નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે દિલ્હી વિધાનસભામાં ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર બતાવતા કહ્યું કે આખા દેશની છાતી પહોળી થઈ ગઈ છે. આજે દિલ્હીના શિક્ષણ મંત્રી કોણ છે પૂછો તો તમને જવાબ મળી જશે, પરંતુ કેન્દ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના શિક્ષણમંત્રીની કોઈને ખબર નથી. એવું લાગે છે કે આખા દેશમાં એક જ શિક્ષણ મંત્રી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ સમાચાર 18 ઓગસ્ટના રોજ ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયા હતા. તેના એક અઠવાડિયા પછી, 25 ઓગસ્ટે, અન્ય એક સમાચાર પ્રકાશિત થયા જેનું મથાળું હતું, મોદી દ્વારા ભારતમાં લોકશાહીની હત્યા, તે બધા માટે શરમજનક છે. દરમિયાન, દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર એક દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. કેજરીવાલ સરકાર સોમવારે વિધાનસભામાં વિશ્વાસનો મત લાવશે.
કેજરીવાલે કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિના પત્ની દિલ્હીની સરકારી શાળાઓ જોવા આવ્યા હતા. બાન કી મૂન દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક્સ જોવા આવ્યા, સિંગાપોર સરકારે બોલાવ્યા, અમને દુનિયાભરના મેયરોને શીખવવાનો મોકો મળ્યો, દેશ માટે ગર્વની વાત છે, પરંતુ રાષ્ટ્રવિરોધી શક્તિઓ એક થઈ ગઈ અને અમને રોકવાનો નિર્ણય કર્યો, હવે આ લોકોએ મળીને એક ષડયંત્ર રચ્યું કે દિલ્હી સરકારને પાડી દેવી છે. મનીષ સિસોદિયા સામે કેસ દાખલ કર્યો.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ લોકો નથી કહી શકતા કે કૌભાંડ શું છે? આ લોકોનું કહેવું છે કે 1.5 લાખ કરોડનું કૌભાંડ થયું, બાદમાં 8 હજાર કરોડનું, પછી 1100 કરોડનું કૌભાંડ કહેવાયું. મીડિયાના લોકોએ જણાવ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે 144 કરોડનો ગોટાળો હોવાનો રિપોર્ટ આપ્યો હતો. CBIની એફઆઈઆરમાં કંઈક બીજું છે. સત્ય એ છે કે કોઈ કૌભાંડ નથી, મનીષ સિસોદિયાના ઘરે આટલા કલાકો સુધી CBIના દરોડામાં કંઈ મળ્યું નથી. દરેક રૂમની તપાસ કરવામાં આવી હતી, એક રૂપિયો પણ બહાર ન આવ્યો, 30-35 લોકો આવી ગયા હતા, તેમના દરોડાનો ખર્ચ પણ ન નીકળ્યો.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે વિચારી રહ્યા હતા કે તેમને દરોડામાં શું મળ્યું? આજે 7 દિવસ થઈ ગયા. બાદમાં મનીષ સિસોદિયાને બીજેપી તરફથી મેસેજ મળ્યો કે દિલ્હીમાં ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે, AAP તોડો અને ભાજપમાં આવો, કેસ ખતમ કરીને મુખ્યમંત્રી બનાવીશું, પરંતુ મનીષ સિસોદિયાએ ના પાડી હતી. મુખ્યમંત્રીની ખુરશીનો અસ્વીકાર કરવો એ નાની વાત નથી. મેં મારા પાછલા જન્મમાં પુણ્ય કર્મો કર્યા હશે, જે મને આવા નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મળ્યા છે. પછી ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી, પણ તે લોકો તૂટ્યા નહીં. કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન લોટસ માટે 800 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. આજે હું કહીશ કે આ 800 કરોડ કોના છે?
હવે લેફ્ટનન્ટ ગવર્નર પણ શાળાઓની તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. ગુજરાતની ચૂંટણી માટે બધુ થઈ રહ્યું છે, જે ભાજપનો કિલ્લો કહેવાતો હતો તે હવે તૂટી રહ્યો છે. લોકો કહે છે કે તમે તેમની 27 વર્ષની તપાસ કરાવશો, તેથી તેઓ અમારા માટે કરી રહ્યા છે. આજે જો આપણે જાહેર કરીએ કે AAP ગુજરાતમાં ચૂંટણી નથી લડી રહી તો આજે બધું બંધ થઈ જશે.
