નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર નાણા વસુલીના ગંભીર આક્ષેપ લાગ્યા છે. આ આક્ષેપ સત્તાધારી પક્ષના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ દ્વારા લગાવાયા છે. ગોવિંદ પટેલે 15 ટકા હિસ્સો માંગી કમિશનરે ઉઘરાણી કરી આપવાના અને એફ.આઈ.આર. દાખલ નહીં કરવાના આરોપ લગાવ્યા છે. ગોવિંદ પટેલે આ આરોપ લગાવતો પત્ર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લખી જાણ કરી છે. ધારાસભ્યના આ પત્રને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
75 લાખ કમિશનરે લઈ લીધા બીજા 30 માટે ઉઘરાણીનો આરોપ
રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી છે. આ પત્રમાં ગોવિંદ પટેલ દ્વારા રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર 15 ટકા માગી વસુલી કરવાના તેમજ કાયદેસર બનતી ફરિયાદ નહીં લેવાના આરોપ લગાવ્યા છે. જેમાં 75 લાખની રકમ ચાંઉ કરી લીધા બાદ 30 લાખ માટે એક પી.આઈ. ફોન કરી રહ્યાના આરોપ છે.
ટકાવારી પર વસુલી કરી આપવાનો આરોપ
ગોવિંદ પટેલના આ પત્રમાં જણાવાયું છે કે, રાજકોટના મહેશભાઈ સખીયા સાથે 15 કરોડની ઠગાઈ થઈ હતી. જે બાબતે પોલીસે એફ.આઈ.આર. નહીં લખી જે રકમ વસુલી થાય તેમાંથી 15 ટકા રકમ માંગી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચ વસુલીના કામે લાગી અને સાતેક કરોડની ઉઘરાણી કરવામાં ‘સફળતા હાંસલ’ કરી હતી. આ રકમમાંથી 75 લાખ જેટલી રકમ પોલીસ કમિશનરે પી.આઈ. મારફત મેળવી લીધી હતી. તેમજ હજુ 30 લાખની ઉઘરાણી પી.આઈ. ફોન મારફતે કરી રહ્યા છે.
જુના ભુત પણ ફરી ધુણશે તેવી સંભાવના
જ્યારે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગૃહરાજ્ય મંત્રીને પત્ર લખી જાણ કરે તો શહેરમાં કેટલી ગંભીર ઘટનાઓ સામાન્ય લોકો સાથે બનતી હશે તેવી શહેરીજનોમાં ચર્ચા જાગી છે. ગોવિંદ પટેલના પત્ર બાદ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. ગૃહરાજ્ય મંત્રી સંઘવી આ બાબતે ગંભીરતા પૂર્વક પગલા લેશે તેવી શક્યાતાઓ વ્યક્ત થઈ રહી છે. જાણકાર સુત્રો પાસેથી માહિતી મળે છે કે આ ફરિયાદ બાદ ભૂતકાળની કેટલીક ઘટનાઓના ભૂત પણ આ ફરિયાદ બાદ ધુણી શકે છે.
ગોવિંદ પટેલની રજૂઆતને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ યોગ્ય ગણાવી
રામ મોકારિયાએ જણાવ્યુ હતું કે, “રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જમીનો ખાલી કરાવવા અને જમીનોના સેટિંગમાં રચ્યાપચ્યા રહે છે. તેમણે આવી બધી પ્રવૃત્તિ માટે પોતાના ખાસ અધિકારીઓનો ઉપયોગ કરે છે. તેમજ ઓફિસમાં ગેરહાજર રહીને સામાન્ય જનતાને પણ સમય આપતા નથી. તેમને ફોન કરીએ તો ગાંધીનગર હોવાનું જણાવે છે અને વિડીયો મધ્યમથી રજૂઆત સાંભળે છે.”
કાયદાના રક્ષક આવું કરશે તો કાયદાની રક્ષા કોણ કરશે ?
લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તો કથળી છે ત્યારે કાયદાના રખેવાળો પણ ગુંડાગીરી જેવી ઉઘરાણી કરાવનું કામ કરશે તો કાયદાનું રક્ષણ કોણ કરશે ? આ બાબતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કેવા પગલા લેશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ સુત્રોની માહિતી મુજબ ભાજપના સુપ્રિમ લીડર પાસે આ બાબત પહોંચશે તો ભીનું સંકેલાઈ જશે.
આ મુદ્દે ગુજરાતનાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નિવેદન આપ્યું હતું કે, “ગોવિંદ પટેલે આ પહેલા પણ મને ફરિયાદ કરેલી જે બાબતે અમે તપાસ હાથ ધરી છે. આ મેટર મારા કરતા પણ જૂની છે. ગોવિંદ પટેલ રજૂઆત કર્યા બાદ અમે કમિશનરને મળ્યા પણ હતા. અને હવે ખરેખરમાં હકિકત શું છે તેની તપાસ કરીશું અને જો જરૂર જણાશે તો કમિટિ દ્વારા પણ તપાસ કારવીશું.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












