Thursday, April 16, 2026
HomeNavajivan CornerLink In Bioઆર. એન. કાવ : ભારતીય ઇન્ટેલિજન્સના પિતામહ!

આર. એન. કાવ : ભારતીય ઇન્ટેલિજન્સના પિતામહ!

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રામેશ્વરનાથ કાવ.(R.N. Kao) ઇન્ટેલિજન્સ એન્ડ રિસર્ચ વિંગ(રૉ)ના પ્રથમ પ્રમુખ. રૉની સ્થાપનાની જેમ દેશના બે અતિ મહત્વના મુદ્દા પર તેમની ભૂમિકા રહી છે. એક મુદ્દો હતો બાંગ્લાદેશને પાકિસ્તાનથી સ્વતંત્ર કરવાનો અને બીજો સિક્કીમ રાજ્યને દેશ સાથે જોડવાનો. આ ઉપરાંત, પણ તેમણે ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં અસંભવિત લેખાય તેવાં કાર્યો કર્યાં છે. તેમના જીવન આધારીત ‘આર. એન. કાવ: જેન્ટલમેન સ્પાયમાસ્ટર‘ નામનું પુસ્તક છે, જેના લેખક છે નિતીન ગોખલે. આર. એન. કાવના જીવનને નિતીન ગોખલે લોકો સમક્ષ વધુ સારી રીતે ખુલ્લું મૂકવાનો દાવો કરે છે. ઇન્ટેલિજન્સનું વિશ્વ રહસ્યમય છે અને તેમાં ઘટના/વ્યક્તિ પર એકથી વધુ આવરણો ચઢેલા હોય છે, તેને પૂરેપૂરા ઉતારીને સ્પષ્ટ ચિત્ર દાખવવું અસંભવિત છે. વિશેષ કરીને આર. એન. કાવ જેવા વ્યક્તિના કિસ્સામાં, જેઓની તસવીરો પણ જૂજ પ્રકાશિત થઈ છે. આજે આપણા નેશનલ સિક્યુરીટી એડવાઈઝર અજિત દોવલનું નામ ઇન્ટેલિજન્સ બાબતે ખૂબ ચર્ચાય છે, પરંતુ તેઓની ઓળખ હવે છૂપી નથી. બેશક, સમય બદલાયો છે. તેમ છતાં જે રીતે અજિત દોવલ પદ પર રહીને ઇન્ટેલિજન્સ ફિલ્ડના કિસ્સાઓ જાહેરમાં બયાન કરે છે, તે ઇન્ટેલિજન્સના કાર્યનો અનાદર કરવા જેવું છે. ખેર તે વાત ફરી ક્યારેક. આજે આર. એન. કાવએ કેવી રીતે દેશમાં ઇન્ટેલિજન્સનું નેટવર્ક ઊભું કર્યું, તેનો લાભ દેશને કેવી રીતે મળ્યો અને તેઓએ દેશને ગુપ્ત માહિતીના ફિલ્ડમાં આગળ કેવી રીતે મૂકી આપ્યું, તે વિશે થોડું જાણીએ.

R N kao
R N kao

ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં નાની અમથી ભૂલનું પરીણામ મોત આવી શકે છે. આ પ્રકારના ફિલ્ડમાં કામ કરવાની તક જૂજ લોકોને મળે છે. તેમાં નામ કરવું તો અસંભવિત ઘટના છે, કારણ કે મહદંશે આ ક્ષેત્રમાં ઓળખ છુપાવીને રાખવી એ પ્રથમ શરત છે અને સન્માન મેળવવાનું તો તેમાં ક્યારેય આવતું નથી. પરંતુ આર. એન. કાવના કિસ્સામાં તે બધું જ થયું. દેશ અર્થે ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં તેમનું કાર્ય રિમાર્કેબલ રહ્યું છે, જેને આજે પણ યાદ કરવામાં આવે છે.

- Advertisement -
R N kao
R N kao

કાવનું સૌથી મજબૂત પાસું તેમનું વિદેશમાં પ્રસરેલું નેટવર્ક હતું. આ નેટવર્ક બનાવવાનું કામ પણ સૌપ્રથમ તેમના જ ભાગે આવ્યું હતું. અગાઉ ભારત રણનીતિના મામલે પછડાટ ખાતું રહ્યું હતું, પરંતુ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ એક સમય વિચાર્યું કે વિદેશમાં ઇન્ટેલિજન્સનું નેટવર્ક મજબૂત હોવં જોઈએ અને બસ, ત્યાર પછી તેના નેતૃત્વનો કળશ કાવ પર ઢળ્યો. તેમનો અનુભવ આ ક્ષેત્રમાં વિશેષ હતો. તેમણે દેશવિદેશમાં ગુપ્ત માહિતીની આપ-લેનું કાર્ય કર્યું હતું અને સારાં એવાં સંબંધ પણ વિકસાવ્યાં હતાં.

R N kao
R N kao

કાવની કારકિર્દીનો આરંભ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પાસ કરવાથી થયો. આઝાદીના આઠ વર્ષ પૂર્વે તેઓ આ પરીક્ષા પાસ કરી ઇન્ડિયન ઇમ્પેરિઅલ પોલીસમાં જોડાયા. કાનપુરમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલિસના પદે તેમનું પોસ્ટિંગ થયું. પોલીસની કારકિર્દીમાં શરૂઆત થઈ, પણ આઝાદી બાદ તુરંત તેમને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સામેલ કરવામાં આવ્યાં, જ્યાં તેમનું નેતૃત્વ કરનારાં બાહોશ ઓફિસર બી. એન. મુલ્લિક હતા. કાવને તે વેળા વીઆઈપી સિક્યુરીટીનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, જેમાં તેઓની જવાબદારી વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સુરક્ષાની પણ હતી. આ ગાળામાં તેઓને ગુપ્તચર સંસ્થા સાથે જાતભારતની કામગીરી પાર પાડી અને તે જ કામગીરી અંતર્ગત 1950ના અરસામાં તેમને ઘાનાના તત્કાલિન વડા પ્રધાન ક્વામે ક્રુમાહાના સુરક્ષા અને ગુપ્તચર સંસ્થાના સ્થાપના અર્થે મોકલવામાં આવ્યા હતા.

R N kao
R N kao

કાવ સાથે જોડાયેલાં કિસ્સા એ વેળાએ તો પ્રકાશમાં ન આવ્યાં પણ આજે તેમની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગત પણ શોધીશોધીને બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે 1961ના અરસામાં બ્રિટનની રાણી પ્રથમ વાર આઝાદ ભારતની મુલાકાત લેવા આવ્યાં હતાં. તે વેળાએ તેમની સુરક્ષાની જવાબદારી કાવની હતી. મુંબઈમાં એક રિસેપ્શન દરમિયાન રાણી તરફ ફેંકવામાં આવેલાં એક ગુલદસ્તાને તેમણે તુરંત ઝડપી લીધો. ગુલદસ્તામાં બોમ્બ પણ હોઈ શકત, તેમ વિચારીને કાવએ રાણીને બચાવ્યાં. જોકે, આ ઘટનાને હળવાશથી લઈને રાણીએ મજાકમાં કહ્યું હતું કે, “તમે ખૂબ સરસ ક્રિકેટ રમ્યા.”

- Advertisement -
R N kao
R N kao

કાવની ઓળખ દેશ પૂરતી સિમિત ન હતી, તેનું સૌથી મોટું ઉદાહરણ 11 એપ્રિલ 1955ના રોજ એર ઇન્ડિયાનું ક્રેશ થયેલા વિમાનનું ઇન્વેસ્ટિગેશન હતું. આ વિમાન મુંબઈથી હોંગકોંગ જઈ રહ્યું હતું. વિમાનમાં તે વેળા થનારી આફ્રિકન-એશિયન સમીટના ડેલિગેટ્સ પણ સવાર હતા. માર્ગમાં વિમાન ક્રેશ થયું અને તેમાં સોળ પ્રવાસીઓના મોત નીપજ્યાં. પછીથી આ ક્રેશનું ઇન્વેસ્ટિગેશન થયું અને કોમીતાંગ નામની ચીનના રાષ્ટ્રિય પક્ષનું નામ તેમાં આવ્યું. આ પક્ષના સિક્રેટ એજન્ટે ચીનના તત્કાલિન પ્રમુખ જ્હો એનલાઈનને વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું. એજન્ટ વિમાનમાં ટાઇમ બોમ્બ મૂકીને ચીનના પ્રમુખને મારવા માગતો હતો. પરંતુ છેલ્લી ક્ષણોમાં પ્રમુખ જ્હો એનલાઈનનો પ્રવાસ રદ થયો અને તેઓ બચી ગયા. આ ક્રેશના ઇન્વેસ્ટિગેશનમાં બ્રિટીશ અને ચીનના અધિકારીઓ સાથે કાવ પણ સામેલ હતા. આ તપાસમાં તેઓનું કાર્ય ચીનના અધિકારીઓએ બિરદાવ્યું અને જ્હો એનલાઈન તરફથી તેઓને ભલામણ પત્ર પણ મળ્યો હતો.

R N kao
R N kao

ઇન્ટેલિજન્સનું કાર્યક્ષેત્ર દેશના હિતમાં ગુપ્ત માહિતીની આપલે પૂરતી સિમિત નથી. આવી સંસ્થા-વ્યક્તિઓનો રાજકીય ઉપયોગ થવાનાં ઘણાં દાખલાઓ છે. એવું કહેવાય છે કે રૉનો જન્મ પણ કંઈક એ જ ઉદ્દેશથી થયો હતો. આ પ્રકરણનો આરંભ થાય છે લાલબહાદુર શાસ્ત્રીના આકસ્મિક મૃત્યુથી. શાસ્ત્રીના અવસાન બાદ ઇન્દિરા ગાંધી વડાં પ્રધાનના પદે આવ્યાં. ઇન્દિરા ગાંધીનું કદ તે વખતે કોંગ્રેસના કદાવર આગેવાનો સામે વામણું હતું. તેમ છતાં તેઓ કોંગ્રેસ પર દેશ પર કાબુ જમાવી શક્યા. તેનું એક કારણ ઇન્દિરા ગાંધી પોતાની ટીમ ઉભી કરવામાં અને તેમના પાસેથી કામ લેવામાં માહેર હતા.

R N kao
R N kao

1967માં ટીમ નિર્માણ કરવા ઇન્દિરા ગાંધીએ પી. એન. હાસકર નામના અધિકારી પર પસંદગી ઉતારી. હાસકર અને આર. એન. કાવ ઇન્દિરા ગાંધીએ 1967થી 1975 દરમિયાન લીધેલા નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હાસકર ઇન્દિરા ગાંધીના પ્રિન્સિપલ સેક્રેટરી રહ્યા હતા ને રૉની સ્થાપના કરવા અર્થે તેમણે આર. એન. કાવને ખૂબ મદદ કરી હતી. ટીમ ઉભી થઈ એટલે ઇન્દિરા ગાંધી નિર્ણયો પણ એ જ રીતે લેવા માંડ્યા. તત્કાલિન રક્ષા મંત્રી ચવ્હાણને રક્ષા મંત્રાલયમાંથી ગૃહ ખાતામાં ખસેડ્યાં. દેશની ઇન્ટેલિજન્સ એજન્સી કેવી હોવી જોઈએ, તેને લઈને ચવ્હાણનો મત વેગળો હતો. ઇન્દિરા ગાંધીએ ઇન્ટેલિજન્સને વડા પ્રધાનના અંતર્ગત આવે તેવી વ્યવસ્થા ગોઠવી અને તેના સર્વેસર્વા બનાવ્યા આર. એન. કાવને. ઇન્દિરા ગાંધીએ કાવ સમક્ષ બે જ શરત મૂકી હતી કે, આ વિભાગમાં આઈપીએસ સિવાયનું પણ પોસ્ટિંગ થઈ શકે અને સૌથી ટોચની બે પોસ્ટની પસંદગી વડાપ્રધાન કાર્યાલય દ્વારા થશે.

- Advertisement -

વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરફથી મળેલી આઝાદીના કારણે કાવ ઇન્ટેલિજન્સ એજન્સીમાં નવા પ્રયોગો કર્યાં. જેમ કે તેમણે ઇન્ટેલિજન્સ એજન્સીમાં આર્થિક બાબતોને સમાવી. પાડોશી દેશોનો આર્થિક તાગ મેળવીને તેઓ દેશની સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી પર શું અસર થશે તે તપાસવાની એક સિસ્ટમ ઘડી. એ જ પ્રમાણે તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ આ વિભાગમાં સમાવી. કાવની કાર્યની આ શૈલીથી તે કાળે ઇન્ટેલિજન્સમાં સારું એવું કામ થયું. 1974માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ વખતે કાવ કેટલાં હદે માહિતીને ગુપ્ત રાખી શકે તેનું એક ઉદાહરણ જોઈએ. એ દરમિયાન અલગ-અલગ દેશોની ભારત પર નજર હતી. અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ પાસે પણ 26 જેટલાં રિપોર્ટ આવી ચૂક્યા હતા કે ભારત પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. કાવએ તે દરમિયાન વિજ્ઞાનીઓ સાથે મળીને આ પૂરા ઓપરેશનને બહાર ન આવવા દીધું.

ભારતમાં ઇન્ટેલિજન્સની જે સ્થિતિ હતી, તેમાં કાવ આગળ વિચારી શકતા તેનું કારણ દેશ-વિદેશના ઇન્ટેલિજન્સ સાથેના સંબંધો હતા. 1970-80ના દાયકામાં અમેરિકાની પ્રતિષ્ઠિત ઇન્ટેલિજન્સ સંસ્થા સીઆઈએના તત્કાલિન પ્રમુખ જ્યોર્જ બુશ સાથે તેમની સારી મૈત્રી હતી. એમઆઈ16ના સર મોરીસ સાથે પણ તેમના ઘનિષ્ઠ સંબંધ હતા. કાવ નિયમિત રીતે તેમની સાથે ચર્ચા કરતા હતા. કાવના વ્યક્તિત્વના તમામ પાસાં અહીંયા ઉપસી નથી શક્યા. તેમ છતાં એન. આર. કાવને સમજવા માટે તે પૂરતું છે. અંતે કાવનું એક અજાણ્યું પાસું એ છે કે તેઓ મૂર્તિકાર છે અને મૂર્તિઓ ઘડીઘડીને તેમાં ખાસ્સી પારંગત લાવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular