પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-68): Nadaan Series : પત્રકારત્વના કલાસનો પહેલો દિવસ હતો. ક્લાસમાં આવેલા મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્રકાર આદેશને વાંચ્યો હતો. જેના કારણે, જે પત્રકારને આપણે વાંચીએ છીએ તેને રૂબરુ જોવા મળે એનું કૌતુક પણ હતું. જેલની લાઇબ્રેરીમાં કલાસરૂમની વ્યવસ્થા હતી. પહેલાં તો આદેશે ત્યાં રહેલા કેદીઓને કહ્યું, “મારે આજે તમારાં નામ જ જાણવા છે. તમે ક્યાંથી આવ્યા છો? શું કામ તમે અંદર છો? તેની સાથે મને કોઈ નિસ્બત નથી.”
આદેશ એક–એક કેદીની આંખોમાં જોઈને વાત કરતો હતો. આદેશ પત્રકારત્વનો માણસ ખરો, પણ પુસ્તક કરતાં માણસ વાંચવાનો એને વધારે શોખ. આદેશ જ્યારે વાત કરે, ત્યારે કેદીની આંખોમાં જોઈને જ વાત કરતો હતો કારણ કે તે જાણવા માગતો હતો કે તેની સાથે કોણ કનેક્ટ થઈ રહ્યું છે? ગોપાલ પહેલી બેંચ ઉપર બેઠો હતો. તેની પાછળની બેંચમાં વિરાંગ બેઠો હતો.
એક પછી એક કેદી પોતાનાં નામ કહી રહ્યા હતા. આદેશ ક્યારેક કેદીનું નામ યાદ રાખવા માટે ફરીથી તેમનું નામ પૂછતો હતો. ગોપાલનો નંબર આવ્યો, ત્યારે ગોપાલે ઊભા થઈને કહ્યું, “સર, મારું નામ ગોપાલ છે. મને ફેક કરન્સીના કેસમાં દસ વર્ષની સજા થઈ છે.”
આદેશના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે ગોપાલની આંખોમાં જોઈને પૂછ્યું, “મેં તારા ક્રાઇમ વિશે ક્યાં પૂછ્યું છે? મને તો માત્ર ગોપાલમાં જ રસ છે.”
ગોપાલે કહ્યું, “સર, તમારી વાત સાચી છે; પણ મારી પાસે છુપાવવા જેવું કંઈ જ નથી અને હું કંઈ છુપાવવા માગતો પણ નથી.”
આદેશને લાગ્યું કે, આ છોકરામાં દમ છે. આદેશના જીવનનો પણ આ એક જુદો જ અનુભવ હતો. તે ક્રાઇમ રિપોર્ટિંગ કરતો હતો ત્યાં સુધી જેલમાં રહેલા કેદીઓ માટે તેની અંદર ધૃણાનો ભાવ હતો. તે માનતો હતો કે, જેલમાં રીઢા ગુનેગારો જ હોય છે; પણ નવજીવન સંસ્થા સાથે કામ કરતાં કરતાં જ્યારે તે પત્રકારત્વ ભણાવવા માટે જેલમાં આવ્યો; ત્યારે તેને લાગ્યું કે, તેનાં મનમાં જેલ માટેની જે છાપ હતી, એના કરતાં અહીંની દુનિયા એકદમ અલગ જ છે.
ગોપાલ, નીતિનકાકા, સલીમ, રહીમચાચા અને વિરાંગ જેવા કેદીઓને મળ્યા પછી જીવનનું એક જુદું જ સત્ય આદેશની આંખ સામે આવ્યું. વર્ષો સુધી ક્રાઇમ રિપોર્ટિંગ કર્યા પછી પહેલી વખત આદેશને લાગી રહ્યું હતું કે, જેમને પત્રકાર આરોપીના કઠેડામાં ઊભા કરીને પત્રકારમાંથી ન્યાયાધીશની ભૂમિકામાં આવી જાય છે; એના કારણે જાણે–અજાણે ઘણાને અન્યાય થયો છે અને અત્યારે પણ થાય છે. જેલમાં અનેક ચહેરાઓ એવા હતા, જેમના માટે આદેશે ખૂબ લખ્યું હતું; પણ તેમને મળ્યા પછી લાગ્યું કે, દરેક વખતે જે દેખાય અને જે સંભાળ્યું હોય, એ જ આખરી સત્ય નથી હોતું. કારણ કે દરેકનું સત્ય પણ અલગ હોય છે.
પત્રકારત્વ ભણવાની ગોપાલ અને વિરાંગને મજા પડી રહી હતી. વિરાંગનાં મનમાં પણ જેલમાં કામ કરતી સંસ્થાઓ માટે જે છાપ હતી, તે છાપ નવજીવન સંસ્થાએ ભૂંસી નાખી હતી. વિરાંગ માનવા લાગ્યો હતો કે, ખરેખર નવજીવનને કેદીઓનાં જીવનમાં સારૂ કરવાની ઇચ્છા છે.
ગોપાલે પણ પોતાનાં જીવન અને મનને જેલમાં અભ્યાસ અને પ્રવૃત્તિમાં વ્યસ્ત કરી નાખ્યું હતું. ઘરેથી મમ્મી-પપ્પા મુલાકાતમાં આવતાં હતાં, પણ કોઈ એકબીજાં સાથે નિશીની વાત કરતાં નહોતાં. હા, રાકેશ જ્યારે મુલાકાતમાં આવે; ત્યારે ગોપાલ અચૂક તેને નિશીના સમાચાર પૂછતો હતો. દર વખતે રાકેશ, “મને ખબર નથી.” તેમ કહીને નિશીની વાત ટાળી દેતો હતો.
ગોપાલ પણ વિચાર કરતો હતો કે, ખરેખર રાકેશ અને નિશી નહીં મળતાં હોય! નિશી વિશે જાણવાનો એક જ સ્ત્રોત હતો. રાકેશ. પણ જેવું નિશીનું નામ આવે, તેની સાથે રાકેશ વાત બદલી નાખતો હતો. એક વખત તો રાકેશે ગુસ્સે થઈને ગોપાલને કહ્યું, “જો હવે મને નિશીનું કંઈ પૂછ્યું તો હું જેલ ઉપર આવીશ નહીં.”
એ વાતનું ગોપાલને બહુ માઠું લાગ્યું હતું; પણ રાકેશ ઇચ્છતો હતો કે, ગોપાલ જેમ બને તેમ જલદી નિશીને ભૂલી જાય; પણ ગોપાલ માનતો હતો કે, નિશી કંઈ તેના ઘરનું ફર્નિચર નથી કે ઘરમાંથી ગઈ એટલે મનમાંથી પણ નીકળી જાય. જ્યારે પણ નિશીના વિચાર આવતા ત્યારે ગોપાલ બેચેન થઈ જતો હતો. ગોપાલને ઘણી વખત ઇચ્છા થતી હતી કે, આદેશ સર સાથે આ અંગે વાત કરે. પણ તે આદેશ સર સાથે વાત કરી શક્યો નહીં.
આદેશ સર જ્યારે પણ જેલમાં પત્રકારત્વ ભણાવવા આવે, ત્યારે ગોપાલ તેમની સાથે રહેતો હતો. જેલમાં થતાં વિવિધ કાર્યક્રમમાં પણ ગોપાલ કાયમ ભાગ લેતો હતો. ખબર નહીં કેમ, ગોપાલને આદેશ સાથે લગાવ થઈ ગયો હતો. આદેશને મળ્યા પછી ગોપાલ જીવનને અલગ રીતે જોઈ રહ્યો હતો. ગોપાલની જિંદગી તરફની દૃષ્ટી બદલવામાં અલગ અલગ તબ્બકે અલગ અલગ મિત્રોની ભૂમિકા રહી હતી.
