Friday, September 22, 2023
HomeGujaratઆપણે જીવનમાં ક્યારેક તો કોઈકની મદદ લીધી જ હશે. આપણે એ પણ...

આપણે જીવનમાં ક્યારેક તો કોઈકની મદદ લીધી જ હશે. આપણે એ પણ વિચારવું જોઈએ કે…

- Advertisement -

અમારી કોલેજ “નવજીવન” સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં ભણતાં કેટલાક વિદ્યાર્થીઓએ પ્રસ્તાવ કર્યો કે, અમારે સૌએ દિલ્હીમાં ચાલતાં ખેડૂત આંદોલનની મુલાકાતે જવું છે અને અમે અત્યાર સુધી વર્ગખંડમાં જે શીખ્યા તેનું પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ પર જઈને કરવા માગીએ છીએ. જો કે મારી પણ ઇચ્છા હતી જ. પણ સાથે સાથે મારી કંઇક મર્યાદા હતી. એટલે હું પાછીપાની કરતો હતો.

અમારા એક પત્રકાર મિત્ર તુષાર બસિયા થોડા દિવસ અગાઉ જ દિલ્હી આંદોલનમાં ૨૧ દિવસ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને આવ્યા હતા તેમને મળવાનું થયું. પછી અમારા વિદ્યાર્થીઓમાંથી કેટલાકનો નિશ્ચય દૃઢ થવા લાગ્યો, જેણે મને પણ દૃઢ બનાવ્યો. પછી અમારાં સર સાથે વાત કરી તેમની પરમિશન અને ગાઇડન્સ મેળવ્યું, અને અચાનક મંગળવારે નક્કી થયું કે, આપણે શુક્ર, શનિ અને રવિવાર ત્રણ દિવસ દિલ્હીની ત્રણ બોર્ડર પર રિપોર્ટિંગ કરીશું. આખા વર્ગ સાથે આ વિષે ચર્ચા કરતા ત્રણ વિદ્યાર્થી દેવલ, જયંત અને કિંજલ તરત જ તૈયાર થઈ ગયાં. અન્ય વિદ્યાર્થીઓએ મોડી રાત સુધીમાં ફાઈનલ જવાબ આપવાનું કહ્યું.

- Advertisement -

રાત્રે અમારા વર્ગના સૌથી નાની વયના, ૧૭ વર્ષના વિદ્યાર્થી ફૈઝાનનો ફોન આવ્યો કે, હું નહીં આવી શકું. એ સમયે મને એના અવાજમાં કંઈક ભિન્નતા લાગી. પણ હું ઓકે સિવાય બીજું કંઈ જ ન કહી શક્યો. જ્યારે વર્ગમાં ચર્ચા થઈ હતી ત્યારે એના ચહેરા પર આવવાની ઇચ્છા અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતાં હતાં.

બીજા દિવસે જયંતે અમારા ચારેયની ટિકિટ બુક કરાવી દીધી. ટિકિટ બુક થઈ ગયા પછી ફરી ફૈઝાનનો ફોન આવ્યો કે, મારે આવવું છે. મેં તેને જયંતને ફોન કરવા કહ્યું અને ટિકિટ કરાવી લેવા કહ્યું. પણ જયંતથી ટિકિટ કરાવવી હવે શક્ય નહોતી, આથી ફૈઝાન જાતે ટિકિટ કરાવી લાવ્યો ને મને ફોન કરી જણાવ્યું કે, હું આવું છું, ટિકિટની વ્યવસ્થા થઈ ગઈ છે. આ ફોનમાં એનો અવાજ સાવ અલગ જ હતો.

ફૈઝાન અમારી સાથે આવ્યો, એનો ઉત્સાહ પણ અનેરો હતો. કદાચ અમારાં સૌ કરતાં એનામાં જીજ્ઞાસાવૃત્તિ પણ વધારે હતી. જે એનાં વર્તનમાંથી છલકાતી હતી. જે એક પત્રકાર માટે ખૂબ જ અનિવાર્ય ગુણ છે. એના એક એક પ્રયત્નથી એનામાં તો જોશ વધતું જ જતું હતું. પણ અમારાંમાં પણ એક ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો. ત્રણને બદલે ચાર દિવસ રોકાઈને સોમવારે અમદાવાદ પાછા ફરતી વખતે ટ્રેનમાં અમે સ્ટોરી લખવાની વાતો કરી રહ્યાં હતાં, અને એણે સ્ટોરી લખવાનું શરુ કરી દીધું. આ એનો પ્રથમ પ્રયાસ હતો, પરંતુ પ્રથમ પ્રયાસ પણ આટલો સરસ હોઈ શકે એ વાતની સાક્ષી પુરતો રિપોર્ટ તેણે લખ્યો હતો.

અમદાવાદ આવી ગયા પછી મેં તેને પહેલા આવવાની ના કહેવાનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે, એમાં એક નહીં અનેક કારણ હતા. અને એ તમામ મારી ધારણા મુજબના જ હતા.

આપણે પણ જીવનમાં ક્યારેકને ક્યારેક કોઈકની તો નાની-મોટી મદદ લીધી જ હશે. આપણે થોડા પાછા વળીને એ પણ વિચારવું જોઈએ કે, આપણને એ સમયે કદાચ એ મદદ ન મળી હોત તો…? આવા અનેક ફૈઝાન નાની-નાની સમસ્યાને કારણે આગળ વધતાં અટકી જતાં હોય છે. આપણે એમને મદદ કરી શકીએ એમ ન હોઈએ તો એની સમસ્યા આપણે બીજા કોઈને પણ જણાવી શકીએ કદાચ એ એની મદદ કરી શકે. પણ એક માણસ તરીકે એની સમસ્યા નજરઅંદાજ પણ ન કરવી જોઈએ. ફૈઝાન આગળ વધે, એના રસ્તામાં આવતી દરેક સમસ્યા દૂર થાય એવી શુભેચ્છા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular