Sunday, October 13, 2024
HomeGujaratAhmedabadગોપાલના જીવનમાં તરફ એક તોફાન આવી રહ્યું હતું પણ ગોપાલ તેનાથી સાવ...

ગોપાલના જીવનમાં તરફ એક તોફાન આવી રહ્યું હતું પણ ગોપાલ તેનાથી સાવ અજાણ હતો

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-59): Nadaan Series : (ત્રણ મહિના પછી…) ગોપાલનાં મનમાં સતત નિશીના જ વિચાર આવી રહ્યા હતા. નિશી ત્રણ મહિનામાં ઘણી વખત ગોપાલને મળવા આવી હતી, પણ દરેક વખતે ગોપાલને તેનો વ્યવહાર બદલાયેલો લાગતો હતો. જોકે નિશી કહેતી હતી કે, તું માને છે એવું કંઈ નથી. ગોપાલ પણ ક્યારેક એના મનને મનાવી લેતો કે, નિશી બદલાઈ ગઈ છે એવો મારો ભ્રમ જ છે.

સમયનાં પેટાળમાં કંઈક રંધાઈ રહ્યું હતું. તે દિવસે નિશી મુલાકાતમાં આવી. ગોપાલે જોયું કે આજે પણ એ શાંત છે. શરૂઆતમાં બે ત્રણ મિનિટ કંઈ બોલી જ નહીં. ગોપાલ અનુભવી રહ્યો હતો કે, નિશીને કંઈક વાત કરવી છે, પણ તે બોલી શકતી નથી. ગોપાલે કહ્યું, “નિશી, મારી સામે જો.”

- Advertisement -

નિશીએ ઉપર જોયું. ગોપાલની આંખો કહી રહી હતી કે, બોલ, તારે શું કહેવુ છે? નિશીએ ઊંડો શ્વાસ લીધો અને શ્વાસ છોડતાં કહ્યું, “ગોપાલ, મને કોઈ ગમે છે.”

ગોપાલ તેની સામે જોઈ રહ્યો. ગોપાલે જે બારીના જે સળિયા પકડ્યા હતા, તે સળિયા પરની તેની પકડ મજબૂત થઈ. જાણે ગોપાલ પોતાને સાચવી લેવાનો પ્રયત્ન કરતો હતો!

આટલું કહીને નિશીએ ગોપાલ તરફથી નજર હટાવી લીધી હતી. ફરી ગોપાલ તરફ જોતાં કહ્યું, “એનું નામ વેદાંત છે. મારા પપ્પાની સોસાયટીમાં જ રહે છે.”

- Advertisement -

ગોપાલ અવાક બનીને માત્ર સાંભળતો હતો. નિશીએ વાત આગળ વધારતાં કહ્યું, “આમ તો વેદાંત એક મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિઅર છે.”

આટલું કહેતાં નિશીની આંખ ભરાઈ આવી. ગોપાલે સ્વસ્થતાથી પૂછ્યું, “કેમ રડે છે?”

નિશી કંઈ બોલી શકી નહીં. નિશીની આંખમાં આંસુ આવી ગયા. તેના કારણે ગોપાલ પણ પોતાના આંસુ રોકી શક્યો નહીં. નિશીએ આંખો લૂંછતાં કહ્યું, “ગોપાલ, હું તને પણ પ્રેમ કરું છું. હું તને ક્યારેય ભૂલી શકીશ નહીં, પણ મને પપ્પાની વાત સાચી લાગે છે. મારા માટે દસ વર્ષ એકલાં પસાર કરવાં અઘરાં છે. હું તારા સિવાય કોઈને પ્રેમ કરવા માગતી નહોતી, પણ મારી જિંદગીમાં વેદાંત કેવી રીતે આવી ગયો, એની ખબર ન રહી.”

- Advertisement -

ગોપાલે પૂછ્યું, “તું ક્યારથી ઓળખે છે વેદાંતને?”

નિશીએ કહ્યું, “આમ તો નાનપણથી.”

ગોપાલે પૂછ્યું, “તેને મારા વિશે ખબર છે?”

નિશીએ માથું હલાવીને હા પાડી. ગોપાલે આંખો બંધ કરી અને ચહેરો ઉપરની તરફ કરીને ઊંડો શ્વાસ લીધો. નિશી તેની સામે જોઈ રહી હતી. ગોપાલનું મગજ લગભગ સુન્ન થઈ ગયું હતું. તેને લાગી રહ્યું હતું કે, જાણે તેનું હૃદય તેનાં મગજ સુધી લોહી પહોંચાડી રહ્યું નથી. ગોપાલને નિશીને ગુમાવવાનો જે ડર લાગી રહ્યો હતો, આખરે એ દિવસ આજે તેની સામે મોઢું પહોંળુ કરીને ઊભો હતો. નિશીએ કહ્યું, “ગોપાલ.”

તેણે આંખ ખોલી એટલે નિશીએ પૂછ્યું, “હું શું કરું?”

ગોપાલ મુલાકાતરૂમની છત સામે જોઈને કંઈક વિચાર કરવા લાગ્યો. પછી તેણે કહ્યું, “હું શું કહું? મને ખબર નથી પડી રહી.”

એક ક્ષણ વિચાર કરીને ગોપાલે પૂછ્યું, “તું મારી પાસેથી શું અપેક્ષા રાખે છે?”

નિશીએ કહ્યું, “મને જ ખબર પડતી નથી.”

થોડી મિનિટો બંને વચ્ચે શાંતિ છવાયેલી રહી. પછી નિશીએ કહ્યું, “પપ્પા કહેતા હતા કે, એક વાર ગોપાલ સાથે વાત કરી લે. પછી આપણે ડિવોર્સ પેપર ફાઇલ કરીએ.”

ગોપાલે પૂછ્યું, “તે તારા પપ્પાને વેદાંતની વાત કરી છે?”

નિશીએ માથું હલાવીને હા પાડી. ગોપાલ નિશીની આંખોમાં જ જોઈ રહ્યો હતો. નિશી એક નવી જિંદગી શરૂ કરવા માગતી હતી, પણ સાથે તે ગોપાલને છોડી રહી છે તેની વેદના પણ તેની આંખોમાં દેખાતી હતી. કોઈ માણસ એક સાથે બે વ્યકિતને પ્રેમ કરે અને તેમાંથી એક વ્યકિતને છોડી દેવી પડે, કેવી વિચિત્ર સ્થિતિ હોય!

આમ તો ગોપાલને ગુસ્સો આવવો જોઈતો હતો, પણ આજે ગોપાલ એકદમ શાંત હતો. કદાચ તેના મનમાં મહિનાઓથી જે ચાલી રહ્યું હતું અને જેનો ડર તેને સતાવી રહ્યો હતો, એ જ વાત આજે સામે આવી ઊભી રહી ત્યારે તે આ સ્થિતિ માટે માનસિક રીતે તૈયાર હતો એવું લાગી રહ્યું હતું. ગોપાલે પૂછ્યું, “વેદાંત તને ખુશ રાખશે એવું તને લાગે છે?”

નિશીની નજર નીચે જ હતી. તેણે ઉપર જોઈને કહ્યું, “ઇચ્છા તો ખુશ રહેવાની જ છે. પણ આવતીકાલે શું થશે? તેની આજે કેવી રીતે ખબર પડે? ખુશ તો હું તારી સાથે પણ હતી અને આજે પણ છું. પણ…”

આટલું કહીને બાકીના શબ્દો નિશી ગળી ગઈ. ગોપાલ પોતાની જિંદગીના પાછલા દિવસોનો વિચાર કરવા લાગ્યો. જ્યારે તેણે પહેલી વખત નિશીને પ્રપોઝ કર્યું હતું. ભાગીને લગ્ન કર્યાં હતાં. આમ, એક પછી એક ઘટનાઓ જાણે કોઈ ફિલ્મ જોતો હોય એ રીતે તેની નજર સામેથી પસાર થઈ રહી હતી. નિશીએ પૂછ્યું, “તું એવો વિચાર તો નથી કરતોને કે, મેં તારી સાથે દગો કર્યો છે?”

ગોપાલે માથું હલાવી ના પાડી અને કહ્યું, “મેં જે નિશીને પ્રેમ કર્યો છે અને જે નિશીને ઓળખું છું, તે મને દગો આપી જ ન શકે.”

ગોપાલની આંખો ભરાઈ આવી. તેણે તરત આંખો સાફ કરતાં કહ્યું, “દગો આપણને સમયે આપ્યો છે. તું જ્યાં રહે ત્યાં ખુશ રહે એવી જ મારી ઇચ્છા હોય.”

નિશીની આંખમાં પણ પાણી આવી ગયું. સિપાહીએ ઘડિયાળ સામે જોયું. ગોપાલ અને સિપાહીની નજર એક થઈ. ગોપાલે હાથનો ઇશારો કરીને વિનંતી કરતાં કહ્યું, “થોડી મિનિટ. પ્લીઝ.”

સિપાહી સમજી ગયો. મુલાકાતરૂમમાં ડ્યૂટી કરતા સિપાહીને રોજ આ પ્રકારની જુદી જુદી સ્ટોરી ઇચ્છા નહીં હોવા છતાં સાંભળવા મળતી. તે સમજી ગયો કે, મામલો ગંભીર છે. તેણે આંખના ઇશારે જ વાત ચાલું રાખવાની મંજૂરી આપી. ગોપાલે કહ્યું, “હું રજા મૂકીશ. રજા મળે એટલે આવી જઈશ. પપ્પાને કહેજે, ડિવોર્સ પેપર તૈયાર કરાવી રાખે. હું સહી કરી આપીશ.”

આટલું બોલતાં ગોપાલને લાગ્યું કે, તેની છાતી પર એકસો કિલોનો પથ્થર મૂક્યો છે. નિશી કંઈ બોલી નહીં. ગોપાલે સ્મિત આપતાં પૂછ્યું, “મને વેદાંત સાથે મળાવીશ?”

નિશીએ ઉપર જોયા વગર જ માથું હલાવીને હા પાડી. ગોપાલે શ્વાસ છોડ્યો અને કહ્યું, “નિશી, જા ઘરે. પોતાને સાચવજે.”

નિશીને પોતાનાં જ શરીરનો ભાર લાગી રહ્યો હતો. આજે તેને લાગી રહ્યું હતું કે, તેણે ગોપાલને ખૂબ પીડા આપી છે. એ રડવા માગતી હતી, હાથ જોડીને ગોપાલની માફી માગવા ઇચ્છતી હતી. પણ એવું તે કરી શકી નહીં. નિશી તેને કહેવા માગતી હતી કે, ગોપાલ, હવે તું તારું ધ્યાન રાખજે. હવેથી તારું ધ્યાન રાખવા માટે હું નથી. પણ આવું કહેવાની તેની હિંમત જ ન થઈ.

આજની મુલાકાતમાં ગોપાલ અને નિશી વચ્ચે વચ્ચે શાંત થઈ જતાં હતાં, પણ તેમનું મન તો સતત એકબીજાં સાથે વાત કરી રહ્યું હતું. ગોપાલે કહ્યું, “મારો સમય પૂરો થઈ ગયો છે. હું જાઉં છું.”

નિશીને લાગ્યું, ગોપાલ તેને કંઈક બીજું જ કહી રહ્યો છે. તેના શબ્દોના અનેક અર્થ થતા હતા. નિશી કોઈ જવાબ આપી શકી નહીં. ગોપાલ ઊંધો ફર્યો અને મુલાકાતરૂમની બહાર નીકળી ગયો. નિશીને હતું કે, કાયમની જેમ ગોપાલ પાછળ વળીને એક વાર તો તેને જોશે. પણ આજે ગોપાલે પાછા ફરીને જોયું જ નહીં. નિશી ઝડપથી મુલાકાતરૂમની બહાર નીકળી. પાર્કિંગમાં આવેલાં લીમડાનાં ઝાડ પાછળ ગઈ અને પોક મૂકીને રડવા લાગી.

(ક્રમશઃ)

PART 58 : નીતિનકાકાએ કહ્યું બેટા મને પણ તાકાત અને સંબંધો પર ગુમાન હતો, પણ જેલમાં આવ્યા પછી તેમની દીશા બદલતા જોઈ છે

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular