નવજીવન ન્યૂઝ. પાટણઃ પાટણમાં ભરબજારે ભાઈએ જ ભાઈનું ઢીમ ઢાળી દીધું છે. સગા મામાના છોકરાએ ફોઈના છોકરાને મોતને ઘાટ ઉતારી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી બંને ભાઈઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારે આ ઝઘડાનું આજે કરુણ અંજામ આવ્યું છે. દિકરાના મોતના સમાચાર સાંભળીને તેની માતાના હૈયાફાટ રૂદનની ચીચયારીથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. એક તરફ રક્ષાબંઘનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. તેવામાં સંતાનોના ઝઘડામાં ભાઈ-બહેન વચ્ચના સંબંધમાં તીરાડ પડી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણમાં રહેતો પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રકાશને છેલ્લા એક વર્ષથી તેના મામાના છોકરો જોડે ઝઘડો ચાલતો હતો. પ્રકાશ જ્યારે ઘરેથી રિક્ષા લઈને નીકળ્યો હતો. તે દરમિયાન પાટણના વેરાઈ ચકવા વિસ્તારમાંથી નીકળ્યો હતો ત્યારે મામાનો છોકરો મળ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામાના છોકરાએ રિક્ષા ચાલક ફોઈના છોકરાને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો.
ઈજાગ્રસ્ત પ્રકાશને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દિકરાના મોતના સમાચાર સાભંળતા જ માતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. જો કે દિકરાની હાલત જોઈને માતા ” મારો દિકરો…”ની બુમો સાથે હૈયાફાટ રુદનથી આસપાસના લોકોની પણ આંખોમાં પાણી આવી ગયા હતા. બે ભાઈઓ વચ્ચે એક વર્ષ પહેલા શરૂ થયેલા ઝધડામાં એક ભાઈનો જીવ તેના જ ભાઈના હાથે લેવાઈ ગયો છે.