નવજીવન ન્યૂઝ. ભરૂચ: ભરૂચના એક વ્યક્તિએ આગામી 15મી ઓગસ્ટના દિવસે જ સરકારી કાર્યક્રમમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે, જેના કારણે ભરૂચમાં તંત્ર દોડતું થઈ ગયું છે. ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક રહેતા અશોક મહેતા નામના એક વ્યક્તિએ પોતાના વિસ્તારમાં દબાણની સમસ્યાથી કંટાળીને આ નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અશોક મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેમની અટકાયત કરીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અશોક મહેતાએ અગાઉ ઘણી વાર શ્રવણ ચોકડી વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે તંત્ર સમક્ષ અરજીઓ કરી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવતા તેમણે શહેરના ચીફ ટાઉન પ્લાનર અધિકારીને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ તેમનો સમય નહીં મળતા અશોક મહેતાએ આગામી 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં જાહેરમાં જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું હતું.
અશોક મહેતાની અરજી અનુસાર, નંદેલાવ રેવન્યુ સર્વે નં 49 / 1 ના જવા-આવવાનો 9 મીટરનો રસ્તો છે તે રસ્તા ઉપર ફુડ ઝોનના પતરાનો શેડ બનાવી રેસ્ટોરન્ટ બનાવી દેવામાં આવ્યું છે. જેના કારણે સોસાયટીનો આવવા-જવાનો રસ્તો 9 મીટરના સ્થાને 3 મીટરનો થઇ ગયો છે. આ ઉપરાંત નજીકમાં આવેલા કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી સીડી બાંધી દેવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે અરજદારે સંબંધિત કચેરીઓમાં અવાર-નવાર રજૂઆત કરતા બૌડા કચેરી ભરૂચ દ્વારા તા .૦૫ / ૦૯ / ૨૦૨૦ ના રોજ બાંધકામ દુર કરવાની કાર્યવાહી કરવા આવી હતી અને દબાણ દુર કરવામા આવ્યા હતા. જોકે થોડા દિવસ બાદ ફરીથી દબાણ કરવામાં આવ્યું હોવાના અને ફરી રજૂઆત કરવામાં આવતા કેસ કરી મામલો દબાવી દેવા મજબુર કરતા હોવાનો અશોક મહેતાએ આક્ષેપ કર્યો છે.
અશોક મહેતાએ આ પ્રકારની ધમકી આપતા તેમની સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યાર બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી અને આત્મવિલોપન ન કરવા માટે તેમને સમજવીને બાંહેધરી લેવામાં આવી હતી.