સૌથી પહેલા સલીમ, ગોવિંદ, નીતિનકાકા, વિરાંગ અને હવે આદેશ સર. આ બધા જ મિત્રો જાણે–અજાણે ગોપાલની જિંદગીને એક વળાંક આપી રહ્યા હતા. નવજીવન સંસ્થા દ્વારા લેવામાં આવેલી ‘ગાંધીપરીક્ષા’માં ગોપાલ બીજા નંબરે આવ્યો હતો. ગોપાલ પણ હવે માનવા લાગ્યો હતો કે, ગાંધી વાંચવાનો નહીં જીવવાનો વિષય છે. પત્રકારત્વ ભણવાની શરૂઆત કરી ત્યાર પછી એને દરેક પ્રશ્નને અલગ રીતે જોવાની આદત થઈ ગઈ હતી; પણ બદલાવ માત્ર ગોપાલમાં જ આવી રહ્યો હતો તેવું નહોતું. આદેશ પણ પોતાની જિંદગીને અલગ રીતે સમજવા લાગ્યો હતો.
આદેશને લાગી રહ્યું હતું કે, આપણે આપણી નાની–નાની સમસ્યાને લઈને નાહક ફરિયાદ કરતા રહીએ છીએ. જેલમાં રહેલા લોકોની જિંદગી તો વર્ષોથી થંભી ગઈ છે. એક તબ્બકો એવો હતો કે, આદેશ એવું માનતો કે, મારી સ્ટોરીને કારણે વધુમાં વધુ લોકો જેલમાં જાય. પણ અહીં આવ્યા પછી આદેશનું મન સતત એવું ઇચ્છી રહ્યું હતું કે, જેલમાં રહેલા કેદીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકાય? તેમને તેમના પરિવાર પાસે પાછા કેવી રીતે મોકલી શકાય?
પત્રકારત્વના અભ્યાસને છ મહિના થવા આવ્યા હતા. આદેશે પહેલાં જ કેદીઓને કહ્યું હતું કે, તમે એટલે જેલમાં છો, કારણ કે તમે પકડાઈ ગયા છો. અને અમે એટલે બહાર છીએ, કારણ કે અમે હજુ પકડયા નથી. મૂળ વાત એટલી જ છે કે, ખોટું તો બધા જ કરે છે. પત્રકારત્વ ભણતા કેદીઓને આદેશની સલાહ હતી કે, તેમણે નિયમિત અખબાર વાંચવા. જેલના નિયમ પ્રમાણે જે અખબાર આવે તેમાં જો જેલ સંબંધી કોઈ સમાચાર હોય, તો તેની ઉપર કાળી શાહી લગાવી દેવામાં આવતી હતી. ત્યારબાદ જ અખબાર કેદીઓ સુધી પહોંચતુ હતું. ઘણી વખત બેરેકમાં બે-ત્રણ દિવસ પછી અખબાર પણ વાંચવા મળતું હતું.
તે દિવસે બપોરના સમયે અખબાર ગોપાલના હાથમાં આવ્યું. ગોપાલને નાનામાં નાના સમાચાર પણ વાંચવાની ટેવ પણ પડી ગઈ હતી. ગોપાલ એક પછી એક સમાચાર વાંચી રહ્યો હતો. તેણે એક નાનકડા સમાચાર વાંચવાની શરૂઆત કરી. અચાનક તેનું શરીર અને મન જાણે સુન્ન પડવાં લાગ્યાં. સમાચાર નાનકડા જ હતા; પણ ગોપાલ માટે એ સમાચાર તેની જિંદગી કરતાં પણ મોટા હતા. સમાચાર વાંચતાં વાંચતાં ગોપાલના હાથમાંથી અખબાર પડી ગયું. તેની આંખ સામે અંધારું છવાઈ ગયું. તે બાજુની દીવાલનો ટેકો લઈ જમીન પર બેસી ગયો.
બેરેકમાં રહેલા એક કેદીનું ધ્યાન તેની તરફ ગયું. તે તરત પાણી લઈ આવ્યો અને ગોપાલને આપ્યું. ગોપાલ તેની સામે અવાક બની જોઈ જ રહ્યો. થોડીવારમાં કેટલાક કેદીઓ ત્યાં ભેગા થઈ ગયા. કોઈને ખબર નહોતી કે, શું થયું છે? એક કેદી વિરાંગને બોલાવવા ગાંધીયાર્ડ તરફ દોડ્યો. કારણ કે ગોપાલ અને વિરાંગની મિત્રતા બેરેકના બધા કેદીઓને ખબર હતી.
(ક્રમશઃ)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796