલાં સમાજદર્પણ લેખક કરે છે. તેની સાથે એક વાર્તા આગળ વધી રહી છે. વાર્તાનો નાયક છે આશિક. નાયકથી વધુ તેને એક પાત્ર કહેવું યોગ્ય છે. આ પાત્ર મુસ્લિમ છે અને તે દરજીનું કામ કરે છે. આરામગંજ ચૌક પર તેની દુકાન છે અને મુસ્લિમ મહોલ્લા રૈયત ટોલીમાં તેનું ઘર આવેલું છે. તે તેના કામથી વધુ પોતાના વાતો કરવાના અંદાજથી વધુ ઓળખાય છે અને આશિક દ્વારા જ સંવાદમાં એક વાક્ય આવે છે કે ‘ખાતે તો હમ વહી હૈ, જો હમે હમારે રામજી દેતે હૈ.’ હવે જન્મે મુસલમાન આશિક એક ઘોષિત રામભક્ત હતો. તે રામભક્ત બન્યો ઇંદ્રદેવ પાંડેના કારણે, જેની પાસે તેનું શિક્ષણ થયું. એ માટે તે રામ અને રામના મહિમાથી પરિચિત છે અને ઘરમાં જે માહોલ છે તેના કારણે તે અલ્લાહ પણ આસ્થા ધરાવે છે. જોકે પાંડે પાસેથી શિક્ષણ લેતાં લેતાં સહજ રીતે તેના મોઢે રામ વધુ આવે છે અને તે કારણે આરામગંજના લોકો તેને રામભક્ત કહે છે. તે મહિલા અને પુરુષ બંનેના કપડાં સીવે છે અને મહિલાઓ સાથે તેનો ઠીકઠીક પરિચય પણ કેળવાયો છે એટલે આરામગંજના તેના યુવાસાથીઓ તેને ‘રંગબાજ’ કહીને સંબોધે છે.

- Advertisement -

આપણા દેશના કોઈ પણ નાનાં શહેરોની પૃષ્ઠભૂમિ લઈએ તો ત્યાં આ પ્રકારનું વાતાવરણ જડી આવશે. આશિક જેવા પાત્રો પણ અને તેની આસપાસની આવી રસપ્રદ સૃષ્ટિ પણ. અહીંયા સુધીની કથાવસ્તુ સુંદર રીતે શબ્દમાં ઉતરી છે અને તેમાં ભારતનો એ પરિવેશ દેખાય છે જે સદીઓથી આપણે જીવી રહ્યા છે. જેમાં દોસ્તી છે, સહભાગિતા છે, અને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ઝળકે છે. અહીંયા હિંદુ-મુસ્લિમોના ઝઘડા પણ થાય તો તેને કોમી રંગ લાગતો નથી. આ ઝઘડાનો દાયરો સિમિત છે.

આ કથાની પૃષ્ઠભૂમિ 1990થી વર્તમાન સુધીની છે અને આરામગંજનો આ માહોલમાં ભંગ ત્યારે પડે છે જ્યારે અડવાણીની રથયાત્રાનો આરંભ થાય છે. સોમનાથથી અયોધ્યા સુધીની આ યાત્રાનો રાજકીય લાભ તેના શરૂ થતાંવેત જ ભાજપને દેખાવા માંડ્યો. આ વાસ્તવિક ઘટનાને પોતાની કલ્પનાની વાર્તાથી લેખક આગળ વધારે છે, પણ ખરેખર તો આ કલ્પના નથી તેમાં દેશના અનેક નાનાં નાનાં નગરોનું ચિત્ર આલેખિત થતું જાય છે. રથયાત્રાની ચર્ચા આરામગંજ સુધી પહોંચે છે. હિંદુ-મુસ્લિમનો અહીં ભેદ નહીંવત્ હતો ત્યાં પણ લોકો હવે પોતાને હિંદુ-મુસ્લિમ તરીકે જોવા લાગ્યા હતા અને તેમાં પિસાય છે પહેલાં આશિકનું દરજીકામ અને પછી તે પોતે. આ રીતે ‘રામભક્ત’ આશિક રાતોરાત આરામગંજમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતો થઈ જાય છે. મુસ્લિમ મહોલ્લામાં આશિક પર પહેલાંથી જ ‘રામભક્ત’નું લેબલ લાગેલું છે. અને એ રીતે તેના માટે ઓળખની મુશ્કેલી તેની સામે આવે છે કે ખરેખર તે કોણ છે? અહીં લેખક પ્રશ્ન કરે છે કે, “ખરેખર એક વ્યક્તિની ઓળખ શું હોય છે, જે તે પોતે માને કે પછી અન્ય ઠરાવે તે?”

