Friday, August 14, 2026
HomeBusinessઔદ્યોગિક વાપરાશકારો ખાંડમાં ૧૫૦થી ૨૫૦નાં પ્રીમીયમથી માલ કોર્નર કરવા લાગ્યા

ઔદ્યોગિક વાપરાશકારો ખાંડમાં ૧૫૦થી ૨૫૦નાં પ્રીમીયમથી માલ કોર્નર કરવા લાગ્યા

- Advertisement -
  • ખાંડના ભાવ સવાવર્ષની ઉંચાઈએ: તહેવારોમાં સુગર મોંઘી થશે
  • ખાંડના મંદીવાળા તેમના વેચાણ કાપવા આવશે ત્યારે મોટી તેજીનું મોમેન્ટમ સર્જાવાનો ભય

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : બ્રાઝીલની સુગર મિલો વધુને વધુ શેરડીના રસને ઇથેનોલ ઉત્પાદન તરફ વાળી દેતા, જુન મહિનાનું ખાંડ ઉત્પાદન ૨૬.૩ ટકા ઘટીને ૩૯.૦૩ લાખ ટન આવતા, એક જ સપ્તાહમાં વૈશ્વિક ખાંડના ભાવ ૧૪ ટકા ઉછળીને મે ૨૦૨૫ની ઊંચાઈ પહોચી ગયા હતા. બ્રાઝીલે જુનમાં શેરડીનો ૫૮ ટકા રસ ઇથેનોલ ઉત્પાદનમાં વળી દીધો હતો. અમેરિકન કોમોડીટી ફ્યુચર્સ ટ્રેડીંગ કમિશનના આંકડા મુજબ આઈસીઈ ન્યુયોર્ક રો સુગર વાયદામાં મંદીવાળાઓએ, મંદીના ધરખમ ઓળિયા કાપી નાખ્યા હતા. વિશ્વના બીજા નંબરના મોટા ખંડ ઉત્પાદક ભારતનાં જથ્થાબંધ અને હાજર બજારમાં પણ વિદેશી તેજીનો રેલો આવ્યો હતો.

ઇન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેકચરર્સ એસોસિયેશન (ઈસ્મા)એ ભારતમાં હકારત્મક ચોમાસુ મોસમ અને વાવેતર એકરેજ વધવાનેને પગલે ૨૦૨૬-૨૭ની મોસમનો ઉત્પાદન અંદાજ, ગતવર્ષના ૩૨૦ લાખ ટનથી ૧૨ ટકા વધારીને ૩૩૫ લાખ ટન મુક્યો હતો. ભારતમાં ઓગસ્ટથી નવેમ્બર સુધી ચાલનારા તહેવારોની મોસમમાં ઠંડાપીણાં, બિસ્કીટ, અને જુદાજુદા પકવાનોની માંગને પહોચી વળવા આ બધા ઉદ્યોગે અત્યારથીજ મોટા જથ્થામાં ખરીદી કરી સ્ટોક વધારવાની પેરવી કરતા, એમ-૩૦ શુદ્ધતાની ખાંડના જથ્થાબંધ ભાવ પર ક્વિન્ટલ દીઠ રૂ. ૧૫૦થી ૨૫૦ જેટલા ઊંચા પ્રીમીયમ બોલાવા લાગ્યા છે.

- Advertisement -

બજારના સુત્રો કહે છે કે બ્રાઝીલ અને યુરોપીયન દેશોમાં સખત ગરમી, સુકું હવામાન, ઉપજ અને ઉતારા બન્નેમાં ઘટાડો લાવશે. છેલ્લા એક વર્ષથી બ્રાઝીલે નિકાસ ઘટાડી છે, તેની પણ બજાર પર અત્યારે અસર જોવાય છે. મુંબઈના એપીએમસી માર્કેટમાં ખાંડના સરેરાશ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૪૪૭૫, રીટેઈલ પેકેજમાં ભાવની રેંજ ૪૭૦૦થી ૫૯૦૦ સુધીની છે. કોલ્હાપુર એસ-નાનો દાણો રૂ. ૪૬૩૦થી રૂ. ૪૭૦૦ બોલાય છે. વૈશ્વિક બજારમાં બુધવારે આઈસીઈ ન્યુયોર્ક રો સુગર ઓક્ટોબર હાજર વાયદો મે ૨૦૨૫ પછીની નવી ઉંચાઈએ ૧૭.૧૧ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયા બાદ, તેજીવાળા નફો બુક કરવા આવતા ગુરુવારે ભાવ ઘટીને ૧૬.૨૭ સેન્ટ ઇન્ટ્રાડેમાં ક્વોટ થયો હતો. લંડન સુગર વાયદો ટન દીઠ ૫૧૧.૩૦ ડોલર થઇ, સાંકડી વધઘટે અથડાતો હતો.

રાબો બેન્કે એક અહેવાલમાં કહ્યું હતું કે બ્રાઝીલમાં અલ-નીનો પ્રભાવિત વધુ પડતા વરસાદને પગલે, જુન અને મહત્તમ જુલાઈ મહિનામાં શેરડીનું વાવેતર થઇ શક્યું નાં હતું. આથી વર્તમાન મોસમમાં બ્રાઝીલનો વાવેતર વિસ્તાર ઘટવાની ચિંતાઓ વધી છે. ઔદ્યોગિક સુત્રો કહે છે કે આ સ્થિતિમાં શેરડીના ઉભા પાકમાં ફ્રુક્તોસ (સરકરા)નું પ્રમાણ ઓછું આવશે. રાબો બેન્કે ભારત વિષે કહ્યું હતું કે વરસાદ વરસવાનું ધોરણ અનિયમિત હોવાથી સામાન્ય વરસાદ કરતા ૧૧.૭ ટકા ઓછો વરસાદ પડશે. બ્રાઝીલ અને ભારતમાં અનિયમિત હવામાન સમસ્યાને પગલે ઓછું ઉત્પાદન, સાથે જાગતિક પુરવઠા સ્થિતિ નબળી રહેતા બાવન સપ્તાહની ભાવ સરેરાશ ઉંચી મુકાશે.

અલ-નીનો પ્રભાવી વાવેતર વિસ્તારમાં સર્વાંગી વૈશ્વિક ઉત્પાદકતામાં ઘટાડો શક્ય છે. ભારતમાં પુરવઠા અછત અને માથે તહેવારિક માંગના દબાણ હેઠળ ભાવ ઘટવાની શક્યતા ઓછી મનાય છે. પરિણામે સરકાર એક તરફ નિકાસ અટકાવી, વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાદવાની શક્યતા ઉજળી છે. જાગતિક બજારમાં વધતી પુરવઠા અછત અને બ્રાઝીલની નિકાસ ઘટાડા સાથે યુરોપીયન યુનિયન દેશોમાં એક દાયકાનું સૌથી ઓછું ઉત્પાદન આવવાની સંભાવના જોતા, સરવાળે ખાંડ બજારનો આંતરપ્રવાહ સતત તેજીનો રહેવાની શક્યતા છે. આ જોતા ખાંડના મંદીવાળા તેમના વેચાણ કાપવા આવશે ત્યારે, તેજીનું મોમેન્ટમ સર્જાવાનો ભય છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular