પ્રશાંત દયાળ (શતરંજ-11, નવજીવન ન્યૂઝ): સવારથી જહાંગીર ક્રાઇમ-બ્રાન્ચના દરવાજા પાસે હતો, તેણે આવતા પહેલાં ઇન્સ્પેક્ટર વિનય તોમર સાથે વાત કરી લીધી હતી. તેમણે તેને કહ્યું હતું કે : “પહોંચું છું.” પણ તે હજી આવ્યા ન હતા. જહાંગીર પોલીસનો જૂનો બાતમીદાર હોવાને કારણે ઘણા પોલીસવાળા તેને ઓળખતા હતા, જેના કારણે આવતા-જતા મોટા ભાગના પોલીસવાળા તેને જોઈ આશ્ચર્યથી ‘કેમ આવ્યો છે’ તેની પૃચ્છા કરતા હતા. તે દરેકને એક સરખા જ જવાબ આપતો હતો : ‘સાબને બુલાયા હે.’ જોકે કયા સાહેબને મળવા આવ્યો છે તેની તે ફોડ પાડતો ન હતો. લગભગ એકાદ કલાક પછી વિનયની ઍન્ટ્રી થઈ. જીપમાંથી ઊતરતાં જ, વિનયે જહાંગીરને જોયો હતો. તે જીપમાંથી ઊતરી સીધો ક્રાઇમ-બ્રાન્ચમાં દાખલ થયો અને તે જ વખતે ત્યાં હાજર સંત્રીને જહાંગીર તરફ ઇશારો કરતાં તેને અંદર આવવા દેવાની સૂચના પણ આપી. જહાંગીર પાછળ પાછળ ચાલવા લાગ્યો. ઑફિસમાં દાખલ થતાં વિનયે પોતાની પૅન્ટ અને ટીશર્ટમાં પીઠ પાસે રાખેલી પોતાની ૯ એમ.એમ. પિસ્તોલ કાઢી ટેબલના ડ્રૉઅરમાં મૂકી. વિનય અને મહેશ બંને આ રીતે જ પોતાની પિસ્તોલ પાછળ તરફ રાખતા હતા. કદાચ તેમણે પહેલી વખત ડીસીપી ઇન્દ્રસિંહ જાડેજાને આ રીતે વેપન રાખતા જોયા હતા, જેના કારણે અનાયાસે તેમને પણ બીજા કરતાં જુદી રીતે એટલે કે પૅન્ટમાં પાછળ પીઠ પાસે વેપન રાખવાની આદત પડી હતી. ડીસીપી ઇન્દ્રસિંહ હાલમાં ગુજરાત ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના ડીસીપી હતા.
વિનયે પોતાની ખુરશી ઉપર બેસતાં જહાંગીરને પણ બેસવાની સૂચના આપી. તે સંકોચ સાથે બેઠો. થોડુંક વિચારી વિનયે પહેલાં ચા મંગાવી, પછી જહાંગીર તરફ જોતાં પૂછ્યું : “બોલ, ક્યા બાત હૈ?” જહાંગીર થોડો આગળ તરફ નમ્યો અને બીજું કોઈ સાંભળી શકે નહીં, તે રીતે કહ્યું : “સર, મૈંને જુહાપુરા વાલી બાત કી થી ના!” વિનયને બધું બરાબર યાદ હતું એટલે તેણે વાત ટૂંકાવતાં કહ્યું : “હા, માલૂમ હૈ.” એટલે જહાંગીરે મૂળ વાત ઉપર આવતાં કહ્યું : “પક્કી ઇન્ફર્મેશન હૈ. આજ રાત કો વહાં કુછ લોગ ઇકટ્ઠા હોને વાલે હૈં. રેડ કર દો. સા’બ, કામ હો જાયેગા.” હજી વિનય તેની સામે જોઈ રહ્યો હતો. જહાંગીરે કહ્યું : “દેર મત કરિયો. હાથ મેં આયે લોગ ચલે જાયેંગે.” વિનયે પૂછ્યું : “કિતને બજે ઇકટ્ઠા હોને વાલે હૈં?” “કરીબ રાત નવ-દસ બજે.” વિનયે ખાતરી આપતાં કહ્યું : “ચિંતા મત કરના. કર દેંગે. લેકિન તૂ નજર રખના ઔર વો આતે ખબર કર દેના.” સાથે વિનયે ટકોર કરતાં કહ્યું : “ધ્યાન રખના… ઇન્ફર્મેશન ગલત ના હો… અભી હમારી બદનામી ભી ખૂબ હુઈ હૈ.” જહાંગીરે પોતાનો જમણો હાથ પોતાના ગળા પાસે મૂકતાં કહ્યું : “ખુદા કસમ સા’બ. એકદમ સચ બોલ રહા હૂં. પહેલે કભી ઐસા હુવા હૈ?” ત્યાં ચા આવી. ચા પીતાં પીતાં વિનયે પૂછ્યું : “વો અયુબડા ક્યા કરતા હૈ?” તેણે કહ્યું : “જાને દો સા’બ. પાવડરિયા હો ગયા હૈ. પૂરા દિન નશે મેં રહેતા હૈ. ઉસકી બીબી ભી છોડકે ચલી ગઈ.” થોડી વાર પછી જહાંગીર સલામ કરી નીકળ્યો.
બપોર થતાં વિનય એસીપી રામસિંહ પરમારની ચેમ્બરમાં ગયો. પહેલાં બધી રૂટિન વાત કરી પછી જુહાપુરાની ઇન્ફર્મેશનની વાત કરી. પરમારે તરત પૂછ્યું : “કોણ છે? ક્યાંથી આવવાના છે? તેમનો મોટિવ શું છે?” વિનયે શક્ય એટલા જવાબ આપ્યા પણ પરમારને સંતોષ થયો નહીં. વિનય જે વાત કરી રહ્યો હતો, તેમાં ઘણી મિસિંગ લિંક હતી. કોઈ પણ ઑપરેશન પાર પાડતા પહેલાં તેની તમામ માહિતી આપણી પાસે હોવી જોઈએ અને બધું જ ફુલ પ્રૂફ હોવું જોઈએ તેવો તેમનો આગ્રહ રહેતો. જોકે તેઓ મનમાં એવું પણ માનતા હતા કે નવી પેઢીને જૂની પેઢી પાસેથી કંઈ શીખવું નથી અને બધું જ કામ ઉતાવળે કરવું છે. પણ વિનયની માહિતી પ્રમાણે કેટલાક શંકાસ્પદ લોકો જે પૈકી કેટલાક વિદેશથી આવેલા છે, તે રાત્રે એકઠા થવાના હતા. ચોકસાઈપૂર્વક કામ કરવાનો સમય ન હતો, છતાં કામ કરવું પડે તેમ હતું.
પરમારે તરત પોતાના કૉન્સ્ટેબલને પૂછ્યું : “ડીસીપી સાહેબ આવી ગયા કે?” તેણે હા પાડતાં તરત તે અને વિનય ડીસીપી પાસે પહોંચી ગયા. “સર, વિનય એક ઇન્ફર્મેશન લાવ્યો છે. થોડી અધૂરી પણ છે છતાં જો કામ થાય તો મોટું નીકળશે તેવું મને લાગી રહ્યું છે.” ડીસીપી વછરાજાનીએ વિનય સામે જોતાં તેણે તરત પોતાને મળેલી, અગાઉ પરમારને કહી ચૂક્યો હતો તે તમામ વિગતો, ડીસીપીને સંભળાવી. તેમના ચહેરા ઉપરના ભાવ કંઈ ખાસ બદલાયા નહીં. છતાં તેમણે કહ્યું : “જુઓ, જુહાપુરા છે. ક્યાંક કૉમ્યુનલ ના થઈ જાય તેની તકેદારી રાખજો. કમાન્ડો બોલાવી લેજો. બને એટલું સાફ ઑપરેશન રાખજો. કોઈ હોબાળો થાય નહીં.” યાદ આવતાં પાછું તેમણે કહ્યું : “રાતે પાછું ત્યાં તવા બજાર હોય છે, પબ્લિક પણ હશે… તેની તકેદારી રાખજો.” વિનય ત્યાંથી ઊભો થયો અને સલામ કરી બહાર નીકળ્યો.
જુહાપુરાને અમદાવાદની પબ્લિક અને ખુદ પોલીસ પણ સંવેદનશીલ માને છે. ૧૯૬૦થી હમણાં સુધી અમદાવાદમાં જેટલી વખત કોમી તોફાનો થયાં તેટલા નવા વિસ્તારોનો જન્મ થતો ગયો. દરેક કોમી તોફાન બાદ અસરગ્રસ્ત હિંદુ અને મુસલમાનો જેમને લાગે કે કોટ વિસ્તારમાં તેમની પોળનું મકાન હવે તેમને રક્ષણ આપી શકે તેમ નથી, તેઓ પોળ છોડી નવા અમદાવાદ તરફ ભાગતા હતા. જોકે હિંદુઓને તો ઘણા નવા વિસ્તાર મળતા પરંતુ મુસલમાનોની સમસ્યા કેવી હતી?! કે પોળ છોડી ક્યાં રહેવા જાય. જેના કારણે શહેરનો મોટો મુસ્લિમ વર્ગ જુહાપુરા તરફ રહેવા આવી ગયો હતો. આમ હિંદુઓ તો ઠીક પણ પોલીસ પણ માને છે કે, જુહાપુરામાં ગુનેગારોની સંખ્યા વધારે છે. એટલે જ્યારે પણ જુહાપુરાનો ઉલ્લેખ આવે ત્યારે બધાના કાન ઊંચા થઈ જાય છે. સ્થાનિક મુસ્લિમોને સતત નારાજગી રહી છે કે તંત્ર અને ખાસ કરી પોલીસવાળા અમને ભારતીય માનતા નથી. જાણે જુહાપુરા એટલે ભારતની સીમાને અડીને આવેલો પાકિસ્તાની વિસ્તાર હોય. જ્યારે બીજી તરફ નામી મુસ્લિમ બિલ્ડરો, પ્રોફેસરો, આઇએએસ-આઇપીએસ અધિકારીઓ પણ અહીં રહે છે. જોકે તેઓ પણ એવું માને છે કે જુહાપુરામાં બહારથી આવેલા મુસ્લિમોએ તેમના વિસ્તારનું નામ ખરાબ કર્યું છે.
ક્રાઇમ-બ્રાન્ચની એક પ્રથા હતી… સામાન્ય સંજોગોમાં બધા જ પોલીસ-અધિકારીઓ બપોરનું ભોજન સાથે જ લેતા હતા. બધા જમી રહ્યા, ત્યારે મહેશે વિનયને પૂછ્યું : “કેમ કંઈ ખાસ છે? કેમ આટલો ખુશ દેખાય છે?” વિનયે રોટલીનો ટુકડો તોડ્યો. તેમાં શાક લઈ કોળિયો મોઢામાં મૂકતાં કહ્યું : “ના, ના.” બધા પોલીસ-અધિકારીઓનું ધ્યાન વિનય તરફ હતું. તેમને પણ લાગતું કે વિનય કહેતો નથી, પણ તેને હાથ કોઈ મોટું કામ આવ્યું છે. જોકે ક્રાઇમ-બ્રાન્ચમાં જ્યાં સુધી ઑપરેશન પાર ના પડે ત્યાં સુધી તેને ગુપ્ત રાખવામાં આવે છે. વિનયે કમિશનર કચેરીને જાણ કરી છ કમાન્ડો હેડક્વાર્ટરથી મોકલી આપવાની સૂચના આપી હતી. પોતાના સ્ટાફના તમામ માણસને બીજો હુકમ ના થાય ત્યાં સુધી ક્રાઇમ-બ્રાન્ચમાં હાજર રહેવાનું પણ કહી દીધું હતું. ક્રાઇમ-બ્રાન્ચમાં થતી હલચલ જોઈ શકાતી હતી પણ કળી શકાતી ન હતી. આવું ઘણી વખત બનતું એટલે તેની નવાઈ પણ ન હતી. રાતના પોણા અગિયાર વાગ્યા હતા. વિનયે પોતાના સ્ટાફના ચાર કૉન્સ્ટેબલોને બોલાવ્યા અને કહ્યું : “જુહાપુરામાં જઈ તવા બજાર બંધ કરાવી દો. કોઈ પૂછે તો કહેજો સીપી સાહેબની નાઇટ છે.”
ચારે કૉન્સ્ટેબલો સલામ કરી નીકળ્યા. જીપમાં જુહાપુરા તરફ જતાં ચારેયને એક સાથે વિચાર આવતો હતો કે જુહાપુરા તો વેજલપુર પોલીસની હદમાં આવે છે. તો સાહેબે આપણને કેમ બજાર બંધ કરવા મોકલ્યા. પણ પોલીસમાં મોટા ભાગના સવાલોના જવાબ હોતા નથી અથવા માગી શકાતા નથી. ક્રાઇમ-બ્રાન્ચની જીપ જુહાપુરા તરફ આગળ વધી, ત્યારે ગુપ્તાનગર પાર કરતાં તરત રસ્તા ઉપર જ વેજલપુર પોલીસ સ્ટેશન આવે. કેટલાક પોલીસવાળા બહાર ગપ્પાં મારી રહ્યા હતા. જેવી ક્રાઇમ-બ્રાન્ચની જીપ પોલીસ સ્ટેશન સામેથી પસાર થઈ તેની સાથે વેજલપુર પોલીસના એક કૉન્સ્ટેબલની નજર પોલીસજીપની નંબર પ્લેટ ઉપર પડી… તે આશ્ચર્ય સાથે બોલ્યો, “ક્રાઇમવાળા છે; કંઈક લોચો તો નથી ને?” ક્રાઇમ-બ્રાન્ચ પોતાના વિસ્તારમાં આવી દરોડો પાડી જાય તે વાત ક્યારેક સ્થાનિક પોલીસને પસંદ પડતી નથી. તે કૉન્સ્ટેબલ તરત પોતાના ઇન્સ્પેક્ટરને જાણકારી આપવા પોલીસ સ્ટેશનની અંદર ગયો.
અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા હાઇવેના બંને છેવાડા તરફ અમદાવાદના છેવાડે જુહાપુરા આવેલું છે. અમદાવાદથી સરખેજ જતાં ડાબી તરફ શ્રીમંત મુસ્લિમો રહે છે, જ્યારે જમણી તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે. બંને એકબીજાને ધિક્કારે છે. સાંજ પડે રોડની બંને તરફ નૉનવેજના તવા લાગી જાય છે, જ્યાં સાઇકલવાળાથી લઈ કારવાળા બાંકડે બેસી તંદુરી ચિકન, ભેજાફ્રાય, જિંગા-ફિશ અને પાયાસુપની લિજ્જત માણે છે. તવા ચલાવનાર બધા મુસ્લિમો છે, પણ તેમના મોટા ભાગના ગ્રાહકો હિંદુ છે. કારણ કે હિંદુઓમાં સંતાઈને નૉનવેજ ખાવા માટે આ એરિયા સેફ માનવામાં આવે છે.
જીપમાંથી ઊતરતાં ક્રાઇમ-બ્રાન્ચના કૉન્સ્ટેબલે વ્હિસલ વગાડવાની શરૂઆત કરતાં એક પછી એક તવાની બૅટરી ઉપર ચાલતી લાઇટો બંધ થવા લાગી હતી. આ પોલીસ અને તવાવાળાની સમજૂતી હતી અથવા તે પોલીસને માન આપે છે તેવું દર્શાવવા લાઇટો બંધ કરી હતી. જોકે સ્ટ્રિટ લાઇટ પાવરફુલ હોવાને કારણે તવા ઉપર જમી રહેલી વ્યક્તિઓ આસાનીથી પોતાની ડિશમાં શું છે તે જોઈ શકતી હતી. કેટલાક ગ્રાહકોએ ઇશારામાં તવાવાળાને પૂછ્યું હતું કે મામલો શું છે? તવાના માલિકોને ખબર હતી કે પોલીસ યુનિફૉર્મમાં નથી એટલે તે ક્રાઇમવાળા જ હતા તેવું માની લેવામાં આવ્યું હતું. પોલીસની વ્હિસલનો અર્થ એ હતો કે ‘જે લોકો હાલમાં જમી રહ્યા છે તેમને જમી લેવા દો, પણ પછી નવા ગ્રાહકોને બેસાડવાને બદલે લારીઓ બંધ કરો.’
ક્રાઇમ-બ્રાન્ચનો સ્ટાફ પોતાની જીપ પાસે ઊભો જ હતો ત્યાં વેજલપુર પોલીસની પીસીઆર વાન આવી અને તેમણે નીચે ઊતરી ક્રાઇમ-બ્રાન્ચના પોલીસવાળા સાથે હાથ મિલાવ્યા. જોકે તેમને એ જાણવામાં રસ હતો કે, ક્રાઇમ-બ્રાન્ચ શું કામ તેમના વિસ્તારમાં આવી છે. પહેલી પીસીઆરની ઇન્ચાર્જ હેડ કૉન્સ્ટેબલે ક્રાઇમના સ્ટાફને ચા-પાણી અને સિગારેટ-મસાલા અંગે પૂછ્યું અને પછી હળવેકથી પૂછ્યું : “છે કંઈ ખાસ આજે?” ક્રાઇમ-બ્રાન્ચનો સ્ટાફ સ્થાનિક પોલીસ કરતાં પોતાને વધારે હોશિયાર, બહાદુર અને વગદાર માનતો હોય છે. પરંતુ ઇન્ચાર્જ ઉંમરલાયક હોવાને કારણે એક કૉન્સ્ટેબલે જાણે તેમની ઉપર દયા કરતો હોય તેમ કહ્યું : “દાદા, સીપી સાહેબની નાઇટ છે.” ઇન્ચાર્જને આ વાત સાંભળી થોડું આશ્ચર્ય થયું. તે બહુ જૂનો પોલીસવાળો હતો. તેને કઈ તારીખે કયા અધિકારીની નાઇટ હોય તેની ખબર રહેતી હતી અને જો કોઈ મોટા અધિકારીની નાઇટ હોય તો તે પોતે જ મોડે સુધી ચાલતાં બજાર બંધ કરાવી દેતા હતા. ઇન્ચાર્જ પોતાની જિપ્સી તરફ જોઈ બોલ્યા, “સીપી સાહેબની નાઇટ છે તેવો મૅસેજ તો અમારી ગાડીને મળ્યો નથી.” ક્રાઇમ-બ્રાન્ચનો કૉન્સ્ટેબલ ઇન્ચાર્જની વ્યથા સમજી ગયો. તેણે કહ્યું : “દાદા-નાઇટ ખરેખર છે કે નહીં તેની અમને પણ ખબર નથી. આ તો અમારા પીઆઇ સાહેબે અમને જે કહીને મોકલ્યા તે મેં તમને કહ્યું.” વેજલપુરના ઇન્ચાર્જને થોડી ટાઢક વળી. પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે જો સીપીની નાઇટ નથી તો ક્રાઇમ-બ્રાન્ચનું કોઈ ઑપરેશન થવાનું છે. જોકે તે અંગે તેને પૂછવાની હિંમત થઈ નહીં.
સાડા અગિયાર વાગે જુહાપુરામાં રહેલા ક્રાઇમના કૉન્સ્ટેબલે વિનયને ફોન દ્વારા જાણ કરી કે બજાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયાં છે. વિનયે તેમને ત્યાં જ હાજર રહેવાની સૂચના આપી અને થોડી વારમાં પોતાના સ્ટાફ અને હેડક્વાર્ટરથી મંગાવેલા કમાન્ડો સાથે વિનય જુહાપુરા તરફ જવા રવાના થયો.
લગભગ દસ મિનિટમાં વિનય વિશાલા ચોકી પાસે પહોંચ્યા. ત્યારે જહાંગીર ત્યાં જ ઊભો હતો. વિનય જીપમાંથી ઊતર્યો અને જીપથી થોડે દૂર જઈ ઊભો રહ્યો. જહાંગીરે કહ્યું : “આગે કે દોચાર રાસ્તે છોડ કે તીસરે ચાર રસ્તે પે ડ્રાઇવર સાઇડ મોડ લેના, ગલી મેં સીધા જાના, બ્લૅક રંગની વરના કાર પડી હૈ ઉસકા પાસિંગ એમએચ, બસ વહી મકાન મેં સબ બેઠે હૈં.” આટલું બોલી વિનય નીકળે તે પહેલાં જહાંગીર બાઇકને કિક મારી જતો રહ્યો. વિનય પોતાની જીપના માણસ અને કમાન્ડો પાસે ગયો અને બધાને કહ્યું : “હોશિયાર રહેના, વેપન લોડ કર લો.” વિનય પોતાની જીપમાં બેસવા જતો હતો, તે પહેલાં અનાયાસે તેનો હાથ પાછળની તરફ ગયો અને પીઠમાં રહેલી પોતાની પિસ્તોલ બહાર કાઢી સીટમાં પોતાની બાજુમાં જ મૂકી. થોડા આગળ જતાં અગાઉથી ક્રાઇમ-બ્રાન્ચની જે ટીમ હાજર હતી તેને પોતાની પાછળ આવવાનો ઇશારો કર્યો. ઑપરેશનના અંતિમ તબક્કાના પહેલા ચાર રસ્તા પસાર થયા. બજાર બંધ થઈ ગયાં હતાં. પરંતુ પોલીસનાં ત્રણ વાહનો એક સાથે જતાં જોઈ સ્થાનિક રહેવાસીઓને કંઈક ગરબડ હોવાની આશંકા ગઈ હતી. બીજા ચાર રસ્તા પસાર થયા. વિનયે સીટ ઉપર પડેલી ગન પોતાના હાથમાં લઈ લીધી.
(ક્રમશઃ)








