ગુજરાત અને અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે સંસાધનો ની અછત કહીએ કે અણધાર્યા મોટી સંખ્યામાં આવેલા કેસ કહીએ પણ તંત્ર લોકોની મદદ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પર ભારણ ખૂબ વધી ગયું છે ત્યારે અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન અને પનાહ ફાઉન્ડેશન દ્વારા એક રિક્ષા એમ્બ્યુલન્સનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં અત્યારે નવા આવતા કેસની સંખ્યા એટલી વધારે છે કે એમ્બ્યુલન્સ સેવાઓ તેને પહોંચી વળતી નથી. હોસ્પિટલોમાં પણ બેડ ખાલી ન હોવાના કારણે એમ્બ્યુલન્સ ને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે જેના કારણે બીજા દર્દીઓને યોગ્ય સમયે એમ્બ્યુલન્સ મળતી નથી. ત્યારે અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા સમગ્ર અમદાવાદમાં ૨૦ જેટલી રિક્ષા એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે દવા લાવવી હોય કે દર્દીને ઘર થી હોસ્પિટલ સુધી પહોંચાડવાના હોય આ રિક્ષા એમ્બ્યુલન્સ દરેક કામ કરે છે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. રિક્ષામાં ઓક્સિજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે દર્દીને ઓક્સિજનની જરૂર હોય તેને પણ ઓક્સિજન સાથે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા છે.
અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ” અમદાવાદમાં ૧૦૮ અને અન્ય એમ્બ્યુલન્સના અભાવના કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે તેના નિવારણ માટે અમે યુનિયન સાથે વાત કરીને આવી રીતે પનાહ ફાઉન્ડેશનની મદદથી રિક્ષા એમ્બ્યુલન્સ શરૂ કરવાનું નક્કી કર્યું. ધીમે ધીમે રિક્ષાચાલકો આ અભિયાનમાં જોડતા ગયા અને અત્યારે લગભગ ૨૦ જેટલી રિક્ષા એમ્બ્યુલન્સ અમે ચલાવીએ છે.”
રિક્ષા એમ્બ્યુલન્સ માં દર્દીને લઈ જવા માટે દર્દીને કોઈ પ્રકારનું વળતર ચૂકવવાનું હોતું નથી. દરેક દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે જે ખર્ચ થાય તે પનાહ ફાઉન્ડેશન દ્વારા ચૂકવવામાં આવે છે. આવી રીતે રિક્ષા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતા દર્દી માટે આ સેવા નિશુલ્ક છે. પનાહ ફાઉન્ડેશન દ્વારા રિક્ષાચાલકોને માસ્ક, સેનીટાઈઝર, અને PPE કીટ પણ આપવામાં આવે છે. દર્દીને સલામતી સાથે હોસ્પિટલ પહોંચાડવા સાથે સાથે રિક્ષાચાલકોની સલામતીનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

અત્યારે શહેરમાં જ્યારે કોરોના મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદનાં રિક્ષાચાલકોની આ કામગીરી સરાહનીય છે. જ્યારે દર્દીના સગા દર્દીની નજીક આવવામાં અચકાતા હોય છે ત્યારે આ રિક્ષાહલકો દર્દીને હોસ્પિટલ સુધી પહોચાડવાનું સેવાનું કામ કરે છે. આ જોઈને લાગે છે હજુ માનવતા જીવે છે.
રિક્ષા એમ્બ્યુલન્સ નો સંપર્ક કરવા માટે હેલ્પલાઇન નંબર 76006 60760 છે.








