Saturday, August 8, 2026
HomeBusinessનબળું મુલ્ય ધરાવતા યેન રોકાણકારોને સોનામાં સલામતી મેળવવાનું કહે છે

નબળું મુલ્ય ધરાવતા યેન રોકાણકારોને સોનામાં સલામતી મેળવવાનું કહે છે

- Advertisement -
  • નબળા પડી રહેલા જાપાન યેનને સ્થિર કરવા અમેરિકા અને જપાને કરન્સીબજારમાં સંયુક્ત મધ્યસ્થી કરી
  • સોનાના ભાવ ૩૧ જુલાઈએ ૪૦૨૦ ડોલર હતા આજે ૪૩૧૬ ડોલર થયા: જપાન યેન મજબુત થઈ ૧૫૫ યેન
  • સોનાના ભાવ ૧૬ જુન પછીની નવી ઊંચાઈ ૪૩૧૬ ડોલર

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): સોના ચાંદી માટે આગામી સપ્તાહ માટે, આજની અમેરિકન બિન-કૃષિ રોજગારીના આંકડા મહત્વના ફંડામેન્ટલ્સ બની રહેવાના. જો આંકડા બજારની અપેક્ષા પ્રમાણે નબળા આવશે તો, યુએસ ફેડરલ રીઝર્વ આ વર્ષે કદાચ વ્યાજદર વધારવાને બદલે ઘટાડવા ઉત્સુક બને. શુક્રવારે જાગતિક બજારમાં સોનાના ભાવ ૧૬ જુન પછીની નવી ઊંચાઈ ૪૩૧૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) અને ભારતીય બજારમાં હાજર ભાવ ઇન્ટ્રાડેમાં રૂ. ૧,૪૯,૮૯૦ પ્રતિ ૧૦ ગ્રામ મુકાયા હતા. સર્વાંગી રીતે જોઈએ તો આંતરપ્રવાહ તેજીનો બની રહ્યો છે. વ્યાજદર ઉંચે જવાની શક્યતા છતાં, સેન્ટ્રલ બેંકો સોનામાં લેવાલ છે. નાણાનીતિમાં બદલાવ છતાં, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ માને છે કે ૨૦૨૬મા સેન્ટ્રલ બેંકો નેટ લેવાલ રહેશે. વધુમાં વર્તમાન વેપાર મડાગાંઠ, શક્ય છે કે વ્યાજદર ઘટાડવાનું કારણ બની જાય.

આ સપ્તાહમાં એક મહત્વની ઘટના બની, સતત નબળા પડી રહેલા જાપાન યેનને સ્થિર કરવા, અમેરિકા અને જપાને કરન્સીબજારમાં સંયુક્ત મધ્યસ્થી કરી તેને પગલે જાગતિક બજારમાં એવી ચિંતા પ્રસરી કે જાગતિક ફંડ બજારમાં અસ્થિરતા નિર્માણ થઇ છે. મોટાભાગના બુલિયન રોકાણકારો એવું માનતા હોય છે કે, આ એક ફોરેન એક્સચેન્જ સમાચાર છે. જપાન પોતાના યેનને સ્થિર કરવા મથી રહ્યું છે, પણ અહી પ્રશ્ન એ છે કે અમેરિકા શું કામ દાળમાં ડોયો હલાવવા આવ્યું? યેન મૂલ્યમાં ધરખમ ઉછળકૂદ થતા, અમેરિકાના ટ્રેઝરી બોન્ડ અને ટેકનોલોજી શેરના ભાવને અસર શું કામ થવા લાગી? અને આ ચિંતાઓનું મોજું બુલિયન બજારમાં કેમ આવ્યું? રોકાણકારોએ હવે કરન્સીબજાર અને બોન્ડ બજારમાં થતા પરિવર્તનોને ધ્યાને લઇ સોદા ગોઠવવાના રહેશે, જે સોનાને લક્ષ્યાંક બનાવશે.

- Advertisement -

અગામી સપ્તાહે સોનામાં તેજી આવશે, એ સીધી રીતે માત્ર યેન નક્કી નહિ કરે, પણ એટલું તો જરૂર દર્શાવશે કે નબળું મુલ્ય ધરાવતી કરન્સીઓ, સોના ચાંદીની સામે પણ ભારતીય રૂપિયા સહીત પોતાનું મુલ્ય ગુમાવશે. બસ આ જ ઘટના રોકાણકારોને સોનામાં સલામતી મેળવવાનું કહે છે. અમેરિકા અને જપાને, ડોલર સામે યેનને ૧૫૬થી નીચે જતા અટકાવવાની હિમ્મતપૂર્વક, કરન્સીબજારમાં મધ્યસ્થી કરી. ૩૦ જુલાઈએ ડોલર/યેન, ૧૯૮૬ પછી પહેલી વખત ૧૬૪ યેન પર પહોચી ગયો. આનો અર્થ એ થાય કે છેલ્લા ૪ દાયકામાં યેનની આવી નબળાઈ જોવા મળી નાં હતી. આ ભયંકર સંકેત થકી, જપાન સત્તાવાળાઓએ ડોલર/જપાન યેન દરને તૂટતો અટકાવવા ઝડપથી મધ્યસ્થી કરી અને યેન થોડો મક્કમ થઇ ૧૫૮ થયો. એક અહેવાલ પ્રમાણે ૩૧ જુલાઈએ સમાચાર આવ્યા કે ન્યુયોર્ક ફેડ રીઝર્વે અમેરિકા તરફથી યુરો વેચીને યેનની ખરીદી કરી, તૂટતા યેનને બચાવવા પ્રયાસ કર્યા. બજારના અર્થશાસ્ત્ર પ્રમાણે ડોલર નબળો પડે કે વ્યાજદર ઘટે ત્યારે સોનાના ભાવ વધતા હોય છે. ઘણી વખત આ નિયમને સોનું દાદ નથી આપતું, પણ એટલું તો ચોક્કસ છે કે બજારના આંતરપ્રવાહ પર કરન્સી બજારની વધઘટનાં પ્રતીબિંબથી ચોક્કસ પ્રતિભાવ જોવા મળે છે.

ઐતિહાસિક રીતે જોઈએ તો જગતભરના કેરીટ્રેડરો (નીચા વ્યાજદરે અન્ય દેશમાંથી લોન મેળવવી)ને આ સેવા જપાન યેન પૂરી પડે છે. તાજેતરમાં જો તમે જપાન યેન અને અમેરિકન ટ્રેઝરી માંગમાં આવેલો જુવાળ જુઓ તો, આ ઘટનાના અર્થઘટનો સમજી શકાશે. સોનાના રોકાણકારોને આ ઘટનાથી સમજાય છે કે બજારમાં નાણાપ્રવાહિતાની અછત, તમને ટૂંકાગાળા માટે સોદા વેચી નાખવાની સલાહ આપતા હોય છે. પણ બજારમાં સર્જાતી ઘટનાઓ તમને લાંબાગાળા માટે સોનાનું વાસ્તવિક મુલ્ય શું છે, તે સમજાવી દે છે. તમે જુઓ, ૧૯૯૮ પછી પહેલી વખત યેનને ટેકો આપવા માટે અમેરિકા અને જાપાન બન્ને દેશોએ સંગઠિત રીતે યેન ખરીદ્યા છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં અમેરિકાએ સત્તાવાર રીતે આ પગલાને સ્વીકૃતિ આપી. બજારે આ નીતિવિષયક ઘટનાને પચાવી પડી છે. સોનાના ભાવ ૩૧ જુલાઈએ ૪૦૨૦ ડોલર હતા તે આજે ૪૩૧૬ ડોલર થયા અને જપાન યેન ૪ ટકા મજબુત થઈ ૧૫૫ યેન મુકાયો.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular