Saturday, April 18, 2026
HomeGujaratSuratઈસરોના નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ નકલી દસ્તાવેજ બનાવ્યા હોવાની કરી કબૂલાત, ધરપકડ...

ઈસરોના નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ નકલી દસ્તાવેજ બનાવ્યા હોવાની કરી કબૂલાત, ધરપકડ બાદ સામે આવી આવી વિગતો

- Advertisement -

નવજીવન ન્યઝ. સુરત: Surat fake Scientist: 23 ઓગસ્ટ ભારત માટે ઐતિહાસિક દિવસ કહી શકાય. કારણ કે, 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું. દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ઈસરો (ISRO) સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિક તથા સ્ટાફ દ્વારા તનતોડ મહેનતના પરિણામરૂપ ભારતે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે, ત્યારે સુરતના (Surat) એક વ્યક્તિએ પોતે ચંદ્રયાન-3 (Chandrayaan 3) મિશનમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનો પોકળ દાવો કરવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો)એ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવતા આ અદ્વીતીય સફળતાનો લાભ ખટવા સુરતના એક વ્યક્તિ મિતુલ ત્રિવેદી દ્વારા પોતે ચંદ્રયાન-3માં મહત્વની ભૂમિકા ભજવતો વિડીયો સોશોયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. સાથે જાહેરમાં પણ મિતુલ ત્રિવેદી દ્વારા ચંદ્રયાન-3ના લૅન્ડરની ડિઝાઇન બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે સ્પેસક્રાફ્ટ ડિઝાઇનિંગ ટીમના સભ્ય હતા અને તેમણે તેના કૉન્સેપ્ટ ડિઝાઇનિંગમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો. આટલું ઓછું હોય તેમ મિતુલ ત્રિવેદી ચંદ્રયાન-3ના સફળ લેન્ડીંગ બાદ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ પણ આપી રહ્યા હતા. મિતુલ ત્રિવેદીના પોકળ દાવા તથા ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઈસરો સાથે જોડાયેલા હોવાની વાત સાથે મીડિયાને સારું કવરેજ પણ મળ્યું હતું.

- Advertisement -

દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા ઈસરો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં ઈસરો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે મિતુલ ત્રિવેદીએ કરેલા દાવા શંકા ઉપજાવે તેવા જણાઈ આવતા હતા. મીડિયા દ્વારા મિતુલ ત્રિવેદી પાસે ઈસરો સાથે જોડાયેલા હોવા અંગેના પુરાવા માગવામાં આવતા મિતુલ ત્રિવેદી પાસે પુરાવા મળી આવ્યા ન હતા. સમગ્ર મામલો શંકાસ્પદ જાણતા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ દ્વારા મામલાની તપાસ કરતાં મિતુલ ત્રિવેદીના શિક્ષક, પરિવારજનોએ તથા ઈસરો સાથે વાત કરતાં મિતુલ ત્રિવેદીએ કરેલા દાવા તથ્યવિહોણા હોવાની વાત પોલીસ સામે આવી છે. મિતુલ ત્રિવેદીના શિક્ષક સાથે થયેલી વાતચીતનો વિડીયો પણ સામે આવ્યો હતો.

મિતુલ ત્રિવેદી સુરત ખાતેની ઍક્સ્પેરિમૅન્ટલ સ્કૂલના વિદ્યાર્થી હતા. મિતુલ ત્રિવેદીએ 2011થી ઈસરો સાથે જોડાયેલા હોવાનો પણ દાવો કર્યો હતો. ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 મિશન માટે પણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સમયે પોતે બેંગલુરુમાં હતા, તેવું પણ આરોપીએ જણાવ્યુ હતું. સાથે જ પોતે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા સાથે પણ જોડાયેલા છે તેવો દાવો કર્યો હતો. આવતીકાલે લોંચ થનાર આદિત્ય-L1 માં પણ પોતાની સક્રિય ભૂમિકા હોવાનો દાવો મિતુલ ત્રિવેદીએ કર્યો હતો.

વિચિત્ર વાત એ પણ છે કે, વૈજ્ઞાનિકનો દાવો કરનારા મિતુલ ત્રિવેદીએ કોમર્સના વિષયો સાથે ગ્રેજ્યુએશન કરેલું છે. તેઓ એવો પણ દાવો કરતા હતા કે, ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ઍન્થ્રોપોલૉજી અને વેદાંત પર રિસર્ચ કરીને પીએચ.ડી. પણ કર્યું છે. પોતે કરેલા દાવા મુજબના પુરાવા ન આપી શકવાને કારણે સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો છે. સુરતમાં ભારતીય ગૌરક્ષા મંચ સંગઠનના પ્રમુખ ધર્મેન્દ્ર ગામીએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં લેખીતમાં એક ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં તેમણે માગ કરી છે કે, ‘વૈજ્ઞાનિક હોવાની ખોટી વાત કરતી મિતુલ ત્રિવેદી નામની વ્યક્તિ ચંદ્રયાન-3ની સફળતામાં પોતાનો ફાળો હોવાની સસ્તી પ્રસિદ્ધિ મેળવી સુરતના લોકોને ગુમરાહ કરી રહી છે. તેની સામે ગુનો દાખલ કરીને તપાસ કરવા વિનંતી.’

- Advertisement -

સુરતની સ્પેશિયલ બ્રાંચે મિતુલની કડક પૂછપરછ કરી હતી. જેમાં મિતુલ પોતાના દાવા પ્રમાણે કોઈ પુરાવા આપી શક્યો ન હતો. મિતુલની પૂછપરછ કરનારા પોલીસ અધિકારી અને સુરત પોલીસની સ્પેશિયલ બ્રાંચનાં DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, ઈસરો સાથે જોડાવાની પોતાની વાત સામે મિતુલ કોઈ પુરાવા આપી શક્યો નથી. તે કોમર્સ સાથે જોડાયેલા હોવાથી તેના દાવા શંકાસ્પદ છે. સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. હવે સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.

સુરતના અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલે પત્રકારોને જણાવ્યું હતું કે, “મિતુલ ત્રિવેદીના આ દાવા સામે પોલીસ કમિશનર કચેરીને મળેલી ફરિયાદની અરજી બાદ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચે ઇસરોને મોકલેલા ઇમેલના જવાબમાં જાણવા મળ્યું હતું કે, મિતુલ ત્રિવેદીએ રજૂ કરેલા કાગળ નકલી છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે મિતુલ ત્રિવેદીની પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે, તેણે રજૂ કરેલા દસ્તાવેજો બનાવટી છે.”

શરદ સિંઘલે મિતુલ ત્રિવેદીને ખોટા કાગળ કેમ બનાવ્યા અને દાવા કેમ કરવામાં આવ્યા પૂછ્યું ત્યારે કારણ આપતા મિતુલે જણાવ્યું હતું કે, “તેણે ઇસરોનો લેટર એટલા માટે બનાવ્યો કારણ કે, તે ટ્યુશન ક્લાસ ચલાવે છે અને એને એવું લાગ્યું કે જો એ આવો લેટર તેના વિદ્યાર્થીઓનાં માતા-પિતાને બતાવશે તો વધારે બાળકો તેના ટ્યુશન ક્લામાં ભણવા આવશે.”

- Advertisement -

આથી ક્રાઇમ બ્રાંચે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 419, 465, 468 અને 471 હેઠળ ગુનો નોંધીને 29 ઓગસ્ટના રોજ તેની ધરપકડ કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular