Saturday, June 3, 2023
HomeGeneralગોપાલને લાગ્યું કે હવે તેની પાસે જીવવાનું કોઈ કારણ જ બચ્યુ નથી,...

ગોપાલને લાગ્યું કે હવે તેની પાસે જીવવાનું કોઈ કારણ જ બચ્યુ નથી, જીંદગીની ઈમારત એક જ ઝાટકે ધ્વંસ્ત થઈ ગઈ

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-69): વિરાંગ દોડતો આવ્યો તેણે આવી બેરેકમાં જોયું તો ગોપાલ ભીંતને અડેલી હાલતમાં બેઠો હતો તેની આસપાસ થોડાક કેદી બેસી તેને શું થયું તે પુછી રહ્યા હતા, ગોપાલ કોઈને જવાબ આપતો ન્હોતો, બધાની સામે અવાક બની જોઈ રહ્યો હતો. હજી કોઈને જ ખબર ન્હોતી કે શું બન્યું છે, વિરાંગ આવ્યો ગોપાલની પાસે બેસી ગયો તેણે પહેલા પુછ્યું ગોપાલ ગોપાલ શું થયું? ગોપાલ તેની સામે જોઈ રહ્યો કોઈ જ જવાબ આપ્યો નહીં. વિરાંગે ગોપાલને ખભાથી પકડયો અને હચમચાવી નાખતા પુછ્યું ગોપાલ…. શું થયું છે? ગોપાલે ફરી વિરાંગ સામે જોયું પછી તેણે બાજુમાં પડેલા અખબાર તરફ ઈશારો કર્યો, પહેલા તો વિરાંગને કંઈ સમજાયુ નહીં, તેણે અખબાર સામે જોયું અને ગોપાલ સામે જોયું, એક કેદીએ કહ્યું ભાઈ ગોપાલ પેપર વાંચતો હતો પછી એકદમ બેસી ગયો.



એક કેદીએ તરત વિરાંગના હાથમાં અખબાર આપ્યું, વિરાંગ એક પછી એક સમાચાર જોવાની શરૂઆત કરી, કયા સમાચારને કારણે ગોપાલની આ સ્થિતિ થઈ તે સમજવાનો તે પ્રયત્ન કરી રહ્યો હતો, અચાનક એક નાનકડા સમાચાર તરફ ગયું, વિરાંગે આંખ જીણી કરી, સમાચાર વાંચ્યા અને તે પણ ગોપાલની બાજુમાં બેસી ગયો., આસપાસ રહેલા કેદીઓને આશ્ચર્ય થયું, પહેલા ગોપાલ જે રીતે બેઠો હતો તે રીતે જ વિરાંગ પણ તેની બાજુમાં બેસી ગયો, હવે વિરાંગની પણ હિંમત રહી ન્હોતી કે ગોપાલને કંઈ પ્રશ્ન પુછી શકે, વિરાંગ આમ મજબુત માણસ હતો આવી જ કંઈક સ્થિતિમાંથી તે પસાર થયો હતો. છતાં ગોપાલની સ્થિતિમાં જાણે તેની સાથે કંઈ માંઠુ થયું હોય તેમ તે ફસડાઈ પડયો હતો.

ગોપાલને લાગ્યું કે હવે તેની પાસે જીવવાનું કોઈ કારણ જ બચ્યુ નથી, જીંદગીની ઈમારત એક જ ઝાટકે ધ્વંસ્ત થઈ ગઈ. વિરાંગે ત્યાં ઊભા રહેલા કેદીઓને ઈશારો કર્યો બધા ત્યાંથી વિખરાઈ ગયા. એકાદ કલાક સુધી ગોપાલ અને વિરાંગ દિવાલને ટેકો લઈ જમીન ઉપર બેસી રહ્યા હતા. તેમની વચ્ચે કોઈ સંવાદ ન્હોતા, તેઓ સુનમુન બેસી રહ્યા હતા. બેરેકમાં રહેલા બીજા કેદીઓ પોતાની પ્રવૃત્તીમાં વ્યસ્ત હતા પણ તેમનો અવાજ પણ આ બંન્નેના કાન ઉપર પડતો ન્હોતો. કલાક પછી વિરાંગે ગોપાલ સામે જોઈ કહ્યું કદાચ આ સમાચાર ખોટા પણ હોઈ શકે છે. આ છાપાવાળા તો કઈ પણ લખે છે, ગોપાલ તેની સામે જોઈ રહ્યો તેણે કોઈ જ જવાબ આપ્યો નહીં, ગોપાલનું મન કહી રહ્યું હતું કે જો વિરાંગ કહે તે સાચુ હોય તો કેટલુ સારું, પણ સમાચાર ખોટા છે તેવું કોણ કહી શકે? તેવો વિરાંગને વિચાર આવ્યો. તેણે ગોપાલને કહ્યું તારા ઘરેથી કોઈ આવ્યું, ગોપાલે માથુ હલાવી ના પાડી, વિરાંગે વિચાર કરી કહ્યું ચાલ ઊભો થા, વિરાંગ ઊભો થઈ ગયો, ગોપાલ તેની સામે જોઈ રહ્યો તે જમીન ઉપર જ બેઠો હતો, શું કામ ઊભા થવું છે? ક્યાં જવું છે? ગોપાલને કંઈ સમજાયું નહીં, વિરાંગે ફોડ પાડતા કહ્યું ચાલ તારા ઘરે ફોન કરીએ. ગોપાલને તેવી કોઈ ઈચ્છા ન્હોતી.



તે ઊભો થયો નહીં. વિરાંગે તેનો હાથ પકડી તેને પરાણે ઊભો કર્યો. બંન્ને પોતાના યાર્ડમાંથી ઊભા થઈ, ટેલીફોન બુથ તરફ જતા હતા. રસ્તામાં અનાયસે ગોપાલનું ધ્યાન મેલડીમાતાના મંદિર તરફ ગયું પણ રોજ પ્રમાણે તેણે માથુ નમાવ્યું નહીં, તેના મનમાં કોઈ જ ભાવ ન્હોતો. ગોપાલ ફોનની લાઈનમાં ઊભો રહી ગયો. વિરાંગ બુથ પાસે બેઠેલા જમાદાર પાસે ગયો, તેણે જઈ જમાદારને કંઈક કહ્યું જમાદારે માથુ હલાવી હા પાડી. વિરાંગ ગોપાલ પાસે આવ્યો તેણે કહ્યું ચાલ આગળ આવી જા જમાદાર સાથે વાત થઈ છે. ગોપાલ લાઈનમાંથી નીકળી બુથ પાસે આવી ઊભો રહ્યો ફોન ઉપર વાત કરી રહેલા કેદીનો ફોન પુરો થતાં જમાદારે ગોપાલ તરફ ઈશારો કર્યો. ગોપાલે પોતાના પપ્પાને ફોન જોડયો, પપ્પાએ ફોન ઉપાડતા ગોપાલે કહ્યું પપ્પા ગોપાલ. પપ્પા એક ક્ષણ શાંત રહ્યા તેમણે કહ્યું બેટા તે સાંભળ્યું તે સાચું છે, ગોપાલે કંઈ પુછ્યું પણ ન્હોતું અને પપ્પાએ તેનો આનો જવાબ આપ્યો.

- Advertisement -

ગોપાલ કંઈ પુછવા જાય તે પહેલાનું એક ડસકુ સંભળાયું અને પપ્પાએ ફોન કટ કર્યો ગોપાલે બે ત્રણ વખત હેલો હેલો કર્યુ, વિરાંગ તેની સામે જોવા લાગ્યો વિરાંગે પુછ્યું ફોન કટ થઈ ગયો? ગોપાલે રિસીવર મુકતા કહ્યું ના પપ્પાએ ફોન મુકી દીધો. ફરી બંન્ને બેરેક તરફ ચાલવા લાગ્યા, વિરાંગને ઉત્સુકતા હતી કે ગોપાલના પપ્પાએ શું કહ્યું વિરાંગે ગોપાલના ખભે હાથ મુકયો, ગોપાલે ચાલતા ચાલતા વિરાંગ સામે જોયા વગર કહ્યું પપ્પાએ કહ્યું તે સાંભળ્યુ તે સાચુ છે, વિરાંગ વિચારમાં પડી ગયો ગોપાલે શું સાંભળ્યુ તે પપ્પાને કેવી રીતે ખબર પડે, જે વિચાર વિરાંગને આવ્યો તેવો જ ગોપાલને આવ્યો હતો તેણે વિરાંગને પુછ્યું પપ્પા વાત કરી શકયા નહીં રડી પડયા અને ફોન મુકી દીધો, ગોપાલને વિચાર આવ્યો કે મમ્મી અને પપ્પાની શું સ્થિતિ હશે? મમ્મીને કોણ છાનુ રાખતુ હશે? હવે નીશી ભલે સાથે ન્હોતી રહેતી પણ મમ્મી પપ્પા તેને ખુબ પ્રેમ કરતા હતા. એટલો જ પ્રેમ નીશીનો પણ હતો, ગોપાલ બેરેક પાસે પહોંચ્યો ત્યારે પાછળથી કોઈએ બુમ પાડી, ગોપાલ તેણે પાછળ ફરી જોયું એક કેદી હતો તેણે કહ્યું તારી મુલાકાત આવી છે.



ગોપાલે વિરાંગ સામે જોયું મુલાકાત આવી છે કોણ આવ્યુ હશે? તેવો ભાવ ગોપાલના ચહેરા ઉપર હતો. વિરાંગે તેને ઈશારો કર્યો જઈ આવ. ગોપાલ એકલો મુલાકાત રૂમ તરફ ગયો, તે રૂમમાં દાખલ થયો તેણે કોણ આવ્યું છે? જાળીની પાછળ કોણ છે તે જોવાનો પ્રયત્ન કર્યો તેણે જોયું તો રાકેશ આવ્યો હતો. રાકેશનો ચહેરો પણ ગંભીર હતો, રાકેશે જોયું તો ગોપાલના ચહેરા ઉપર પણ ગમગીની હતી. રાકેશને અંદાજ ન્હોતો કે ગોપાલને સમાચાર મળ્યા છે કે નહીં તે જાળી પાસે આવી ઊભો રહ્યો રાકેશ અને ગોપાલ એકબીજા સામે જોઈ રહ્યા હતા. ગોપાલે પુછ્યું ક્યારે થયું? રાકેશે કહ્યું પરમદિવસે રાતે, બંન્ને શાંત થઈ ગયા રાકેશે વાતની શરૂઆત કરતા કહ્યું પરમદિવસે રાતે હું તારા ઘરે જ હતો મમ્મીનો ફોન આવ્યો હતો કે કેમ આવ્યો નહીં, હું અને પપ્પા જમવા બેસતા હતા ત્યારે નીશીના પપ્પાનો ફોન આવ્યો જલદી મારા અમારા ઘરે આવો.

પપ્પાએ પુછ્યું શું થયું છે? તેમણે કહ્યું આવો પછી વાત કરું, પપ્પા પણ ટેન્શનમાં આવી ગયા, નીશીના પપ્પાએ શું કામ બોલાવ્યા? તેની ખબર ન્હોતી પણ પપ્પા ટેન્શનમાં હતા એટલે મેં કહ્યું હું પણ આવું છું. પપ્પા અને હું મોટર સાઈકલ ઉપર સાથે ગયા, નીશીના ઘર પાસે ટોળુ ઊભું હતું, બધા અમારી સાણે બહુ વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. એક પોલીસની ગાડી પણ પડી હતી અને નીશીના ઘરમાં ગયા તેના મમ્મી પપ્પા અમને જોઈ ભાંગી પડયા. નીશીને ફર્સ ઉપર સુવાડવામાં આવી હતી, તેને ગળા સુધી ચાદર ઓઢાડી દેવામાં આવી હતી. પોલીસવાળા કાગળીયા કરી રહ્યા હતા, નીશાના પપ્પાએ અમારી ઓળખાણ આપી એટલે પોલીસવાળાએ પપ્પાને પુછ્યું તમને કંઈ ખબર છે? પપ્પાએ મારી સામે જોયું મેં કહ્યું સાહેબ નીશી છ મહિનાથી અહિયા જ પપ્પાના ઘરે રહેતી હતી આજે સવારે તેનો ડીવોર્સનો ઓર્ડર પણ કોર્ટે કર્યો, નીશીએ જ મને ફોન કરી સમાચાર આપ્યા હતા. પોલીસવાળા જરા કડકાઈથી રાકેશને પુછ્યું તો નીશીએ આત્મહત્યા કેમ કરી…?

(ક્રમશઃ)



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular