Sunday, June 7, 2026
HomeGujaratAhmedabadમોટેરા જૂના ગામમાં ડિમોલિશન કાર્યવાહીથી હોબાળો: 17 મકાનોના ગેરકાયદેસર ભાગ તોડાયા, રહેવાસીઓનો...

મોટેરા જૂના ગામમાં ડિમોલિશન કાર્યવાહીથી હોબાળો: 17 મકાનોના ગેરકાયદેસર ભાગ તોડાયા, રહેવાસીઓનો વિરોધ

- Advertisement -

Ahmedabad Motera Demolition: અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ નજીક આવેલા મકાનોના ગેરકાયદેસર ભાગોને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે સવારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ ઝોનની ટીમે ચાંદખેડા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી શરૂ કરી હતી. AMC દ્વારા અગાઉ રહેવાસીઓને ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થાની ઓફર કરવામાં આવી હોવા છતાં મકાનો ખાલી ન થતાં 17 મકાનોના ગેરકાયદેસર ભાગોને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

AMCની ટીમ અને પોલીસ કાફલો મોટેરા જૂના ગામમાં પહોંચતા જ સ્થાનિકોએ ભારે વિરોધ શરૂ કર્યો હતો. રહેવાસીઓ મકાનના દસ્તાવેજો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અધિકારીઓને કાર્યવાહી અટકાવવાની માંગ કરી હતી. પરિસ્થિતિ તંગ બનતા અધિકારીઓએ માઇક દ્વારા જાહેરાત કરીને રહેવાસીઓને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપી હતી.

- Advertisement -

30 મિનિટનો સમય પૂર્ણ થતાં જ JCB મશીનો ગામમાં પ્રવેશ્યા હતા અને ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. JCB પહોંચતાં જ અનેક પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને બાળકો રડવા લાગ્યા હતા. આ દરમિયાન એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે પોલીસે તેની અટકાયત કરી હતી. અટકાયત સમયે યુવકે જણાવ્યું હતું કે જો તે આત્મવિલોપન કરશે તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે.

ડિમોલિશન દરમિયાન અનેક પરિવારોની વ્યથા પણ સામે આવી હતી. એક યુવતીએ રડતાં જણાવ્યું હતું કે તેના ઘરે છ મહિનાનું બાળક છે અને હવે રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી. બીજી તરફ એક માતાએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમની દીકરીની આજે પરીક્ષા હતી અને એ જ દિવસે મકાન તોડી પાડવામાં આવ્યું છે.

ડિમોલિશનથી પ્રભાવિત થયેલી એક યુવતીએ જણાવ્યું હતું કે તેની 14 જૂને કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષા છે અને તે માટેની તૈયારી પૂર્ણ કરી ચૂકી છે. જોકે હવે ઘર ન હોવાથી અભ્યાસ ક્યાં કરવો તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યુવતીએ જણાવ્યું હતું કે રહેવાની અને ભણવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે.

- Advertisement -

ડિમોલિશન કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ જોવા મળ્યો હતો. AMC અને પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં રાખવા માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular