નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : સાયબર ક્રિમીનલ માટે ગેરકાયદેસર રીતે રૂપિયાની હેરાફેરી તેમજ હવાલો કરતી ઉત્તર ગુજરાતની ગેંગને સ્ટેટ સાયબર સેલે (State Cyber Cell) ગોવા સહિતના સ્થળોએ દરોડા પાડીને ઝડપી લીધી છે. ગાંધીનગર CID ક્રાઈમની ‘સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ’ (CCoE) ની ટીમે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી 16 શખસોને પકડ્યા છે. આ ટોળકીએ દેશભરમાં અંદાજે 77 કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડ આચર્યા છે અને આ રેકેટની કડીઓ દુબઈ સુધી જોડાયેલી છે. આ ઉપરાંત, 260થી વધુ બેંક એકાઉન્ટનો ડેટા અને 375 સાયબર ફ્રોડ (Cyber Fraud) સાથે છેડો જોડાયેલો હોવાનું ખૂલ્યું છે.
સાયબર ક્રાઈમ અને ગેમીંગના રૂપિયાની હેરફેર કરવા વપરાતા મ્યુલ એકાઉન્ટ રેકેટનો સીઆઈડી ક્રાઈમના સાયબર સેલે (CID Crime Busts Cyber Fraud Racket) પર્દાફાશ કર્યો છે. થરાદનો કિરણ કરસનભાઈ જોષી અને પાટણનો જીતુ ભુરાભાઈ ઠક્કર ગુજરાત અને ગોવા (Gujarat and Goa) થી મ્યુલ એકાઉન્ટનું રેકેટ ચલાવતા હતા. સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સને તેની માહિતી મળતા પાલનપુર, વડોદરા અને ગોવા ખાતે દરોડા પાડી પોલીસે કિરણ, જીતુ સહિત 16 શખસોને રંગે હાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન 126 સીમકાર્ડ, 85 ફોન, 15 લેપટોપ, 82 પાસબુક, 115 ડેબિટ કાર્ડ, 28 પાસબુક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. પાટણના જીતુ ઠક્કર સહિત 9 આરોપીની ગોવા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતની મ્યુલ એકાઉન્ટ ગેંગ (Mule Account Gang Gujarat) નું મુખ્ય સંચાલન ગોવાથી થતું હતું. રેડ દરમિયાન મળેલા લેપટોપમાંથી સાયબર ક્રાઈમની ફરિયાદોની પીડીએફ ફાઈલો અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીનો મસમોટો ડેટા મળ્યો છે.








