પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-71): (સજાના પાંચ વર્ષ બાદ…) ગોપાલની જિંદગી કોઈ ફિલ્મના પ્લોટ કરતાં પણ વધારે ઝડપથી બદલાઈ રહી હતી. નિશી તેની પત્ની નહોતી રહી; પણ ગોપાલ તો તેને પ્રેમ કરતો હતો. નિશીની આત્મહત્યા પછી ગોપાલને નોર્મલ થતાં મહિનાઓ લાગ્યા હતા. જેલની લીગલ ઑફિસમાં કામ કરવા ઉપરાંત તે બુક રેકોર્ડિંગ કરતો. તેની સાથે સાથે પત્રકાર આદેશ અને નવજીવન સંસ્થા દ્વારા જે કંઈ પ્રોગ્રામ થતાં તે દરેકમાં તે ભાગ પણ લેતો હતો.
કેદીઓનું એક અલગ જ વિશ્વ હોય છે. હવે ગોપાલ પણ તે નવા વિશ્વનો હિસ્સો બની ગયો હતો. રાકેશ ગોપાલનો એક જ મિત્ર હતો. રાકેશ ગોપાલ અને તેનાં મમ્મી–પપ્પાનું એટલું ધ્યાન રાખતો હતો, કદાચ સગો ભાઈ પણ એટલું ધ્યાન ન રાખે!
આ દરમિયાન ગોપાલ રજા પર પણ બહાર આવ્યો હતો. તે વેદાંતને મળીને પૂછવા માગતો હતો કે, તે આવું કેમ કર્યું? પણ એ રજા પર આવ્યો ત્યારે ખબર પડી કે, વેદાંત અમદાવાદ છોડીને બીજે જતો રહ્યો છે. હવે વેદાંતનો કોઈ પત્તો નથી.
લીગલ ઑફિસમાં ઇન્ટરનેટની વ્યવસ્થા હતી. આમ તો જેલના નિયમ પ્રમાણે ઇન્ટરનેટ પર પ્રતિબંધ છે, પરંતુ લીગલ ઑફિસ કોર્ટને લગતી કામગીરી કરતી હોવાને કારણે ગોપાલની ઑફિસમાં ઈન્ટરનેટની વ્યવસ્થા હતી. ગોપાલ લગભગ રોજ હાઇકોર્ટની વેબસાઇટ ખોલીને પોતાની અપીલ અરજીનું સ્ટેટસ ચેક કરી લેતો હતો.
તેણે બે વર્ષ પાલનપુર જેલમાં અને ત્રણ વર્ષ સાબરમતી જેલમાં પસાર કર્યા હતા. દસ વર્ષની સજામાંથી તેણે અડધી સજા તો તેણે પૂરી કરી દીધી હતી. એક દિવસ ગોપાલે સાઈટ ઉપર જોયું તો ગોપાલની અપીલની અરજીની તારીખ પડી હતી. ગોપાલે પિટિશનરમાં પોતાની સાથે સલીમને પણ રાખ્યો હતો. ગોપાલને એક આશાનું કિરણ દેખાયું. ગોપાલે તે જ દિવસે એડ્વોકેટ ચાંપાનેરીને ફોન કર્યો.
ચાંપાનેરીએ તેને ચેતવણી આપતા કહ્યું, “જો ગોપાલ, તે કહ્યું એ પ્રમાણે તે અને સલીમે કરેલું ઍફિડેવિટ મેં હાઇકોર્ટ સામે મૂકી દીધું છે. પાર્ટી ઇન પર્સનમાં તમે રજૂઆત કરવા માગો છો, તેવી વિનંતી પણ હાઇકોર્ટને કરી છે. પણ મને લાગે છે કે, હજી એકવાર વિચાર કરી લે. તારાં મનમાં ઘુસી ગયેલા ગાંધી ક્યાંક તને નુકસાન ન કરે.”
ગોપાલે કહ્યું, “સાહેબ, જિંદગી આખી ખોટું જ બોલ્યા છીએ. એક વખત સાચું બોલીને તો જોઈએ કે શું થાય છે?”
ચાંપાનેરીએ કહ્યું, “તો પછી તારી ઇચ્છા. જેલ ઑથોરિટિને હાઇકોર્ટે નોટિસ ઇસ્યૂ કરી દીધી છે. પોલીસ જાપ્તા સાથે તમને હાઇકોર્ટમાં લાવવામાં આવશે. હવે હાઇકોર્ટમાં મળીશું.”
5મી માર્ચ થઈ. ગોપાલ અને સલીમ તૈયાર થઈ ગયા. આજે તેમની અપીલનો દિવસ હતો. માત્ર સાબરમતી જેલ માટે જ નહીં, ગુજરાતની તમામ જેલ માટે આ મહત્ત્વનો દિવસ હતો. એક કેદી હાઇકોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કરવાનો હતો.
ગોપાલ તૈયાર થઈ મેલડી માતાનાં મંદિરે દર્શન કરવા ગયો. તેણે જોયું કે, સલીમ પણ માતાજી સામે હાથ જોડીને ઊભો હતો. ગોપાલને બહુ આશ્ચર્ય થયું. તે પણ સલીમની બાજુમાં હાથ જોડીને ઊભો રહી ગયો. મંદિરમાંથી નીકળતી વખતે ખબર નહીં કેમ, પણ ગોપાલ અને સલીમનાં મનમાં એક પ્રકારની શાંતિ હતી. હાઇકોર્ટ તેમની સજા ઘટાડશે કે સજા યથાવત્ રાખશે? તેની કોઈને ખબર નહોતી. સલીમને જ્યારે ખબર પડી કે, ગોપાલ હાઇકોર્ટમાં સાચું કહેવાનો છે; ત્યારે સલીમે એટલું જ કહ્યું હતું કે, તને યોગ્ય લાગે એ કરજે. હું તારી સાથે જ છું.
ગોપાલ અને સલીમ ગેટ ઉપર આવ્યા. ત્યાં અમદાવાદ પોલીસના કેટલાક જવાનો અને એક સબ ઇન્સપેક્ટર હથિયાર અને હાથકડી સાથે ઊભા હતા. ગેટ ઉપર રહેલા જમાદારે હાઇકોર્ટના હુકમ પ્રમાણે ગોપાલ અને સલીમની કસ્ટડી અમદાવાદ પોલીસને સોંપી. જેલના ગેટની બહાર નીકળતા પહેલાં એક પોલીસવાળાએ પોતાની પાસે રહેલી હાથકડી કાઢી. ગોપાલના જમણા અને સલીમના ડાબા હાથે હાથકડી બાંધી દીધી.
હથિયારી જવાન ગેટની બહાર નીકળ્યો. પછી ગોપાલ અને સલીમને બહાર કાઢવામાં આવ્યા. જેલની બહાર રોજ જેવી જ ચહલપહલ હતી. પોલીસનું એક વાહન ઊભુ હતું. ગોપાલે પાછું વળીને જેલ તરફ જોયું. જેલની છત ઉપર ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો. દરવાજાની ઉપર અશોક સ્તંભનું નિશાન હતું. ગોપાલને લહેરાઈ રહેલો ત્રિરંગો જોઈને સારું લાગ્યું. તે મનમાં જ બોલ્યો કે, અમે પણ આઝાદ થઈશું.
પોલીસે તેમને પોલીસવાનમાં બેસાડ્યા. વાનમાં તેમના સિવાય બીજા કોઈ કેદી નહોતા. કારણ કે સામાન્ય રીતે હાઇકોર્ટમાં આરોપી તરફથી વકીલો જ પક્ષ મૂકતા હોય છે. પરંતુ ગોપાલે હોઈકોર્ટને પાર્ટી ઇન પર્સન રજૂઆત કરવાની વિનંતી કરી હતી. જેના કારણે તેમને હાઇકોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા હતા.
ગોપાલ અને સલીમ પોલીસ વાનમાં જઈ રહ્યા હતા; પણ તેમની નજર લોંખડની જાળીની બહાર દેખાતાં પોતાનાં અમદાવાદ શહેર તરફ હતી. તેમનાં મનમાં પોતાનું શહેર જોઈને એક પ્રકારનો હરખ ઉભરાતો હતો. સાથે રહેલા પોલીસવાળા પોતાની રાયફલ બાજુ પર મૂકીને ગપ્પા મારી રહ્યા હતા. પોલીસની વાન અમદાવાદ શહેરની ભીડ ચીરીને એસ.જી. હાઇવે પર પહોંચી. ગોપાલે જોયું કે, એસ.જી. હાઇવે ઘણો બદલાઈ ગયો હતો. રસ્તાઓ પહોળા થઈ ગયા હતા. એક બ્રિજ બની રહ્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલ પાર કરીને પોલીસવાન જમણી બાજુ વળી અને હાઇકોર્ટના વિશાળ દરવાજામાં દાખલ થઈ.
હાઇકોર્ટનાં પાર્કિંગમાં વાન ઊભી રહી. પોલીસવાળાએ ઇશારો કર્યો કે, નીચે ઉતરો. સાથે રહેલા સબ ઇન્સપેકટરે પોલીસવાળાને ઊંચા અવાજે કહ્યું, “અરે, પહેલાં એમની હાથકડી ખોલી નાખો. કોર્ટ હાથકડી સાથે કેદીને જોશે, તો તમારી ધૂળ કાઢી નાખશે.”
