નવજીવન ન્યૂઝ.રાજકોટઃ એક્સપાયર લાયસન્સ વાળા ડ્રાઈવરના હાથમાં સીટી બસનું સ્ટીયરિંગ હતું. સિગ્નલ પર લોકો ઊભા છે, કોઈ નોકરી પર જઈ રહ્યું છે તો કોઈ પોતાના બાળકને લઈને જઈ રહ્યું છે. કોઈ કારમાં છે તો કોઈ બાઈક પર, અને એવામાં સીટી બસના (Rajkot City Bus) એક્સપાયર લાયસન્સ વાળા ડ્રાઈવરે સિગ્નલ પર જ મોતનો તાંડવ કરી નાખ્યો. આ તાંડવ બસના ડેશ કેમમાં રેકોર્ડ થયો છે અને તેના ફૂટેજ ચોંકાવનારા છે. આ મામલામાં તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ઈલે. બસ દિલ્હીની ઈલેક્ટ્રો મોબિલિટી સોલ્યુશન પ્રા.લિ. કંપનીની છે અને ભાજપના માનીતા કાર્યકર વિક્રમ ડાંગર દ્વારા બસના ડ્રાઈવર્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
શહેરના ઈન્દીરા સર્કલ પાસે આવેલા કોટેચા ચોક બાજુથી યુનિવર્સિટી તરફ જવાના સિગ્નલ પર બુધવારે સવારે સિગ્નલ પર સિટી બસ લોકો પર ફરી વળી હતી. જેમણે આ દ્રશ્ય જોયું તેમના જ હૈયા જાણે છે કે તેમણે આ દરમિયાન શું અનુભવ્યું. કેટલાક તો જીવ બચાવવાના પ્રયાસ પણ કરતા જોવા મળ્યા છે. બાળક સહિત પાંચ ઘાયલ થયા અને 4 વ્યક્તિ મૃત્યુ પામ્યા. ચાર રસ્તા પર ચિચિયારીઓ સંભળાઈ હતી. જેમાં તપાસનો રેલો સત્તા પક્ષ ભાજપ સુધી અને કોઈ ઊંચા કદના અધિકારી સુધી પણ પહોંચે તેમ છે. મામલામાં રૂ. સવા કરોડની જંગી રકમ દરેક બસ ચલાવવા પ્રતિ કિમી રૂ.53.91 લેખે કરોડો રૂપિયા ચુકવવામાં આવતા હતા. જાણે મળતિયાઓને મોજમાં રાખવા જાણે સમગ્ર કરાર કરાયો હોય તેવું લોકો કહે તો પણ નવાઈ નહીં.
રાજકોટમાં કંપનીની 74 સિટી બસ તેમજ આ જ કંપનીની 40 ઈલેક્ટ્રીક બસ પણ સિટી બસ તરીકે રાજકોટના રોડ પર દોડે છે. સૂત્રોની જાણકારી પ્રમાણે રાજકોટ રાજપત લિ. દ્વારા રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રા. લિ. સાથે ગત 2022ના જુલાઈ મહિનામાં કરાર કર્યો હતો. એટલું જ નહીં આ કંપનીને સંચાલનની અનિયમિતતાને પગલે જંગી પેનલ્ટીઝ પણ કરાઈ ચુકી છે. ભાજપ કાર્યકરનું નામ સામે આવતા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે દ્વારા મીડિયા સમક્ષ સ્પષ્ટતા પણ કરાઈ કે હાલ આ કાર્યકર પાસે કોઈ હોદ્દો નથી. પણ અહીં મામલો લોકોના મોતનો છે અને હજુ સુધી ટેન્ડર રદ કરવાની કોઈ પ્રક્રિયા કરાઈ હોવાની વિગતો મળી રહી નથી.
ડ્રાઈવરનું લાયસન્સ ફેબ્રુઆરીમાં જ એક્સપાયર થઈ ગયું હોવાની વિગતો સામે આવી છે. ત્યારે હજુ સુરતના તક્ષશીલા કાંડ, વડોદરાના હરણી બોટ કાંડ, રાજકોટના ટીઆરપી ગેમીંગ ઝોનના અગ્ની કાંડ સહિતના મામલાઓમાં પીડાયેલી પ્રજા વધુ એક કાંડ માત્ર કાંડ બનીને ના રહે અને નક્કર ન્યાય થાય જેને ખરેખર ન્યાય કહી શકાય અને સમયસર થાય તેવી લાગણીઓ લોકોમાં જોવા મળી રહી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








