નવજીવન ન્યૂઝ. મુંબઈઃ Mumbai News: મુંબઈના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની છાપ ધરાવતા દયા નાયક (Encounter Specialist Daya Nayak)ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જોકે આ વખતે ચર્ચામાં આવવા પાછળનું કારણ તેમની થયેલી બદલી છે. દયા નાયકની મહારાષ્ટ્ર એ.ટી.એસ.માંથી (Maharashtra ATS) મુંબઈ પોલીસમાં (Mumbai Police) બદલી (Transfer) કરવામાં આવી છે. દયા નાયક સહિત સાત પોલીસકર્મીઓને એ.ટી.એસ.માંથી મુંબઈ પોલીસમાં બદલી કરવામાં આવી છે. જ્ઞાનેશ્વર વાઘ અને દૌલત સાલ્વેની પણ એ.ટી.એસ.માંથી મુંબઈ પોલીસમાં બદલી કરવામાં આવી છે.
રાજ્ય કેડરના 1995 બેચના અધિકારી દયા નાયક મુંબઈમાં મહારાષ્ટ્ર ATSની સાથે જોડાયેલા હતા અને જુહુ સ્થિત યુનિટનું નેતૃત્વ કરતા હતા. વિવાદોમાં રહેતા દયા નાયકને પહેલા જ શિસ્તભંગના કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2006માં ભૂતપૂર્વ પત્રકાર કેતન તિરોડકરની ફરિયાદને પગલે નાયકને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લગભગ સાડા છ વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આરોપ એવો હતો કે તેમની પાસે અપ્રમાણસર સંપત્તિ અને અંડરવર્લ્ડ સાથે કથિત સંબંધ હતો.
1990ના દાયકામાં મુંબઈમાં અંડરવર્લ્ડ પ્રવૃત્તિઓના ચરમસીમાઓ પર હતી તે દરમિયાન દયા નાયકે ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ તરીકે ખ્યાતિ મેળવી હતી. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 80થી વધુ ગેંગસ્ટરોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. તેમના પર અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવાનો આરોપ હતો. ઉપરાંત અંડરવર્લ્ડ સાથે તેમના કથિત સંબધના સમાચાર પણ હેડલાઇન્સ બન્યા હતા. 1990ના દાયકામાં નાયકના નામથી ગુંડાઓ ડરવા લાગ્યા હતા. દયા નાયક દરરોજ અખબારોની હેડલાઇન્સમાં છવાયેલા રહેતા હતા. પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે આરોપોને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમની ઘણી બદનામી થઈ. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો જ્યાં તેની સામેના આરોપો ફગાવી દેવામાં આવ્યા.
2009માં તત્કાલિન પોલીસ મહાનિર્દેશક એસ.એસ. વિર્કે દયા નાયક સામે કાર્યવાહી કરવાની પરવાનગી નકારી કાઢી હતી, કારણ કે તેમની સામે પૂરતા પુરાવા નથી. આ પછી તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતા. 2010માં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ તેમની સામેના તમામ આરોપો રદ કર્યા હતા. તેમને જૂન 2012માં સેવામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા અને વિભાગની સ્થાનિક આર્મ્સ વિંગમાં મુકવામાં આવ્યા હતા. ટૂંકી ફરજ બજાવ્યા બાદ પછી તેમની બદલી પશ્ચિમ ઝોન (બાંદ્રાથી અંધેરી)માં કરવામાં આવી હતી. જે શહેરમાં હાઇ-પ્રોફાઇલ ઝોન માનવામાં આવે છે. ત્યારબાદ 2014માં નાયક સામે તપાસ બાકી હોવાથી તેમની બદલી નાગપુર કરવામાં આવી હતી. જોકે તેમણે ત્યાં ફરજમાં જોડાયા ન હતા. નાગપુરમાં રિપોર્ટ ન કરવા બદલ તેમને ફરીથી 2015 માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેની એક વર્ષ અગાઉ બદલી કરવામાં આવી હતી. નાયકને 2016 માં રાજ્ય સરકાર દ્વારા પોલીસ સેવામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
દયા નાયક એ.ટી.એ.સમાં તેમના સમય દરમિયાન 2021માં થાણે સ્થિત બિઝનેસમેન મનસુખ હિરનની હત્યાની તપાસમાં સામેલ હતા. મનસુખની હત્યા મુંબઈમાં એન્ટિલિયા નજીક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની વિસ્ફોટકો ભરેલી કારની રિકવરી સાથે સંકળાયેલી હતી. એન્ટિલિયા બોમ્બ કેસ અને મનસુખ હત્યા કેસની તપાસ બાદમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને ટ્રાન્સફર કરવામાં આવી હતી.
TAG: ‘Encounter Specialist’ Daya Nayak transferred, Mumbai Police, Maharashtra ATS
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