એક પોલીસવાળાએ તરત ચાવી લગાવીને હાથકડી ખોલી નાખી. પહેલાં ગોપાલ અને પછી સલીમ વાનમાંથી બહાર નીકળ્યા. સૌથી આગળ પી.એસ.આઈ. ચાલી રહ્યા હતા. તેમની પાછળ એક પોલીસવાળો અને પછી ગોપાલ અને સલીમ. સૌથી પાછળ બીજા બે હથિયારી પોલીસવાળા ચાલી રહ્યા હતા.
ગોપાલ હાઇકોર્ટમાં પહેલી વખત આવ્યો હતો. તેને હાઇકોર્ટનો માહોલ કંઈક જુદો જ લાગી રહ્યો હતો. લાંબા, કાળા કોટ પહેરીને ફરતાં વકીલો વચ્ચે સબ ઇન્સપેક્ટર રોકાયા. તેમણે એક વકીલને પૂછ્યું, “કોર્ટ નંબર 10? દવે સાહેબની કોર્ટ?”
વકીલે કહ્યું, “પહેલાં માળે.”
પોલીસનો કાફલો 10 નંબરની કોર્ટમાં પહોંચ્યો. એડ્વોકેટ ચાંપાનેરી પણ આવી ગયા હતા. ગોપાલને એ તરત ઓળખી ગયા. પોલીસવાળાએ ગોપાલ અને સલીમને બેસાડ્યા. હાઇકોર્ટના જસ્ટિસ સુક્રાંત દવે બરાબર સાડા દસ વાગ્યે ડાયસ ઉપર આવી ગયા. તેમની બાજુમાં રહેતાં કોર્ટસ્ટાફે કેસ નંબર વાંચીને કહ્યું, “પિટિશનર ગોપાલ એન્ડ સલીમ.”
ચાંપાનેરી ઊભા થયા. તેમણે કહ્યું, “માય લોર્ડ, મારા ક્લાયન્ટની રિકવેસ્ટ પાર્ટી ઇન પર્સનની છે. સાથે બીજી એક રિક્વેસ્ટ પણ છે કે, તેઓ પોતાની વાત ગુજરાતીમાં કહેવા માગે છે.”
જસ્ટિસ દવેએ તેમનાં ટેબલ પર રહેલા કેસપેપર ઉપર એક નજર કરી અને કહ્યું, “ગ્રાન્ટેડ.”
ચાંપાનેરીએ ગોપાલને ઇશારો કર્યો. સબ ઇન્સપેક્ટર પણ સાથે ઊભા થયા. ગોપાલ પાછળની કતારમાંથી આગળ આવ્યો. ચાંપાનેરીએ ગોપાલના કાનમાં કંઈક સૂચના આપી. ગોપાલે જસ્ટિસ દવે સાહેબને હાથ જોડીને નમસ્કાર કરતાં કહ્યું, “સર, મારો કેસ મારે જાતે રજૂ કરવો છે.”
જસ્ટિસ દવે સાહેબે કહ્યું, “પ્રોસિડ.”
ચાંપાનેરીએ ઇશારો કરતાં ગોપાલે પોતાનો કેસ રજૂ કરતાં કહ્યું, “મને સેશન્સ કોર્ટે જે સજા કરી, તેની સામે મને કોઈ ફરિયાદ નથી. મેં અજાણતાં કરેલો આ ગુનો નથી. ઇરાદાપૂર્વકનો ગુનો મેં કર્યો છે. મેં ગુનો કરતાં પહેલાં આઈ.પી.સી. અને સી.આર.પી.સી. પણ વાંચી હતી. પરંતુ મારાં મનમાં પૈસાદાર થવાનું ભૂત સવાર હતું. એ ઘેલછામાં થયેલી આ ભૂલ છે. મારી ઉંમર અત્યારે 26 વર્ષ છે. મારા ઘરે વૃદ્ધ માતા–પિતા છે. પિતા લારી ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. મારાં મા–બાપનો હું એકમાત્ર આધાર છું. હું જાણું છું કે, મારો ગુનો માફીને લાયક નથી. બસ, મારી ઉંમર અને મારાં વૃદ્ધ માતા–પિતાની સ્થિતિને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટ મને નવી જિંદગી શરૂ કરવાનો મોકો આપે. એટલી જ મારી વિનંતી છે.”
ગોપાલ બોલી રહ્યો હતો ત્યારે જસ્ટિસ દવે સાહેબના ચહેરા પર એક હકારાત્મક સ્મિત હતું. તે એડ્વોકેટ ચાંપાનેરી નોંધી રહ્યા હતા.
(ક્રમશઃ)
![]() |
![]() |
![]() |
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796











