છેલ્લા બે સપ્તાહમાં રૂના ભાવ ૯ ટકા જેટલા તૂટી ગયા
રૂ વેચવાલીનું એટલું દબાણ છે કે ભાવ વધુ નીચે જવા સિવાય કોઇ ઉકેલ નથી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભારતીય ખેડૂતે તૂટતાં કપાસ (Cotton) ભાવથી બચવા એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) બજારમાં માલના ઢગલા કરી દેતા, છેલ્લા બે સપ્તાહમાં રૂના ભાવ ૯ ટકા જેટલા તૂટી ગયા છે. ગુજકોટ એસોસિયેશન કહે છે કે ૧૯ મેના રોજ રૂના સરેરાશ ભાવ ખાંડી (૩૫૫.૬૨ કિલો) રૂ. ૫૯,૪૦૦ હતા, પણ હવે તે હવે ઘટીને ૫૫,૫૦૦ થયા છે. આંતરરાષ્ટ્રીય ભાવ સાથે સ્થાનિક ભાવની હવે પેરિટી (ભાવ સરખા થયા) આવી ગઈ છે.
વર્તમાન રૂ મોસમ (ઓક્ટોબર ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૩)માં ૩૩૭ લાખ ગાંસડી અંદાજિત ઉત્પાદનમાંથી અત્યાર સુધીમાં ૨૭૦ લાખ ગાંસડી બજાર થઈ ગઈ છે. એકલા એપ્રિલમાં માસિક આવક, ગતવર્ષના ૭.૩૯ લાખ ગાંસડી સામે ૪૨.૮૨ લાખ હબ્બેસ ગાંસડીની આવક થઈ ગઈ હતી. સધર્ન ઈન્ડિયા મિલ્સ એસોસિયેશન (સીમા)ના ચેરમેન રવિ સામ કહે છે કે ૩૧ માર્ચે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ લઘુત્તમ ટેકાના ભાવે રૂની ખરીદી બંધ કરવાની જાહેરાત કરી છતાં, એક તબક્કે જાગતિક બજારમાં ભાવ અનાપ સનાપ વધી વધી રહ્યા હોવાથી, ખેડુતો અને વેપારીઓએ માલ પર પકડ વધારી મહિના દર મહિના કપાસનો સ્ટોક ૪૭ ટકાની અસામાન્ય ઊંચાઈએ પહોંચી ગયો.
એપ્રિલ ૨૦૨૨માં ભાવ પ્રતિ ખાંડી રૂ. ૧.૧ લાખ બોલાયા હતા. રવિ સામ કહે છે વૈશ્વિક રૂ મોસમ ઓગસ્ટમાં શરૂ થઈ, આ ગાળામાં ભારતીય રૂ બજારમાં આવવું જોઈતું હતું, જેથી ભાવ સ્થિરતા જળવાઈ રહેતે. સીમા હવે કહે છે કે કેન્દ્ર સરકારે વર્તમાન વર્ષના ઑક્ટોબર સુધી રૂ આયાત પર, ૧૧ ટકા આયાત જકાત નાબૂદ કરવી જોઈએ, જે એપ્રિલથી ઑક્ટોબર ૨૦૨૨ દરમિયાન કર્યું હતું. ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં રૂની આવકો ૬૦ ટકા જેટલીજ થઈ હતી, જે ગતવર્ષે ૮૫થી ૯૦ ટકા થઈ ગઈ હતી.
સ્પિનર્સ એસોસિયેશન ઓફ ગુજરાત (સાગ)ના ઉપ-પ્રમુખ જયેશ પટેલ કહે છે કે છેલ્લા એકાદ બે સપ્તાહમાં જ રૂના ભાવ પ્રતિ ખાંડી રૂ. ૩૦૦૦ જેટલા ઘટી ગયા છે. આમ છતાં જાગતિક બજાર કરતાં ભારતીય રૂ ભાવ મોંઘા લાગે છે, પરિણામે માંગ નબળી પડી ગઈ છે. ખેડૂતો ઊંચા ભાવ માંગી રહ્યા છે, તેમણે માલ પરની પકડ વધારી છે, પણ હવે ભાવ જ્યારે વેગથી ઘટવા લાગ્યા ત્યારે તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો છે. રૂ વેચવાલીનું એટલું દબાણ છે કે ભાવ વધુ નીચે જવા સિવાય કોઇ ઉકેલ નથી.
કોટન યાર્ન ૩૦ કોમ્બના ભાવ ઘટીને કિલો દીઠ રૂ. ૨૪૫ થયા છે, હવે એવું લાગે છે કે સ્થાનિક તેમજ જાગતિક બજારમાં યાર્નની માંગ નીકળશે, સાથે જ દિવાળીની મોસમી માંગના દિવસોમાં કપડાં સસ્તા મળશે. નીચા યાર્ન ભાવે નિકાસના ઓર્ડરો મેળવવાનું સરળ થશે, ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ અને અન્ય દેશો સાથે હવે ભારતનો ટેક્સટાઇલ ઉધ્યોગ સ્પર્ધામાં ઊભો રહી શકશે. રૂના ભાવમાં અફડાતફડી વધી છે, ત્યારે અમને આશા છે કે અહી કોઈક ભાવે બજાર સ્થિર થશે, પરિણામે કાપડ બજારમાં ઓગસ્ટથી ભાવ ઘટાડો જોવાવાનું શરૂ થશે.
અમેરિકન કૃષિ મંત્રાલયનો સાપ્તાહિક અહેવાલ કહે છે કે ૭૯.૭૫ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ)ના ભાવે ૨૦૩૭૬ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) રૂનું વેચાણ ગત સપ્તાહે થયું હતું. કોટલુક એ ઇંડેક્સ ૨૫૦ પોઇન્ટના ઘટાડા બાદ ૯૪.૧૫ પોઈન્ટ રહ્યો હતો. ગત સપ્તાહે આઈસીઇ એક્સ્ચેન્જ પર સર્ટિફાઇડ સ્ટોક ૬૩ ગાંસડી મુકાયો હતો. આઈસીઇ જુલાઇ રૂ વાયદો ગુરુવારે ૮૪.૯૮ મુકાયો હતો.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796