નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારી અને અધિકારી દ્વારા આરોપીને કોઈ ગુનામાં પકડ્યો હોય તો કેસ ન કરવા તેમજ બારોબાર છોડી દેવા માટે તોડ કરવામાં આવતો હોય છે. આવા ઘણા કિસ્સાઓમાં ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. જેમાં ભ્રષ્ટ્ર પોલીસ દ્વારા અમુક રકમ લઈ કેસને રફેદફે કરવામાં આવતો હોય છે. ત્યારે વધુ એક લાંચિયા અધિકારીને તોડ કરવો ભારે પડ્યો છે. વડોદરાના સવાલી પોલીસ સ્ટેશનના PSIએ આરોપીને પ્રાહિબિશનના ગુનામાં કેસ ન કરવા અને રાહત આપવા માટે 20 હજારની લાંચ લેતા ACBની ટીમે રંગેહાથે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા સવાલી પોલીસ સ્ટેશન PSI ડી. એમ. વાસદિયા પોલીસની મેગા સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ફરજ પર હતા. તે દરમિયાન એક વાહનમાંથી દારૂ મળી આવ્યો હતો. જે મામલે PSI વાસદિયાએ ફરિયાદી પાસેથી પ્રોહિબિશનો ગુનો ન નોંધવા અને રાહત આપવા માટે 35 હજાર રૂપિયા લાંચ માગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માગતો ન હતો. પરંતુ રકઝક બાદ વાત 20 હજાર પર પહોંચી હતી. આ મામલે ફરિયાદીએ ACB ખાતે ફરિયાદી નોંધાવી હતી. જે બાદ ACBએ સાવલી પોલીસ સ્ટેશનના PSIને પકડવા લાંચનું છટકું ગોઠવ્યું હતું.
ACBની ટીમે 20 હજાર રૂપિયા લઈ PSI ચેમ્બરમાં ફરિયાદીને મોકલ્યો હતો. જ્યાં PSI વાસદિયાએ લાંચની રકમ સ્વીકારી હતી. આ દરમિયાન ACBની ટીમ ત્વરિત PSIની કેબિનમાં ત્રાટકી હતી અને લાંચની રકમ સ્વીકારતા પોલીસ અધિકારીને રંગહાથે ઝડપી પાડ્યો હતો. સાવલી પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ઝડપતા અન્ય ભ્રષ્ટ કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.








