પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-70): પોલીસને જે પ્રશ્ન હતો તેવો પ્રશ્ન ગોપાલના મનમાં પણ હતો કે નીશીએ આત્મહત્યા શું કામ કરી? ગોપાલનું મન માનવા તૈયાર જ ન્હોતુ કે નીશી હવે આ દુનિયામાં રહી નથી, ગોપાલે અખબારમાં સમાચાર વાંચ્યા તેમાં લખ્યુ હતું નીશી પંચાલ નામની યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતાનું જીવન ટુંકાવ્યું, આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે, રાકેશને પણ ખબર હતી કે અખબારમાં સમાચાર આવ્યા છે કે એટલે ગોપાલને જેલમાં પણ ખબર પડશે એટલે જ રાકેશ મુલાકાતમાં આવ્યો હતો. રાકેશે પોતાની વાત આગળ વધારતા કહ્યું નીશીએ તારાથી અલગ થવાનો નિર્ણય કર્યો તેનુ મને બહુ ખરાબ લાગ્યું હતું.
તેના ફોન આવતા હતા છતાં હું તેનો ફોન રિસીવ કરતો ન્હોતો, તેણે મને મેસેજ કરી મળવું છે તેવી વિનંતી કરી, હું તેને મળવા પણ ગયો હતો. તને સજાનો હુકમ થયો ત્યાર પછી તેના પપ્પા નીશીને સતત ડીવોર્સ આપવા માટે દબાણ કરતા હતા. નીશી ડીવોર્સ આપવાની ન્હોતી પણ પછી અચાનક તેની જીંદગીની ખાલી જગ્યા ભરવા વેદાંત આવી ગયો. નીશી પ્રેમમાં પડી, પણ મનમાં તેને સતત અફસોસ હતો કે તેણે તને દગો આપ્યો. તેનું મન સતત તેને ડંખ્યા કરતું હતું અને તેનું મગજ તેને ભવિષ્યની ચિંતાને કારણે વેદાંત સાથે લગ્ન કરી લેવાનું કહેતુ હતું. નીશી મને મળી ત્યારે તને યાદ કરી ખુબ રડી હતી. તેણે કહ્યું મારા બદલે તું તેની માફી માંગજે, પણ હું તને જ્યારે પણ મળવા આવ્યો ત્યારે મેં તને નીશીની વાત કરી નહીં કારણ હું તને ડીસ્ટર્બ જોવા માગતો ન્હોતો. નીશી સાથે પછી મારી વાત થતી હતી, તે દરેક વખતે તારી જ વાત મને પુછતી હતી.
નીશી તને ક્યારેય ભુલી શકી જ નહીં. વેદાંતે જ્યારે પોતાના ઘરે નીશી સાથે લગ્નની વાત કરી ત્યારે વેદાંતના મમ્મી-પપ્પાએ નીશી અલગ જ્ઞાતિની છે તેમ કહી લગ્નની ના પાડી હતી પછી નીશી ડીવોર્સી છે તેવો મુદ્દો આવ્યો હતો પણ વેદાંતને ભરોસો હતો કે તે પોતાના મમ્મી પપ્પાને સમજાવી લેશે. નીશીને આ વાતનો બહુ ડર લાગતો હતો. તેણે મને પુછ્યું હતું કે વેદાંત મને છોડી તો દેશે નહીંને.
રાકેશ એક ક્ષણ રોકાયો, પછી તેણે ગોપાલ સામે જોતા કહ્યું જ્યારે નીશીએ મને આવો સવાલ પુછ્યો ત્યારે મને અંદરથી ખુબ ગુસ્સો આવ્યો, મને થયું કે તે ગોપાલને છોડી દીધો ત્યારે તને ગોપાલનો વિચાર ન્હોતો આવ્યો? પણ હું તેને તેવું પુછી શક્યો નહીં. રાકેશે શ્વાસ લીધો અને પછી કહ્યું તું મારો મિત્ર અને નીશી પણ મારી મિત્ર, છતાં ક્યારેક મારા મનમાં બદલો લેવાની ભાવના જન્મ લેતી હતી. મારૂ મન નીશીને શ્રાપ આપી રહ્યું હતું કે તે ગોપાલ સાથે જેવું કર્યું તેવું ભગવાન તારી સાથે પણ કરશે. રાકેશે ચહેરા ઉપર અફસોસનો ભાવ લાવી કહ્યું મને ખબર ન્હોતી કે મારો શ્રાપ પણ સાચો પડી શકે છે, પરમદિવસે સવારે મને નીશીનો ફોન આવ્યો હતો, તેણે મને કહ્યું કોર્ટે ડીવોર્સનો ઓર્ડર કરી દીધો છે.
હું કઈ બોલ્યો નહીં, તેણે મને કહ્યું ગોપાલની કોપી હું તને આપી જઈશ, મને ત્યારે બહુ ખરાબ લાગ્યું હતું. હવે તો નીશી માટે વેદાંત સાથે લગ્ન કરવાનો રસ્તો કાયદેસર ખુલી ગયો હતો. વેદાંતનો પરિવાર તૈયાર થાય એટલે નીશી અને વેદાંત પોતાની એક નવી સફર શરૂ કરવાના હતા, પણ રાતે જ સમાચાર મળ્યા કે નીશીએ આત્મહત્યા કરી લીધી છે, નીશી પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો, મને આશ્ચર્ય તે બાબતનું હતું કે ડીવોર્સ મળ્યા પછી આત્મહત્યા કરવાનું શું કારણ હતું? હું અને પપ્પા નીશીના અંતિમ સંસ્કાર કરવા સ્મશાનમાં પણ ગયા હતા, ત્યાં નીશીની સોસાયટીના ઘણા લોકો હતા જ્યારે મેં તેમની વાત સાંભળી ત્યારે મને આઘાત લાગ્યો, સોસાયટીમાં ઘણા બધા લોકોએ વેદાંત અને નીશીને સાથે જોયા હતા. જેના કારણે તેમની વચ્ચે કંઈક છે તેવી ચર્ચા પણ હતી. જે દિવસે નીશી ડીવોર્સનો ઓર્ડર લઈ આવી ત્યારે નીશીને ખબર પડી કે વેદાંત તેના મમ્મી પપ્પાએ પસંદ કરેલી કોઈ છોકરી સાથે સગાઈ કરી રહ્યો છે. નીશીએ તેને ખુબ ફોન કર્યા પણ વેદાંતે તેનો ફોન ઉપાડ્યો જ નહીં કારણ ત્યારે જ વેદાંતના ઘરમાં સગાઈનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. નીશી આ આઘાત સહન કરી શકી નહીં. કદાચ વેદાંતના આ નિર્ણય પછી નીશી પોતાને જ માફ કરી શકી નહીં.
રાકેશે જોયું ગોપાલની આંખમાંથી દડ દડ આંસુ પડી રહ્યા હતા. રાકેશ પણ પોતાનું રડવુ રોકી શકયો નહીં, તેને નીશી ઉપર પહેલા ગુસ્સો હતો, પણ હવે તે નીશી ઉપર ગુસ્સો પણ કરી શકાય તેમ ન્હોતુ કારણ તે દુનિયામાં રહી જ ન્હોતી. રાકેશને લાગ્યું કે તે લાંબો સમય ગોપાલ સામે ઊભો રહી શકે તેમ નથી. તેણે ચાલ મળીએ તેમ કહી મુલાકાત રૂમની બહાર જતો રહ્યો, હજી ગોપાલ આંખમાં આંસુ સાથે મુલાકાત રૂમના સળીયા પકડી તેમજ ઊભો હતો. થોડીવાર પછી એક સિપાહીનું ધ્યાન તેની તરફ ગયું તેણે બુમ પાડી કહ્યું ચાલ ભાઈ તારી મુલાકાત પુરી થઈ હોય તો નીકળ.
ગોપાલ મુલાકાત રૂમની બહાર નીકળ્યો, રૂમની બહાર જ વિરાંગ ઊભો હતો, તેણે ગોપાલનો હાથ પકડ્યો અને નજીકમાં આવેલા લીમડાના ઝાડ પાસે લઈ ગયો. તેણે ગોપાલ સામે જોયું ગોપાલે કહ્યું રાકેશ આવ્યો હતો. વિરાંગે કંઈ જ પુછ્યું નહીં, ગોપાલે પગના અંગુઠાથી જમીન કોતરતા કહ્યું નીશી સાથે પણ મારા જેવું જ થયું. વેદાંતે પોતાના મમ્મી પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે સગાઈ કરી લીધી. નીશી આ આઘાત સહન કરી શકી નહીં, વિરાંગ પાસે હવે પુછવાનું કંઈ જ ન્હોતું. ગોપાલે વિરાંગ સામે જોતા કહ્યું નીશીએ આવુ કરવાની જરૂર ન્હોતી.
હું તો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે નીશી જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે પણ નીશી તો દુનિયા જ છોડી જતી રહી. ગોપાલે વિરાંગના ખભે હાથ મુકતા કહ્યું વેદાંતે તેને દગો આપ્યો પછી પણ નીશી મારી પાસે પાછી આવી હોત તો હું તેને સ્વીકારી લેતો કારણ નીશી ભલે અલગ થઈ હતી, હું તો તેનાથી ક્યારેય અલગ થયો જ ન્હોતો. વિરાંગ અને ગોપાલ પોતાની બેરેક તરફ ચાલવા લાગ્યા, ગોપાલ એકલો એકલો બબડી રહ્યો હતો. નીશીએ આવુ કરવાની જરુર ન્હોતી. બેરેકમાં પહોંચ્યા ત્યારે જમવાનું આવી ગયું હતું. ગોપાલ અને વિરાંગની થાળી કોઈ કેદીએ ઢાંકી રાખી હતી, પણ તે રાતે ગોપાલ તો ઠીક વિરાંગ પણ જમી શકયો નહીં કદાચ તેઓ બંન્ને સુઈ પણ શક્યા નહીં.
(ક્રમશઃ)
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.