Sunday, June 28, 2026
HomeGeneralરાજકોટ ક્રાઈમ બ્રાન્ચને LEDGERBOOK-2023 સાથે હાથ લાગેલા 3 આરોપી બુકી હતા કે...

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને LEDGERBOOK-2023 સાથે હાથ લાગેલા 3 આરોપી બુકી હતા કે પંટર ? તપાસની તપાસ કરવી પડે તેવી સ્થિતી

- Advertisement -

તુષાર બસિયા/દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજ્યભરમાં કાયદાની અસમંજસનો લાભ લઈ ઓનલાઈન જુગાર રમાડતા બુકીઓ કરોડો કમાઈ રહ્યાં છે. વળી પોલીસની કાયદાકીય મર્યાદા અને ટેકનિકલ નબળાઈ પણ આ બુકીઓ સારી રીતે જાણતા હોય તેમને ઉની આંચ આવતી નથી. વિશાળ નેટવર્ક ધરાવતા હોવા છતા ઓનલાઈન સટ્ટાના કેસ જુજ દાખલ થતા હોય છે. વળી દાખલ થતા કેસમાં મુળ સુધી પોલીસ પહોંચે છે કે કેમ તે પણ સવાલ છે. આ સવાલો વચ્ચે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પોલીસે ગતરોજ ગુરૂવારે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો કેસ દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ કેસ મામલે ક્રાઈમ બ્રાન્ચે પ્રેસનોટ જાહેર કરી તેમાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા આઈડીનું નામ લખવાનું ટાળ્યું હોય તેમ પ્રારંભીક દ્રષ્ટિએ લાગે છે, પણ તેવું નક્કરતાથી કહેવું મુશ્કેલ છે.



ગતરોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે પોપટપરામાં શેરી નંબર 16માં નકળંક પ્રોવિઝન સ્ટોર પાસેના મકાનમાં દરોડો કરી આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર રમાતો સટ્ટો ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે 3 આરોપી પાસેથી રૂપિયા 2,000 રોકડા અને કુલ 6 મોબાઈલ તેમજ ટીવી અને લેપટોપ મળી કુલ 1,33,500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કરેલી પ્રેસનોટ મુજબ આરોપીઓ આઈડી વતી ટીવી તથા ટીવી પર લાઈવ મેચ જોઈ ક્રિકેટનો સટ્ટો રમતા હતા. પરંતુ સવાલ એ છે કે ક્રાઈમ બ્રાન્ચે આરોપી કઈ આઈડી મારફતે ઓનલાઈન જુગાર રમતા હતા તેની પ્રેસનોટમાં સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હોવાનું ચર્ચામાં છે.

- Advertisement -

તપાસની પણ તપાસ કરવી જોઈશે ?

જુગારમાં વપરાયેલા ઓનલાઈન આઈડીની સ્પષ્ટતા કરતા પણ મહત્વની બાબત છે કે ઓનલાઈન એફ.આઈ.આર. પણ ડાઉનલોડ કર્યા બાદ ઓપન થતી નથી. બની શકે કે આ ટેકનીકલ ક્ષતી હોય પરંતુ ઈન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમના અનુભવ બાદ ઈન્વેસ્ટીગેશન કરવા જેવી પણ લાગે તેવી ઘટના જણાઈ રહી છે. જેના કારણે તપાસ કરતા કેટલાક સવાલો સામે આવતા શંકાઓ ઉપજે તેમ છે. માટે ડીસીપી ક્રાઈમે તેમની ટીમે કરેલી તપાસની પણ તપાસ શરૂ કરવી જોઈએ તેમ જણાય છે. સુત્રોના જણાવ્યા મુજબ આ કેસના આરોપીઓ Ledgerbook2023 આઈડીનો ઉપયોગ કરતા હતા, અને તે પોલીસને હાથ પણ લાગ્યું છે. પરંતુ ખરેખર આ આઈડી એક ઓનલાઈન સોફ્ટવેરની માફક કામ કરે છે, જેને બુકીઓ માસ્ટર આઈડી પણ કહે છે.



ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અન્ય એક દરોડાની કાર્યવાહીમાં આ પ્રકારના માસ્ટર આઈડી ઝડપી 51 આરોપીના નામ ખોલવામાં પોલીસ સફળતા હાંસલ કરી ચૂકી છે. મતલબ કે પોલીસ ધારે તો બુકી સાથે પંટર પણ ઝડપી શકાય છે પણ આ મામલે પોલીસે પંટર અને આ સોફ્ટવેરના બનાવનાર, આપનાર, વેચનાર કે ભાડે આપનારના નામ ખોલાવ્યા છે કે કેમ તે પણ સવાલ છે. પરંતુ અફસોસ કે પોલીસની તપાસ ગોપનીય હોય આ કિસ્સામાં પોલીસે શું કર્યું તેનો જવાબ પોલીસ જ આપી શકે તેમ છે. સંભવતઃ રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થીતી હોય ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ બંદોબસ્તમાં વ્યસ્ત હોય આરોપીઓ છુટી ગયા હશે. માટે પોલીસ ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા નિકળે છે કે કેમ તે જોવું રહ્યું. લેખ લખતા પહેલા પત્રકાર દ્વારા ફરિયાદની નકલ મેળવવા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે.વી. ધોળા, પી.એસ.આઈ. વાય.બી. જાડેજા, અને ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાં ડીસીપી ક્રાઈમ રજા પર અને પી.આઈ. ધોળા બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનો પ્રત્યુત્તર મળ્યો છે, જ્યારે વાય.બી. જાડેજાનો ફોન રીસીવ નહીં થતા વાત થઈ શકી નથી.

- Advertisement -



આ કેસ મામલે પોલીસે જાહેર કરેલી પ્રેસનોટ મુજબ આરોપી શાહનવાઝ અબુબકર ચાનીયા, સાજીદ હનિફભાઈ ચાનીયા, મકબુલ નિઝામભાઈ ચાનીયાને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી માત્ર 2000 રોકડા અને વિવિધ કંપનીના 6 નંગ મોબાઈલ, એક એલ.ઈ.ડી. ટી.વી., અને ડેલ કંપનીનું લેપટોપ કબ્જે કર્યુ છે. આમ પોલીસ કુલ 1,33,500 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી પર જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કર્યો છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular