Friday, September 22, 2023
HomeGujaratAhmedabadનીતિનકાકાએ કહ્યું બેટા મને પણ તાકાત અને સંબંધો પર ગુમાન હતો, પણ...

નીતિનકાકાએ કહ્યું બેટા મને પણ તાકાત અને સંબંધો પર ગુમાન હતો, પણ જેલમાં આવ્યા પછી તેમની દીશા બદલતા જોઈ છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-58): Nadaan Series : ગોપાલનો ચહેરો અને લાલ થઈ ગયેલી આંખો જોઈને ઑફિસમાં રહેલા કેદીઓને અંદાજ આવી ગયો કે, કંઈક ગરબડ છે. પણ શું થયું છે તેની કોઈને ખબર નહોતી. કાકાએ થોડો વિચાર કર્યો અને ગોપાલને કહ્યું, “બેસ.”

એક કેદીને ઇશારો કરી ગોપાલને પાણી આપવા કહ્યું. કેદીએ પાણીનો ગ્લાસ ગોપાલની સામે મૂક્યો. કાકાએ બાકીના કેદીઓ સામે જોયું અને આદેશના સ્વરમાં કહ્યું, “થોડીવાર બધા બહાર જાવ. મારે ગોપાલ સાથે વાત કરવી છે.”

- Advertisement -

બધા કેદીઓના ચહેરા પર આશ્ચર્ય હતું. આજે એવું તો શું થયું હશે? કાકાએ ગોપાલને બાદ કરતાં બધાને બહાર જવાનું કહ્યું! નીતિનકાકા ગોપાલ સાથે વાત કરવા માગતા હતા. હજી કાકાને વિષયની ખબર નહોતી. જે રીતે ગોપાલ કાકા સામે રડી પડ્યો; એ જોઈને કાકાને લાગ્યું કે, તેમણે ગોપાલ સાથે એકલામાં વાત કરવી જોઈએ. બધા કેદીઓ બહાર નીકળ્યા પછી કાકાએ રોજની ટેવ પ્રમાણે બાજુમાં પડેલા સ્ટૂલ પર પગ લાંબા કર્યા અને ગોપાલને કહ્યું, “બોલ બેટા, શું થયું?”

ગોપાલને જેલમાં કોઈ બેટા કહે ત્યારે સારું લાગતું હતું. ગોપાલે રડવાનું ચાલું જ રાખ્યું હતું. થોડીવાર પછી તે શાંત થયો અને નીતિનકાકા સામે જોઈને કહ્યું, “કાકા, નિશી આવી હતી.”

પછી તરત યાદ આવ્યું કે, કાકાને કેવી રીતે ખબર હોય કે, નિશી કોણ છે? એટલે સ્પષ્ટતા કરતાં કહ્યું, “નિશી મારી પત્ની. અમારાં પ્રેમલગ્ન થયાં હતાં. હું જેલમાં આવ્યો ત્યારપછી નિશીએ મને મારા પરિવારને સંભાળી લીધો હતો.”

કાકા બહુ ધ્યાનથી તેની વાત સાંભળી રહ્યા હતા. ગોપાલે પોતાના જીવનની વાત અને આજે મુલાકાતમાં નિશી સાથે થયેલી બધી જ વાત કરી. સાથે સાથે તેનાં મનમાં થઈ રહેલી ગડમથલની પણ બધી વાત કાકાને કહી દીધી. કાકાએ તેને પૂછ્યું, “પણ તું રડ્યો શું કામ?”

ગોપાલ પણ વિચારમાં પડી ગયો કે, તેને રડવું કેમ આવે છે? ગોપાલે કહ્યું, “કાકા, નિશીને ગુમાવવાનો ડર લાગે છે. એના પપ્પા એને ડિવોર્સ લેવાનું કહી રહ્યા છે.”

પોતે જાણે કોઈ ઇન્વેસ્ટિગેટર હોય એ રીતે કાકાએ પૂછ્યું, “પણ તને નિશીનો મૂડ કેવો લાગ્યો?”

ગોપાલ વિચાર કરવા લાગ્યો. થોડીવાર વિચારીને તેણે કહ્યું, “કાકા, આજે પહેલી વખત નિશી મારી આંખોમાં જોયા વગર વાત કરી રહી હતી.”

કાકા જાણે વાતને સમજી રહ્યા હોય તેમ તેમણે કહ્યું, “હમ્મ.”

ગોપાલ તેમની સામે જોઈ રહ્યો હતો. કાકાએ ગલોફામાં દબાવેલી તંબાકુ કાઢી અને ટેબલ નીચે રહેલાં ડસ્ટબિનમાં તંબાકુ નાખતાં કહ્યું, “બેટા, હું જેલમાં આવ્યો તે પહેલાં મારી તાકાત અને મારા સંબંધો પર મને બહુ ગુમાન હતું. જિંદગીનું સ્ટિઅરિંગ મારા હાથમાં હતું. સોરી મારા હાથમાં હતું એવો મને ભ્રમ હતો. હું જેલમાં આવ્યો પછી મને લાગ્યું કે, મારી ઇચ્છા અને મારા આદેશને કોઈ ઉથાપી શકે નહીં. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો; તેમ તેમ મને સમજાયું કે, આપણે બધા સમયની કઠપુતળી છીએ. આપણા હાથમાં કંઈ જ નથી.”

એક હાથ ઊંચો કરીને ઉપર તરફ આંગળીથી ઇશારો કરતાં કહ્યું, “પેલો આપણને નચાવે તેમ આપણે નાચીએ છીએ.”

ગોપાલને મનમાં પ્રશ્ન થયો કે, નીતિનકાકા આ બધું મને શું કામ સમજાવી રહ્યા? કાકાએ પૂછ્યું, “તું હમણાં રહીમને મળ્યો હતો?”

ગોપાલે કહ્યું, “હા.”

નીતિનકાકાએ કહ્યું, “મારી પર આરોપ છે કે, કોમી તોફાનોમાં મેં મુસ્લિમોને માર્યા છે. સાચું કહું તો મારું મગજ સડી ગયું હતું. હું માનતો હતો કે, આ દેશમાં મુસ્લિમ જોઈએ જ નહીં. મારી આ માનસિકતાને કારણે અનેક અનર્થ થયા છે. પણ અહીં આવીને હું રહીમને મળ્યો ત્યારપછી મને લાગે છે કે, હું નીતિન છું, તું ગોપાલ છે અને પેલો રહીમ છે એનાથી આપણને શું ફેર પડે છે? કંઈ જ નહીં.”

એકાદ ક્ષણ રોકાઈને તેમણે કહ્યું, “જેલમાં આવ્યા પછી મારા વિચારો બદલાઈ ગયા છે. મને અંદર આવ્યા પછી માણસની ઓળખ થવા લાગી છે. આપણે જેલમાં છીએ, પણ આપણને જેમની પર ભરોસો હોય તેવા માણસોને મેં બદલાતા જોયા છે. કારણ, આપણે તેમના માટે કોઈ કામના રહ્યા નથી. પણ હવે મને લાગે છે કે, બહાર રહેલા આપણા લોકો જે બદલાઈ ગયા છે, તેમાં તેમનો પણ વાંક નથી. કારણ, તેમની પાસે પોતાની પણ જિંદગી છે. ક્યાં સુધી તે લાગણીમાં આપણો ભાર વેંઢારીને ફર્યા કરશે?

તને આજે નિશી મળવા આવી ત્યારે તે તને બદલાયેલી લાગી. નિશીના પપ્પાની ઇચ્છા છે કે, નિશીએ ડિવોર્સ આપી દેવા જોઈએ. તને નિશીને ગુમાવવાનો ડર લાગે છે, પણ તું નિશીની જગ્યાએ તારી જાતને મૂકીને જો. માની લે કે નિશીને કોઈ કારણસર દસ વર્ષની સજા થઈ હોત; તો તું કેટલો સમય તેની રાહ જોતો? એક વાત હંમેશા યાદ રાખજે કે, સમય કોઈની રાહ જોતો નથી.

જેલમાં અનેક કેદી એવા છે, જેમનો પરિવાર વર્ષો સુધી તેમની રાહ જોતો રહ્યો; પણ આપણે બધા પાસે તેવી અપેક્ષા રાખી શકીએ નહીં. મેં જેલમાં આવી ગયેલા અનેક કેદીઓના સંસારને તૂટતા પણ જોયો છે. કોર્ટ સજા તો તારા અને મારા જેવા ગુનો કરનાર માણસને કરે છે; પણ ખરેખર સજા એક વ્યકિતને નથી થતી. જેલમાં જે આવે છે, એનો આખો પરિવાર કોઈને કોઈ રીતે સજા ભોગવતો હોય છે.”

ગોપાલે કાકાને અધવચ્ચે જ અટકાવતાં પૂછ્યું, “પણ કાકા, નિશી મને છોડીને તો નહીં જાયને?”

કાકા શાંત થઈ ગયા. થોડોક વિચાર કરીને કહ્યું, “આપણી જિંદગીમાં જે ખરાબ થાય છે, તેનો ડર ખરાબ થવા કરતાં વધારે વિકરાળ હોય છે. એટલે જે ખરાબ થવાનું છે તેનો વિચાર કરીશ નહીં. માની લે કે, નિશીએ તને છોડી જ દીધો. તો શું થાય?”

કાકાનો પ્રશ્ન સાંભળીને ગોપાલ સ્તબ્ધ થઈ ગયો. કાકાએ જાણે તેને ઇલેકટ્રિક શોક આપ્યો હોય તેવું લાગ્યું. કાકાએ કહ્યું, “તેના કરતાં તો તું એવો વિચાર કર કે, તું કેવી રીતે નિશીને ખુશ રાખી શકે છે?”

ગોપાલ કાકા સામે જોઈ જ રહ્યો. કાકાને સમજાયું કે, ગોપાલ તેની વાત સમજી રહ્યો નથી. એટલે કાકાએ કહ્યું, “સંબંધને ક્યારેય બાંધી રાખવાનો પ્રયત્ન કરવો નહીં. જ્યારે સંબંધને બાંધવાનો પ્રયત્ન કરો છો, ત્યારે એ સંબંધ બંધન બની જાય છે. જો નિશી તારી હશે, તો કોઈ છીનવી શકશે નહીં. અને જો તારી નથી, તો તારી પાસે રહેશે નહીં. નિશી તારી પાસે રહી તેને કુદરતે સર્જેલું ઋણાનુબંધ માની લે જે. કારણ કે સંબંધ તેનો સમય થાય એટલે આગળ વધી જાય છે.”

ગોપાલ કાકાની સામે જોઈ જ રહ્યો. તે વિચારતો હતો કે, નીતિનકાકા જેવો બહારથી બરછટ લાગતો માણસ સંબંધોની વાત કેવી રીતે સમજ્યો હશે! કદાચ જેલમાં આવીને તેને પોતાને ઓળખવાનો સમય મળ્યો હશે. ગોપાલનાં મનમાં જે ભાર હતો, તે પૈકી ઘણો ભાર ઓછો થઈ ગયો હતો. પણ હજી ઘણીબધી અસ્પષ્ટતાઓ હતી, જેનો જવાબ મળ્યો નહોતો. ગોપાલ કાકા સામે જોઈ જ રહ્યો હતો. કાકાએ કહ્યું, “બેટા, સમયને સમયનું કામ કરવા દે. ચાલ આપણે પણ કામ પર લાગીએ. પણ ચિંતા કરતો નહીં. કોઈપણ કામ હોય તો મને કહેજે.”

(ક્રમશ:)

PART 57 : નીશીએ કહ્યું પપ્પાની ઈચ્છા છે હમણાં હું પપ્પાની ઘરે જ રહું, ગોપાલ ચુપ રહ્યો તેણે પછી પુછ્યું તારી ઈચ્છા શું છે

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular