નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ૩૦૦થી વધુ સભ્યોની બંધારણ સભાની પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે થઈ હતી. ભારતીય બંધારણના (Constitution of India) પ્રારૂપ નિર્માણ સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકરે (B. R. Ambedkar) આ સુંદર ભાષણ સભા દ્વારા ઔપચારીક રીતે પોતાના કાર્યના પૂર્ણ થયાના એક દિવસ અગાઉ આપ્યું હતું. તેમના ઘૂંટાયેલા અવાજમાં ગંભીરતા સાથે વિચારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તેમણે પ્રજાતંત્રમાં જન આંદોલનને સ્થાન, પ્રભાવિ નેતાઓના માર્ગે આંધળું અનુકરણ અને રાજનીતિક પ્રજાતંત્રની મર્યાદાઓ વિશે તેમના રજૂ કરેલા વિચારો આજે પણ પ્રાસંગિક લાગે છે, કદાચ તે સમય કરતાં વધુ…
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારત એક આઝાદ(સ્વતંત્ર) રાષ્ટ્ર હશે, રાષ્ટ્ર તરીકે ભારતની સ્વતંત્રતાનું ભવિષ્ય શું હશે? શું આ સ્વતંત્રતા ટકી રહેશે કે પછી ફરી ગુમાવી દેવાશે? મારા મનમાં આવનારો આ પ્રથમ વિચાર છે. એ વાત નથી કે ભારત ક્યારેય સ્વતંત્ર રાષ્ટ્ર ન હતું. કેન્દ્રવર્તી વિચાર એ છે કે સ્વતંત્રતા ભારત પાસે હતી જ અને તે એક વાર ગુમાવી દીધી હતી. શું તેને બીજી વાર પણ ગુમાવી દેશે? આ જ વિચાર છે, જેના કારણે ભવિષ્યને લઈને મને ખૂબ ચિંતા થાય છે. આ તથ્ય મને વધુ ચિંતિત કરે છે કે ન માત્ર ભારતે એક વાર પહેલાં સ્વતંત્રતા ગુમાવી બલ્કે પોતાના જ કેટલાક લોકોના વિશ્વાસઘાતના કારણે આવું થયુ હતું. સિંધ પર થયેલા મોહમ્મદ-બિન-કાસિમના હૂમલામાં રાજા દાહિરના સૈન્ય અધિકારીઓએ મોહમ્મદ-બિન-કાસિમના દલાલો પાસેથી લાંચ લઈને પોતાના રાજના વતી જ લડવાનો ઇન્કાર કર્યો હતો. એ જયચંદ જ હતો જેણે ભારત પર હૂમલો કરવા માટે અને પૃથ્વીરાજ સાથે યુદ્ધ કરવા મોહમ્મદ ઘોરીને આમંત્રિત કર્યો હતો અને પોતાની સાથે સોલંકી રાજાઓના મદદનું પણ ઘોરીને આશ્વાસન આપ્યું હતું. જ્યારે શિવાજી હિંદુઓના મુક્તિ ખાતર લડતા હતા, ત્યારે કેટલાય મરાઠા સેનાપતિઓ અને રાજપૂત રાજા મુઘલ શહેનશાહો વતી લડી રહ્યાં હતાં. અને જ્યારે બ્રિટીશરો શિખ શાસનને મિટાવવા જઈ રહ્યા હતા ત્યારે તેમના જ મુખ્ય સેનાપતિ ગુલાબસિંહ મૌન બેસી રહ્યો અને શિખ રાજ્યને બચાવવા માટે કોઈ મદદ ન કરી. સન ૧૮૫૭માં જ્યારે ભારતના મોટાભાગના વિસ્તારોમાં બ્રિટીશ શાસન સામે આઝાદીના જંગની ઘોષણા કરવામાં આવી ત્યારે શિખોએ આ ઘટનાને મૂક દર્શકની જેમ જાેતાં જ રહ્યાં હતા.
શું ઇતિહાસ આ ઘટનાઓનું પુનરાવર્તન કરશે? આ જ વિચાર છે, જે મને ચિંતામાં લાવી મૂકે છે. આ તથ્યોના અનુભવ થયા પછી ચિંતા વધુ ગંભીર થઈ જાય છે કે જાતિ અને ધર્મના રૂપમાં આપણા જુના દુશ્મનો ઉપરાંત આપણે ત્યાં વિવિધ અને વિરોધી વિચારધારા ધરાવનારા રાજકીય પક્ષો હશે. શું ભારતીયો દેશને પોતાના મતાગ્રહોથી વધુ મહત્ત્વ આપશે કે પછી પોતાને જ દેશથી વધુ સર્વોપરી સમજશે? હું આ જાણતો નથી. પરંતુ એ નિશ્ચિત છે કે જાે પક્ષો તેમના મતાગ્રહોને દેશથી વધુ મહત્ત્વ આપશે તો આપણી સ્વતંત્રતા જાેખમાઈ શકે છે અને સંભવત: તે આપણે ફરી ગુમવી દઈશું. આપણે બધાએ દૃઢ સંકલ્પ સાથે આનાથી સાવધ રહેવાનું છે. આપણે લોહીના છેલ્લી બૂંદ સુધી આપણી સ્વતંત્રતાની રક્ષા કરવાની છે.
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારત એ અર્થમાં પ્રજાતંત્ર દેશ બની જશે, જ્યાં તે દિવસે ભારતમાં પ્રજાની, પ્રજા દ્વારા અને પ્રજા માટે બનેલી સરકાર હશે. આ જ વિચાર મારા મનમાં આવે છે. તેનાથી પ્રજાતાંત્રિક બંધારણ(સંવિધાન)નું શું થશે? શું તેને યથાસ્થિતિ ટકાવી રાખશે કે તેને ફરી ગુમાવી દેશે? મારા મનમાં આવનારો આ બીજાે વિચાર છે જે પ્રથમ આવેલા વિચાર જેટલો જ ચિંતાજનક છે.
પ્રશ્ન એ નથી કે ભારતે ક્યારેય પ્રજાતંત્ર વિશે જાણ્યું નથી. એક સમય હતો, જ્યારે ભારત ગણતંત્રથી છવાયેલો હતો અને જ્યાં રાજસત્તાઓ હતી તે પણ ચૂંટેલા અથવા તો મર્યાદિત હતા. તે ક્યારેય નિરકુંશ નહોતી. એ વાત પણ નથી કે ભારતને સંસદ અને સંસંદીય પ્રણાલીનો પરિચય નહોતો. બુદ્ધ ભિક્ષુક સંઘ દ્વારા થયેલા અભ્યાસમાં એ માલૂમ પડે છે કે, માત્ર સંસદ જ નહીં બલ્કે સંઘ સંસદીય પ્રક્રિયાના તમામ નિયમોથી ભારતીયો માહિતગાર હતા ને તેનું પાલન પણ કરતા હતા, જે આધુનિક યુગમાં સર્વસામાન્ય લાગે છે. સભ્યોની બેઠક વ્યવસ્થા, ખરડો પસાર કરવો, કોરમ, વ્હિપ, મતોની ગણતરી, મતપત્રક દ્વાર ચૂંટણી, નિંદા પ્રસ્તાવ, નિયમીતકરણ જેવા નિયમો ચલણમાં હતા. તેમ છતાં સંસદીય પ્રક્રિયા સંબંધી આ નિયમ બુદ્ધે સંઘની બેઠકો પર લાગૂ કર્યાં હતા. તેમણે આ નિયમોને પોતાના સમયમાં ચાલતી રાજનીતિક સભાઓથી મેળવ્યું હશે.
ભારતે આ પ્રજાતાંત્રિક પ્રણાલી ગુમાવી દીધી છે. શું તે બીજી વાર પણ તેને ગુમાવી દેશે? હું નથી જાણતો, પરંતુ ભારત જેવા દેશમાં આની શક્યતા વધુ છે(જ્યાં લાંબાગાળા સુધી તેનો ઉપયોગ ન કરવાથી તેને બિલકુલ નવી જ વાત તરીકે સમજવામાં આવશે) જ્યાં સરમુખત્યારશાહી પ્રજાતંત્રનું સ્થાન લઈ લે. નવા જ પ્રજાતંત્ર માટે આની શક્યતા નકારી શકાય નહીં. જ્યાં પ્રજાતંત્રનું આવરણ બનાવીને, વાસ્તવમાં સરમુખત્યારશાહી લાદી દેવામાં આવી હોય. ચૂંટણીમાં જંગી જીતની સ્થિતિમાં બીજી શક્યતાઓ યથાર્થ બને તેવું જાેખમ વધુ છે.
પ્રજાતંત્રને માત્ર બાહ્ય સ્વરૂપમાં નહીં પણ વાસ્તવમાં બનાવી રાખવા આપણે શું કરવું જાેઈએ? મારી સમજ મુજબ આપણે પ્રથમ કામ એ કરવું જાેઈએ કે આપણી સામાજિક અને આર્થિક ઉદ્દેશને મેળવવા માટે નિષ્ઠાપૂર્વક સંવિધાન આપેલા સૂચનોની મદદ લેવી જાેઈએ. આનો અર્થ છે કે, આપણે ક્રાંતિનો હિંસક માર્ગ છોડવો પડશે. તેનો અર્થ છે કે આપણે સવિનય ભંગ આંદોલન, અસહયોગ અને સત્યાગ્રહની રીતો છોડવી પડશે. જ્યારે આર્થિક અને સામાજિક ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે કોઈ બંધારણીય ઉકેલ ન રહ્યો ત્યારે ગેરબંધારણીય ઉકેલ યોગ્ય લાગવા લાગે છે. પરંતુ જ્યાં બંધારણીય ઉપાય મોજૂદ છે ત્યાં ગેરબંધારણીય ઉપાયનો કોઈ જ મહત્ત્વ નથી. આ રીતે અરાજકતાના સિવાય કશું જ નથી અને બને એટલું વહેલાસર તેને છોડી દેવું જાેઈએ તે આપણા માટે યોગ્ય રહેશે.
બીજી વાત જે આપણે કરવી જાેઈએ, તે કે જ્હોન સ્ટુઅર્ટ મિલની ચેતવણી ધ્યાનમાં રાખવી, જેમાં તેમણે પ્રજાતંત્ર ટકાવી રાખવા ઇચ્છતા લોકોને ઉદ્દેશીને કહી છે, મતલબ કે, “પોતાની સ્વતંત્રતાને કોઈ મહાનાયકના ચરણોમાં ધરશો નહીં અથવા તેના પર વિશ્વાસ રાખીને તેને એટલી શક્તિ ન આપી દો કે તે સંસ્થાઓને નષ્ટ કરવા માટે સમર્થ બની જાય” કોઈ મહાન વ્યક્તિઓના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવો તેમાં કશું જ ખોટું નથી જેમણે પૂરા જીવન દરમિયાન દેશની સેવા કરી હોય. પરંતુ કૃતજ્ઞ થવાની પણ કેટલીક મર્યાદાઓ છે. જેમ કે આયરીશ દેશભક્ત ડેનિયલ ઓ કૉમેલે તે વિશે ખૂબ સરસ વાત કહી છે “કોઈ પણ પુરુષ પોતાના સન્માનના ભોગે કૃતજ્ઞ નથી થતો, કોઈ સ્ત્રી તેના સતીત્વના ભોગે કૃતજ્ઞ નથી થતી તેમ જ કોઈ પણ રાષ્ટ્ર પોતાની સ્વતંત્રતા ભોગે કૃતજ્ઞ નથી થઈ શકતો” આ જાેખમ બીજા દેશના મુકાબલે ભારતમાં વધુ જરૂરી લાગે છે, કારણ ભારતમાં ભક્તિ અથવા નાયકપૂજા તેની રાજનીતિમાં જે ભૂમિકા ભજવે છે, તે ભૂમિકાના પરિણામના મુદ્દે વિશ્વનો કોઈ દેશ ભારતના તોલે આવી શકે તેમ નથી. ધર્મના ક્ષેત્રમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે છે, પરંતુ રાજનીતિમાં ભક્તિ કે નાયક પૂજા પતન અને છેવટે સરમુખત્યારશાહીનો સીધો માર્ગ છે.
ત્રીજી વાત જે આપણે કરવી જાેઈએ, કે માત્ર રાજનીતિક પ્રજાતંત્ર પર સંતોષ ન માનવો. આપણું રાજનીતિક પ્રજાતંત્ર એક સામાજિક પ્રજાતંત્ર પણ બનવું જાેઈએ. જ્યાં સુધી સામાજિક પ્રજાતંત્રને આધાર ન મળે ત્યાં સુધી રાજનીતિક પ્રજાતંત્ર ન ચાલી શકે. સામાજિક પ્રજાતંત્રનો અર્થ શું છે? તે એક એવી જીવનશૈલી છે જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાને જીવનના સિદ્ધાંતોના રૂપમાં સ્વીકાર કરે છે. સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના સિદ્ધાંતોને જુદી રીતે સમજવા ન જાેઈએ. એ અર્થમાં આ એવી રીતે એકરૂપ બને છે કે એક સિદ્ધાંતથી પણ વિમુખ થઇએ ને બીજાનું પાલન કરવા જઈએ તો તેનાથી પ્રજાતંત્રનો ઉદ્દેશ મેળવી નથી શકાતો. સ્વતંત્રતાને સમાનતાથી અલગ ન કરી શકાય, તેમ જ સમાનતાને સ્વતંત્રતાથી. એવી જ રીતે સ્વતંત્રતા અને સમાનતાને ભાઈચારાથી અલગ ન કરી શકાય. સમાનતા સિવાય સ્વતંત્રતા બહુમતિ પર જૂજ લોકોનું જ પ્રભુત્ત્વ બનાવી દેશે. સ્વતંત્રતા વિનાની સમાનતા વ્યક્તિગત ભૂમિકાને(ઉપક્રમ હિન્દીમાંનો શબ્દ) મિટાવી દેશે. ભાઈચારા વિનાની સ્વતંત્રતા અને સમાનતા સહજ નહીં લાગે. તેને અમલમાં લાવવા માટે હંમેશા એક કૉન્સ્ટેબલની જરૂર પડશે. આપણે આ તથ્યની સ્વીકૃતિથી શરૂઆત કરવી જાેઈએ કે ભારતીય સમાજમાં બે બાબતનો બિલકુલ અભાવ જાેવા મળે છે. તેમાંથી એક છે સમાનતા. સામાજિક સ્તરે(ધરાતલ હિન્દીમાંનો શબ્દ) ભારતમાં બહુસ્તરીય અસમાનતા છે-એટલે કે કેટલાકને વિકાસનો અવસર મળે છે અને અન્યને પતનનો. આર્થિક સ્તરે આપણા સમાજમાં કેટલાક લોકો છે, જેમની પાસે અખૂટ સંપત્તિ છે અને ઘણાં લોકો ગરીબીમાં જીવન વીતાવી રહ્યાં છે. ૨૬, જાન્યુઆરી ૧૯૫૦ના દિને આપણે એક વિરોધાભાસી જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આપણી રાજનીતિમાં સમાનતા હશે અને સામાજિક અને આર્થિક જીવનમાં પણ અસમાનતા. રાજનીતિમાં આપણે એક વ્યક્તિને એક વોટ અને દરેક વોટનું સમાન મૂલ્યના સિદ્ધાંત પર ચાલતાં હોઈશું. પરંતુ આપણા સામાજિક અને આર્થિક જીવનમાં રહેલા આપણા જ સામાજિક અને આર્થિક ઢાંચા(ઢાંચે હિન્દી શબ્દ)ના કારણે દરેક વ્યક્તિ એક મૂલ્યના સિદ્ધાંતને અસ્વીકાર્ય કરતા હશે. આવા વિરોધાભાસી જીવનને આપણે ક્યાં સુધી જીવતા રહી શકીશું? ક્યાં સુધી આપણે આપણા સામાજિક અને આર્થિક જીવનમાં સમાનતાને અસ્વીકાર્ય કરતા રહીશું? જાે આપણે આને અસ્વીકાર કરતા રહીશું તો માત્ર આપણા રાજનીતિક પ્રજાતંત્રને મુશ્કેલીમાં મુકીશું. આપણે જેટલા જલ્દી થઈ શકે આ વિરોધાભાસનો અંત લાવવાનો રહેશે. નહીં તો જે લોકો અસમાનતાથી પીડાય છે, તે લોકો આ રાજનીતિક પ્રજાતંત્રને ઉખાડીને ફેંકી દેશે, જેને આ સભાએ આટલા પરિશ્રમથી નિર્માણ કરી છે.
બીજી વાત જે આપણે ઈચ્છીએ છીએ કે બંધુત્વના સિંદ્ધાંત પર ચાલવું. બંધુત્વનો અર્થ શું છે? બંધુત્વનો અર્થ છે કે- બધા જ ભારતીયોમાં સામાન્ય ભાઈચારાની લાગણી. આ એક એવો સિદ્ધાંત છે, જે આપણા સામાજિક જીવનમાં એકતા પ્રદાન કરે છે. આને હાંસલ કરવું એક મુશ્કેલ કાર્ય છે. આ કેટલું મુશ્કેલ છે, તે જેમ્સ બ્રાયન દ્વારા સંયુક્ત રાજ્ય અમેરિકાના સંબંધિત અમેરિકન રાષ્ટ્રમંડળ પર લિખિત પુસ્તકમાં આપેલી વાતથી સમજી શકાય છે.
એ વાત એમ છે કે- હું આને સ્વયં બ્રાયનના જ શબ્દોમાં સંભળાવીશ- કેટલાક વર્ષો પહેલાં અમેરિકન પ્રોટેસ્ટેંટ ઍપિસ્કોપલ ચર્ચ દ્વારા પોતાના ત્રિવાર્ષિક સંમેલનમાં પોતાની ઉપાસના પદ્ધતિ સંશોધિત કરી રહ્યાં હતા. નાની પંક્તિઓની પ્રાર્થનામાં સમસ્ત નાગરિકો માટેની એક પ્રાર્થના સમ્મલિત કરવા યોગ્ય લાગી અને એક પ્રતિષ્ઠીત મોડર્ન ઇંગ્લેન્ડના એક ધર્મગુરુએ આ શબ્દો સૂચવ્યા : ‘હે ઇશ્વર! અમારા રાષ્ટ્ર પર કૃપા કર’ બપોરે એ જ ક્ષણે સ્વીકાર કરવામાં આવેલું આ વાક્ય પછીના દિવસે પુનર્વિચાર માટે રજૂ કરવામાં આવ્યું ત્યારે જનસાધારણ દ્વારા ‘રાષ્ટ્ર’ શબ્દ પર એ આધારે એટલા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા કે આ શબ્દ રાષ્ટ્રિય એકતા પર જરૂરથી વધુ ભાર મૂકે છે, જેના કારણે પડતો મૂકવો પડ્યો અને તેના સ્થાન આ શબ્દ સ્વીકારવામાં આવ્યા કે- ‘હે ઇશ્વર- આ સંયુક્ત રાજ્ય પર કૃપા કર’
જ્યારે આ ઘટના બની ત્યારે યુ.એસ.એ.માં એકતાની લાગણી નહિવત્ હતી કે અમેરિકાની પ્રજા તેઓ એક રાષ્ટ્ર છે એવું માનતી નહોતી. જાે અમેરિકાની પ્રજા એ અનુભવ નહોતી કરી શકતી કે તેઓ એક રાષ્ટ્ર છે, તો પછી ભારતીયો માટે એ વિચારવું કેટલું અઘરું છે કે તેઓ એક રાષ્ટ્ર છે. મને એ દિવસો યાદ છે, જ્યારે રાજનીતિક રુપમાં જાગૃત ભારતીય ‘ભારતની પ્રજા’- એ અભિવ્યક્તિને લઈને નારાજગી વ્યક્ત કરતા હતા. તેમને ‘ભારતીય રાષ્ટ્ર’ કહેવું જ વધુ પસંદ પડતું હતું. મારા વિચારથી, એ વિચારવું કે આપણે એક રાષ્ટ્ર છે તે બહુ મોટો ભ્રમ છે. હજારો જાતિઓથી વિભાજિત થયેલા લોકો કેવી રીતે એક રાષ્ટ્ર ગણાઈ શકે? જેટલા જલ્દી આપણે એ સમજી લઈશું કે આ શબ્દના સામાજિક અને મનોવૈજ્ઞાનિક અર્થમાં હજુ સુધી આપણે રાષ્ટ્ર નથી બની શક્યા, તો તે આપણી માટે સારું જ રહેશે, કેમ કે ત્યારે જ આપણે એક રાષ્ટ્રની યોગ્ય જરૂરીયાતને સમજી શકીશું અને તે લક્ષ્યને મેળવવા માટેના સાધનો એકઠા કરી શકીશું. આ લક્ષ્યની પ્રાપ્તિ ખૂબ જ કઠીન સાબિત થવાની છે-અમેરિકાથી પણ વધુ કઠીન. અમેરિકામાં જાતિના પ્રશ્નો નથી. ભારતમાં જાતિઓ છે. જાતિ રાષ્ટ્ર વિરોધી છે. પહેલી બાબત તો એ કે તેના કારણે સામાજિક જીવનમાં વિભાજન આવે છે. તે એના માટે પણ રાષ્ટ્રવિરોધી છે કે તે જાતિજાતિ વચ્ચે દ્વેષ અને વેરભાવ જન્માવે છે. પરંતુ જાે આપણે વાસ્તવમાં એક રાષ્ટ્ર નિર્માણ કરવું હશે તો આ પડકાર સામે વિજય મેળવવો પડશે. કારણ કે બંધુત્વ ત્યારે જ સ્થાપિત થઈ શકે છે, જ્યારે આપણું રાષ્ટ્ર એક હોય. બંધુત્વ વિના સ્વતંત્રતા અને સમાનતાના રંગની પરત એકથી વધુ ઊંડી નહીં હોય(બંધુત્વ વિના સ્વતંત્રતા અને સમાનતાના રંગ ઉપરછલ્લો જ રહેશે)
જે કાર્ય આપણી સામે છે, તે અંગે આ મારા વિચાર છે. ઘણાં લોકોને તે યોગ્ય નહીં લાગે, પણ એ વાતને કોઈ નકારી નહીં શકે કે આ દેશમાં રાજનીતિક સત્તામાં કેટલાક લોકોનો એકાધિકાર રહ્યો છે અને બહુમતિ લોકો ન માત્ર બોજાે ઉપાડે છે પરંતુ શિકાર થનારા જાનવરો સમાન છે. આ એકાધિકારથી ન માત્ર તેમની વિકાસની તક છીનવી લીધી છે, પરંતુ તેમના જીવનના કોઈ પણ અર્થ અને આનંદથી વંચિત કરી દીધા છે. (આ અનુવાદ સુધારવો : આ પદદલિત વર્ગ શાસિત રહીને થાકી ગયા છે) હવે તેઓ સ્વયં શાસન કરવા માટે આતુર છે. દબાયેલા વર્ગોમાં આત્મ સાક્ષાત્કારની ઇચ્છાને વર્ગ સંઘર્ષ અથવા વર્ગ યુદ્ધનું રૂપ લેવાની પરવાનગી આપવી ન જાેઈએ. આ આપણા ઘરને વિભાજિત કરી દેશે. એ દિવસ અનર્થકારી હશે. કારણ કે જેવી રીત અબ્રાહમ લિંકને બહુ સારી રીતે કહ્યું છે કે, “અંદરથી વિભાજિત થયેલું ઘર બહુ દિવસ સુધી ઊભું નથી રહી શકતું” એટલે તેમની આંકાક્ષાઓ પૂરી થાય તે માટે વહેલાસર અલ્પસંખ્યકો માટે યોગ્ય સ્થિતિ નિર્માણ કરવી જાેઈએ. દેશ માટે, દેશની સ્વતંત્રતા અને પ્રજાતાંત્રિક ઢાંચો બની રહે તે માટે એટલું જ સારું રહેશે. જીવનના તમામ ક્ષેત્રોમાં સમાનતા અને બંધુત્વ સ્થાપિત કરીને જ આવું કરી શકાય. એટલે જ મેં આની પર આટલો ભાર મૂક્યો છે.
સદનમાં બેઠેલા સૌ કોઈને વધુ કંટાળો આવે તેવું હું નથી ઇચ્છતો. બેશક, સ્વતંત્રતા એક આનંદનો વિષય છે. પરંતુ આપણે એ ન ભૂલવું જાેઈએ કે આ સ્વતંત્રતાએ આપણી પર બહુ બધી જવાબદારીઓ લાદી દીધી છે. સ્વતંત્રતા પછી કોઈ પણ બાબત ખોટી ઠરશે ત્યારે બ્રિટીશ લોકોને દોષ દેવાનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે જાે કંઈ પણ ભૂલ થઈ તો કોઈ બીજાને નહીં, પણ પોતાને જ દોષી ગણવા પડશે. આપણાથી ભૂલો થવાનું જાેખમ મોટું છે. સમય ગતિથી બદલાઈ રહ્યો છે. આપણી સાથે વિશ્વના લોકો નવી વિચારધારાથી પ્રેરણા લઈ રહ્યાં છે. લોકો પ્રજા દ્વારા બનેલી સરકારથી કંટાળી ચૂક્યા છે. તેઓ પ્રજા માટે સરકાર બનાવાની તૈયારી કરી રહ્યાં છે અને એ બાબતે ઉદાસીન છે કે તે સરકાર પ્રજા દ્વારા બનેલી પ્રજાની સરકાર છે. જાે આપણે બંધારણને સુરક્ષિત રાખવા માંગતા હોઈએ તો જેમાં પ્રજાની, પ્રજા માટે અને પ્રજા દ્વારા બનેલી સરકારનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો હોય તો આપણે એ પ્રતિજ્ઞા કરવી જાેઈએ કે અમે અમારા માર્ગમાં આવતી ખરાબીને, જેના કારણે લોકો પ્રજા દ્વારા બનાવેલી સરકારના બદલે પ્રજા માટે બનેલી સરકારને પ્રાથમિકતા આપે છે, કે ઓળખવામાં અને તેને મિટાવી દેવામાં ઢીલાશ નહી કરીએ. દેશની સેવા કરવાનો આ જ રસ્તો છે. હું આનાથી શ્રેષ્ઠ માર્ગ નથી જાણતો.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796