નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજ્યમાં છાસવારે નદીના પટમાંથી ખનીજ માફીયા દ્વારા રેતીની ચોરી થતી હોવાની ઘટના સામે આવતી રહે છે. જોકે ખનીજ માફીયા સામે કાર્યવાહી કરવા માટે એક ખાણખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસ બંને છે પણ કાર્યવાહીનો અભાવ હોય તેમ જણાય છે. કારણ કે જો ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ ન ઈચ્છે તો રેતીનો એક ટ્રક ચોરી કરવો પણ શક્ય નથી. પરંતુ આવું નહીં થતું હોય રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell)ના નિર્લિપ્ત રાય (Nirlipt Rai) દરોડો કરવો પડ્યો અને કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પાડવામાં આવ્યા.

રાજ્યમાં રેતનો ધંધો ભ્રષ્ટ અધિકારીઓ માટે સોનાનું ઈંડુ આપતી મુરઘી બની ગઈ છે. ત્યારે રાજકોટ જિલ્લાની આજી નદીની રેતી ચોરી કરવાનું મોટું કારસ્તાન SMC દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. અગાઉ પડધરી તાલુકાના હરિપર ગામે ખનીજ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું હતું ત્યારે હવે ફરી વખત પડધરીના ખાખડાબેલા ગામ પાસે આજી-3 નદીના પટમાંથી રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. સ્ટેટ મોનિટરીંગ સેલની બંને રેડમાં મુખ્ય સુત્રધાર મહાવીરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાની સંડોવણી સામે આવી છે.
આ પણ વાંચો: રાજકોટઃ થાર કાર સાથે સ્ટંટ કરનાર શખ્સની કાર જપ્ત, ધરપકડ, જાણો કોણ હતા
રાજકોટના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામ પાસે આજી ડેમ-3ના પટમાં રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ ઈન્સપેક્ટર સી.એન. પરમારની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન હિટાચી મશીન દ્વારા નદીમાંથી રેતી ચોરીની કારમગીરી ચાલી રહી હતી. જેથી પોલીસે સ્થળ પરથી 7200 ટન રેતીનો જથ્થો ઝડપી પાડી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, શનિરાજસિંહ કિશોરસિંહ જાડેજા અને હીટાચી મશીનના ડ્રાઇવર રાજેન્દ્ર રણમલ જયસ્વાલની ધરપકડ કરી હતી.
સ્ટેટ મોનિટરીંગ સેલે આજી ડેમ-3 નજીક દરોડા પાડતા સ્થળથી અડધો કિલોમીટર દુર ખનીજ ચોરી કરી રહેલી બીજી ગેંગને દરોડાની ગંધ આવી જતા એ ગેંગ મશીન મુકીને સ્થળ પરથી ભાગી છુટી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા બંને સ્થળ પર દરોડો કરી રૂપિયા 85 લાખના બે મશીન, રૂ. 24.38 લાખ કિંમતની 7200 ટન રેતી, 3 મોબાઈ કુલ રૂપિયા 1.09 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ દરમિયાન ફરાર થયેલા કે હાજર ન મળેલા મહાવીરસિંહ ઉર્ફે ટીનુભા હમીરજી જાડેજા, યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા, રાજદીપસિંહ રણજીતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ સુખદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, ભોલાભાઇ રાજપૂત તથા હિટાચી મશીન મૂકીને નાસી જનાર ડ્રાઈવર સહિત સાત ફરારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર રેતી ચોરીના કૌભાંડના મામલે પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ખનીજ માફિયાને અટકાવવા માટે સ્થાનિક પોલીસ અને ખાણખનીજ વિભાગ સક્રિય છે. તેમ છતાં આ પ્રકારની ગેરકાયેદસર પ્રવૃતિ ચાલી રહી છે. નદીના પટમાં રહેલા આટલાં મોટા મશીન અને ટ્રકો શું પોલીસ અને જે તે વિભાગને નહીં દેખાતા હોય? કે પછી ખીસ્સું ગરમ થઈ જવાના કારણે મૌન રહેવામાં આવે છે? આવા અનેક સવાલો અહીં લોકોના મનમાં પેદા થઈ રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








