પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-52): Nadaan Series : ગોપાલ જેલમાં દાખલ થયો. તેણે જેલના ગેટ ઉપર રજિસ્ટરમાં એન્ટ્રી કરાવી. એક ક્ષણ માટે તો તેને થયું કે, અહીંયાથી પાછો ભાગી જાય; પણ તેણે પાછળ જોયું તો જેલનો મુખ્ય દરવાજો બંધ થઈ ગયો હતો. તે પોતાની ઑફિસ બેરેકમાં ગયો. એનું મન બેચેન હતું. તેને કશું ગમતું નહોતું.
તેણે બેરેકમાં આવીને પોતાનાં ઘરનાં કપડાં બદલીને જેલનાં સફેદ કપડાં પહેરી લીધાં. ઑફિસ બેરેકના મોટા ભાગના કેદીઓ પોતાની ઑફિસમાં કામ પર ગયા હતા. બેરેકમાં માત્ર એકાદ બે કેદીઓ જ હતા. આમ તો જેલમાં હાજર થયા પછી તેને લીગલ ઑફિસમાં નોકરીએ જવાનું હતું, પણ તેને ત્યાં જવાનું પણ મન થતું નહોતું. તે વિચાર કરતો કરતો પોતાના બિસ્તર પર બેઠો.
તેની બેરેકમાં રહેલો એક કેદી તેની તરફ જ જોઈ રહ્યો હતો. તે ઊભો થઈને ગોપાલ પાસે આવ્યો. ગોપાલે તેની સામે જોયું. પહેલાં તો કોઈ કંઈ બોલ્યુ નહીં. પેલા કેદીએ સ્મિત આપ્યું એટલે ગોપાલે પણ સામે સ્મિત આપ્યું. તેણે ગોપાલ સામે જોતાં પૂછ્યું, “રજા પર જઈ આવ્યો?”
ગોપાલે માથું હલાવી હા પાડી. તેણે ઊંડો શ્વાસ લીધો અને શ્વાસ છોડતાં કહ્યું, “તારા જેવી જ બધાની સ્થિતિ હોય છે. રજા પર ઘરે જઈને આવ્યા પછી બે ત્રણ દિવસ તો અહીંયા ગમતું જ નથી. ઘરની, મિત્રોની અને ઘણીબધી વાતો યાદ આવ્યા કરે છે. મન પણ કમાલ છે! આપણે જેલના દરવાજામાં દાખલ થઈએ એટલે યાદોએ ત્યાં રોકાઈ જવું જોઈએને? પરંતુ યાદો પણ આપણી સાથે અંદર આવી જાય છે.”
ગોપાલને આ સાંભળીને લાગતું હતું કે, કોઈ સંત તેને પ્રવચન આપી રહ્યા હોય! ગોપાલના ચહેરા ઉપર સ્મિત આવ્યું તેણે હસતાં હસતાં પૂછ્યું, “તુ કોઈ સંત કે મહાત્મા છે?”
તે પણ હસ્યો. તેણે કહ્યું, “અહીંયા આવ્યા પછી બધા જ સંત થઈ જાય છે. જો સંત ન થાય તો પાગલ તો જરૂર થઈ જાય છે. બોલ, તારે સંત થવું છે કે પાગલ?”
ગોપાલે વિચાર કરીને કહ્યું, “સંત.”
ગોપાલનો જવાબ સાંભળીને પેલા કેદીએ તરત કહ્યું, “તો ઊભો થા. તારી નોકરી પર જતો રહે. અહીંયા બેસીશ તો પાગલ થઈ જઈશ.”
ગોપાલને લાગ્યું કે, આની વાતમાં દમ તો છે. તે ઊભો થયો અને લીગલ ઑફિસમાં જવા નીકળ્યો. એ જેલમાં દાખલ થયો ત્યારે એના પગમાં તાકાત નહોતી; પણ હવે જાણે વીજળીનો વાયર જોડી દેવામાં આવ્યો હોય એમ તેનામાં જુસ્સો આવી ગયો હતો. તેને લાગ્યું કે, પંદર દિવસમાં તો જેલમાં ઘણુંબધું બદલાઈ ગયું છે. આમ તો જેલ એકસો વર્ષ જૂની હતી. તેમાં કોઈ ફેર થયો નહોતો છતાં ગોપાલને આજે તેવું લાગી રહ્યું હતું.
તે તિલકયાર્ડમાં દાખલ થયો અને પોતાની ઑફિસમાં પહોંચ્યો. ઑફિસમાં દાખલ થતાં જ સામેના ટેબલ ઉપર નીતિનકાકાને બેઠેલા જોયા. કાકાને જોઈ ગોપાલે પ્રવેશ કરતાં કહ્યું, “જય શ્રી કુષ્ણ કાકા.”
કાકાએ જવાબ આપવાને બદલે ઘડિયાળ સામે જોયું. બપોરના બે વાગવા આવ્યા હતા. ગોપાલ સમજી ગયો. તેણે કાકાને કહ્યું, “કાકા, હજી હમણાં જ આવ્યો. એન્ટ્રી કરાવીને સીધો ઑફિસ આવ્યો છું.”
કાકાએ ખાલી ખુરશી તરફ ઇશારો કર્યો એટલે ગોપાલ બેસી ગયો. કાકાએ કંઈક વિચાર કર્યો પછી પૂછ્યું, “રજા કેવી રહી?”
ગોપાલે માથું હલાવીને કહ્યું, “સરસ.”
કાકાએ બીજો સવાલ પૂછ્યો, “અપીલ કરી?”
ગોપાલે ફરી માથું હલાવીને હા કહી. કાકાએ ત્રીજો સવાલ કર્યો, “કેટલી ફી કહી વકિલે?”
ગોપાલે સંકોચ સાથે કહ્યું, “કાકા, ફી તો એક લાખ નક્કી કરી છે, પણ હમણાં જે વ્યવસ્થા થઈ એટલા આપ્યા છે. બાકીના પછી આપીશ એવું કહીને આવ્યો છું.”
કાકાએ કહ્યું, “ચિંતા કરતો નહીં. જરૂર હોય તો મને કહેજે. બહાર મારા દિકરાઓને મોટો કારોબાર છે. એમને કહી દઈશ તો એ વકીલને પહોંચાડી દેશે.”
ગોપાલે હાથ જોડીને કાકાનો આભાર માન્યો. કાકાએ કહ્યું, “હું આરામ કરવા જ નીકળતો હતો. ચાલ, તું આવ્યો છે તો ચા પીને જાઉં. ત્યાં કામ કરી રહેલો કેદી સમજી ગયો કે, કાકા આદેશ આપે તે પહેલાં તેણે ઑફિસમાં રહેલું થર્મોસ લીધું અને ચા લેવા કેન્ટીન તરફ રવાના થયો. તે દિવસે ગોપાલ ઑફિસમાં કામ કરતો હતો, પણ તેનાં મનને ના પાડવા છતાં તે થોડી થોડીવારે ઘરે જતું રહેતું અને ત્યાંની યાદ લઈ પાછું ફરતું હતું.
સાંજના સાત વાગ્યા એટલે ગોપાલ પોતાની બેરેક પર પાછો ફર્યો. જેમની ઑફિસ મોડા સુધી ચાલું રહેતી હતી, તેવા કેદીને બાદ કરતાં મોટા ભાગના કેદી બેરેકમાં આવી ગયા હતા. વિરાંગ પણ આવી ગયો હતો. તેની નોકરી વેલફેર ઑફિસમાં હતી. વેલફેર ઑફિસર તો ઘડિયાળના ટકોરે કામ કરતા હતા. તેમને તો ક્યારે સાડા પાંચ થાય અને ઘરે ભાગું; તેવી ઉતાવળ રહેતી હતી એટલે સાડા પાંચે વિરાંગ ફ્રી થઈ જતો હતો.
તે બેરેકમાં પાછો આવે એટલે પહેલું કામ જમી લેવાનું કરતો હતો. તે સવારે દસ વાગ્યે અને સાંજે છ વાગ્યે અચૂક જમી લેતો. તેને કોઈની સાથે કોઈ વાંધો નહોતો, પણ તેણે પોતાની જિંદગીને બીજા કેદીઓ કરતાં અલગ જ રાખી હતી. તેણે જેલમાં આવ્યા પછી વિવિધ પ્રકારની દસ કરતાં વધુ ડીગ્રીઓ લીધી હતી. ઘણા કેદીઓ એને પ્રોફેસર પણ કહેતા હતા. બેરેકમાં પણ એ એકલો બેઠો હોય ત્યારે કોઈને કોઈ પુસ્તક વાંચ્યા કરતો. જેલમાં જો કોઈ નવો અભ્યાસક્રમ શરૂ થાય, તો સૌથી પહેલો વિરાંગ પોતાનું નામ લખાવી આવતો.
ગોપાલ સાંજે બેરેકમાં આવ્યો ત્યારે તેની પહેલી મુલાકાત વિરાંગ સાથે થઈ. ગોપાલે નોંધ્યુ હતું કે, જ્યારે એ બોલતો હોય ત્યારે વિરાંગ તેને ધ્યાનથી સાંભળતો; પણ તે અંગે ક્યારેય તેની સાથે વાત થઈ નહોતી. ગોપાલે બેરેકમાં જોયું તો વિરાંગ ટીવી પર આવી રહેલી મેચ જોઈ રહ્યો હતો. તેણે ગોપાલને જોતાં માત્ર હાથ ઉંચો કર્યો. ગોપાલ તરત ન્હાવા જતો રહ્યો. તૈયાર થઈને એ જમવા બેઠો અને જમ્યા પછી તે બેરેકમાં ચક્કર મારી રહ્યો હતો.
ગોપાલે જોયું કે, બેરેકના દરવાજે લોક મારેલું હતું. જેમ જેમ ઑફિસમાં કામ કરતા કેદીઓ પાછા ફરતા, તેમ તેમ એક સિપાહી બેરેક ખોલીને તેમને અંદર મોકલતો હતો. ગોપાલ ચક્કર મારી રહ્યો હતો ત્યારે વિરાંગે તેને બેસવાનો ઇશારો કર્યો. ગોપાલ વિરાંગના બિસ્તર ઉપર બેઠો. પહેલાં તો વિરાંગે રજાઓ વિશે પૂછ્યું અને પછી કહ્યું, “ઘણા દિવસથી તારી સાથે વાત કરવી હતી. આમ તો તને પહેલી વખત મળ્યો ત્યારે જ તને પૂછવુ હતું; પણ મને લાગ્યું કે, ઉતાવળ થશે.”
ગોપાલ આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યો. વિરાંગ હસ્યો અને કહ્યું, “અરે, કોઈ સીરિઅસ વાત નથી. તારી સારી બાબત જ છે.”
વિરાંગે એક ક્ષણ રોકાઈને કહ્યું, “તારો અવાજ ખૂબ સારો છે. તારા અવાજમાં ક્લેરિટી છે.”
ગોપાલ તેની સામે જોતો રહ્યો. વિરાંગે પોતાના હાથની મુઠ્ઠી બંધ કરતાં કહ્યું, “તારા અવાજમાં દમ છે.”
ગોપાલે પૂછ્યું, “તો શું?”
વિરાંગે કહ્યું, “આપણી જેલમાં ઓડિયોબુક બનાવવાનું કામ ચાલે છે. હું તેમાં કામ કરું છું. બપોરે રિસેસના સમયમાં કામ કરીએ તો પણ ચાલે. પૈસા પણ સારા મળે છે. મને લાગે છે કે, તારો અવાજ ઓડિયોબુક માટે પરફેક્ટ છે. જો તારી ઇચ્છા હોય, તો તું પણ અમારી સાથે કામ કરી શકે છે.”
ગોપાલ કંઈક વિચાર કરવા લાગ્યો. વિરાંગે કહ્યું, “વિચાર કરવા જેવું કંઈ નથી. આવતીકાલે મારી સાથે ગાંધીયાર્ડમાં આવજે. તારો ઓડિયો ટેસ્ટ લઈ લઈશું.”
(ક્રમશ:)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