કેજરીવાલે કહ્યું, આજે હું તમને જણાવીશ કે ધારાસભ્યોને ખરીદવા માટે પૈસા ક્યાંથી આવી રહ્યા છે. દિલ્હીમાં ધારાસભ્યોનો ખર્ચ 20 કરોડ હતો. એ જ રીતે મહારાષ્ટ્ર અને અન્ય સ્થળોએ ધારાસભ્યો ખરીદ્યા. મોંઘવારી એટલી વધી ગઈ છે, GST વધ્યો છે, એ પૈસા બે જ જગ્યાએ વપરાય છે, કાં તો પોતાના મૂડીવાદી મિત્રોને આપે છે અથવા ધારાસભ્યોને ખરીદે છે. અત્યારે ઝારખંડમાં સરકાર પડવાની છે, તો જુઓ પેટ્રોલ અને જીએસટી ન વધે. તમે લોકોએ નક્કી કરવાનું છે કે તમારી મહેનતની કમાણી ક્યાં ખર્ચ કરવી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, એક માણસની સત્તાની લાલસા પૂરી કરવા માટે બધું કરવામાં આવી રહ્યું છે. આ ભ્રષ્ટાચાર સામેની લડાઈ નથી, તેમણે લાલ કિલ્લા પરથી કહ્યું કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં તમારો સાથ જોઈએ. આ તેમના સ્વાર્થ અને સત્તાની લાલસા માટેની લડાઈ છે.
કેજરીવાલે કહ્યું કે, આજે હું તમને પાંચ મુદ્દા આપું છું, તપાસ કરાવો. હું ગુજરાતમાં જાઉં છું, પેપર લીકથી લોકો પરેશાન છે, હું પડકાર આપું છું કે ગુજરાતની ચૂંટણી પહેલા કોઈને જેલમાં નાખીને બતાવો. ગુજરાતમાં 22 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમના લોકો નકલી દારૂનો ધંધો કરે છે. વડાપ્રધાન બુંદેલખંડમાં એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા ગયા હતા, તે એક્સ્પ્રેસ વે પણ તૂટી ગયો.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકો ફોન કરી રહ્યા છે કે કેટલા ધારાસભ્યો તૂટ્યા છે, હું કહું છું કે એક પણ તૂટવાનો નથી. હું દિલ્હીની જનતાને વિશ્વાસ અપાવવા માટે વિશ્વાસ પ્રસ્તાવ લાવવા માંગુ છું. દિલ્હી સરકારે છેલ્લા સાત વર્ષમાં ઘણું કામ કર્યું છે. તેની ચર્ચા આખી દુનિયામાં છે. દુનિયાના મોટા નેતાઓ દિલ્હીમાં આવીને જોયું છે. વિશ્વભરના અખબારોમાં તેની ચર્ચા થઈ રહી છે. 130 કરોડ ભારતીયો માટે આ ગર્વની વાત છે. દેશવિરોધી શક્તિઓ નથી ઈચ્છતી કે કામ થાય. તમામ રાષ્ટ્રવિરોધી શક્તિઓ અમારી વિરુદ્ધ એક થઈ ગઈ છે અને દિલ્હી સરકારને પછાડવા માંગે છે.
હું દિલ્હીની જનતાને કહેવા માંગુ છું કે તમે જેમને ચૂંટીને મોકલ્યા છે તે લોકો તૂટવાના નથી. ગુજરાતની ચૂંટણી સુધી આ ટ્રેન્ડ ચાલુ રહેશે. તમે ઇચ્છો તેટલી તપાસ કરો, તપાસ એજન્સીઓ ગમે તે હોય. જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમને લાગે છે કે મારે આજે મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી દેવી જોઈએ, આજે દિલ્હીની સરકારને ઉથલાવી દેવી જોઈએ. તો પછી તમે કામ ક્યારે કરો છો? અત્યાર સુધીમાં તેઓએ લગભગ 277 ધારાસભ્યો ખરીદ્યા છે અને તેમાં 5500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પૈસા તમારા ખિસ્સામાંથી નીકળી રહ્યા છે. પ્રજાના પૈસાથી કરોડપતિ મિત્રોની લોન માફ કરવામાં આવી રહી છે.