ગતિથી આગળ વધતી આ કથામાં કેટલાંક સંવાદ સમાજનું પરિદૃશ્ય બતાવે છે. અસ્પૃશ્યતા વિશે સમજાવવા અર્થે આશિક એક બહેનને કહે છે, “અરે ચાચી ઇ નયા જમાના હૈ, છુઆછૂત ભલા કૌન માનતા હૈ. રામજી ભી તો કેવટ કી નાવ પર ચઢે ઔર શબરી કે જૂઠે બેર ખાએ થે. ગલત બોલ રહે હૈ તો બતાઈએ.” આ વાતને લઈને તે બહેને આશિકને પોતાની હેસિયત દર્શાવી દીધી. તેમણે કહ્યું, “તુમ કૌન રે? બેસી પંડિતાઈ મત છાંટ, ઔકાત ભુલાઈ ગઈલ બાડે તૂ આપન?” આરામગંજમાં હવે કોમી વંટોળ આવી ચૂક્યો છે, જેમાં આશિક ફસાઈ ગયો છે. રાજકીય નેતાઓ અને કોર્પોરેશને આશિકના મહોલ્લા રૈયત ટોલીને ગેરકાનૂની જાહેર કરી દીધી છે. એક તરફ ‘એર ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો’નો નારો બુલંદ થયો અને બીજી તરફ રામભક્ત રંગબાજના મહોલ્લા પર બુલડોઝર ફેરવી દેવાની તૈયારી થઈ રહી છે. આ નાટકીય ઉતાર-ચઢાવ વચ્ચે કોમી દાવાનળથી સમાજ ધાર્મિક આધારે એટલો વિભાજીત થયો નથી જેટલો દેખાય છે. સ્નેહસંબંધ છે અને ન્યાયના પક્ષે ઊભા રહેનારા પણ છે. આશિકના અબ્બૂ કહે છે કે, “ઇંસાન ચાહે જૈસા ભી હો, મગર અંદર સે અચ્છા હી હોતા હૈ.” આ રીતે નવલકથામાં દરેક પ્રસંગે માણસાઈ રેખાંકિત કરી આપે છે.

- Advertisement -

જોકે હિંદુઓના જ મદદથી આશિક કાયદાકીય લડાઈ જીતે છે અને પોતાનો મહોલ્લો સુરક્ષિત રહે છે. પરંતુ તેની વિજયની વચ્ચે કોમી દાવાનળ શાંત નથી થયો અને તે અશાંત માહોલમાં જ આશિકને અર્ધવિક્ષિપ્ત વ્યક્તિ પેટ્રોલ છાંટીને સળગાવી દે છે. હત્યા કરનાર નિરંતર એવું સાંભળતો આવ્યો હતો કે મુસલમાન ખરાબ હોય છે અને આશિકની હત્યાથી તેનો કરૂણ અંજામ આવે છે.

નવલકથાનો આ હિસ્સો આપણી કોમી માનસિકતાને છતિ કરે છે. આશિકનો જનાજો તેના ગુરુ ઇંદ્રદેવ પાંડેના દરવાજાથી પસાર થાય છે, જ્યાં તે હંમેશા થોડી વાર માટે રોકાતો હતો. પરંતુ આજે ત્યાં રોકાવવું આશિકના હાથમાં નહોતું. પાંડેજી કહેતા હતા, રામનો માર્ગ પીડાનો છે. આશિક પણ પોતાની જાતને એમ કહેતો રહેતો. જોકે અહીંયા નવલકથાનો અંત નથી. 30 વર્ષ પછી આશિકનો દીકરો ફરી આરામગંજમાં પાછો ફરે છે. તે ન્યૂઝિલેન્ડ સ્થાયી થવા જઈ રહ્યો છે. પરંતુ તે જતાં પહેલાં પોતાના પિતાની કહાની આરામગંજના લોકો પાસેથી સાંભળવા માંગે છે. હાલના સમયમાં જે રીતે મુસ્લિમો તરફ લોકોનું વલણ બદલાયેલું છે તેથી શમી કોમીએકતાને લઈને નિરાશા અનુભવે છે. પરંતુ તેમ છતાં દેશ છોડતાં પહેલાં તેને નિર્ણય લેવામાં અસમંજસ થાય છે. શમીનો માનસિક સંઘર્ષ લેખક આ રીતે બયાન કરે છે – “બેહતરી કી ઉમ્મીદ મેં કહીં ઔર ચલે જાના હી હિજરત હૈ. મગર હમ સિર્ફ અપને ફૈસલે ચુન સકતે હૈ. ઉનકે નતીજે નહીં. ક્યા મક્કા સે મદીના જાનેવાગે પગંબર કે વારિસ હમેશા કે લિએ સુખી હો ગયે? શાંતિ કી ખાતિર કૃષ્ણ ને મથુરા છોડકર જિસ દ્વારિકા કા રૂખ કિયા, વહ ભી અંતતઃ અપનોં કે રક્ત મેં નહાકર હમેશા કે લિએ સમુદ્ર મે સમા ગઈ.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular