Tuesday, August 25, 2026
HomeGujaratRJ નેહા સાથે વિતાવેલી પળો યાદ કરી PI ના ચહેરા પર સ્મિત...

RJ નેહા સાથે વિતાવેલી પળો યાદ કરી PI ના ચહેરા પર સ્મિત આવ્યું | શતરંજ-8

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-8, નવજીવન ન્યૂઝ): બપોર થઈ ગઈ હતી. વિનય તોમરનું હજી ઑફિસમાં આગમન થયું ન હતું, એસીપી રામસિંહ પરમારનો કૉન્સ્ટેબલ બે વખત મહેશ રાવને વિનયના કોઈ સમાચાર અંગે પૂછી ગયો હતો. વિનયનો રેગ્યુલર ફોન બંધ આવતો હતો. આવું વિનય અનેક વખત કરતો હતો. કોઈને કીધા વગર ઑફિસ નહોતો આવતો. જોકે તેની જે રીતની કામગીરી હતી, તેના કારણે મોટા અધિકારીઓ પણ તેના આ વ્યવહારને ચલાવી લેતા હતા. બપોર પછી મહેશને પણ વિચાર આવ્યો કે હજી વિનય કેમ આવ્યો નથી? વળી તેનો ફોન પણ સ્વિચ-ઑફ આવતો હતો! મહેશે વિચાર કર્યા પછી વિનયનો પર્સનલ ફોન હતો તે ડાયલ કર્યો. આ નંબર મહેશને બાદ કરતાં કદાચ એકાદ-બે પાસે જ હશે. વિનયે આ નંબર તેની પત્નીને પણ નહોતો આપ્યો. રિંગ વાગતાં તરત મહેશે પૂછ્યું : “ક્યાં છે વિનય તું?” તેણે તરત સામો સવાલ પૂછ્યો, “કેમ શું થયું?” મહેશે જવાબ આપ્યો : “કંઈ થયું નથી, પણ તું છે ક્યાં? એક કામ છે.” મહેશને ખબર હતી કે તે સીધો જવાબ નહીં આપે. માટે ડર બતાડતાં કહ્યું : “પરમાર સાહેબ તને સવારના શોધી રહ્યા છે.” તેણે બિન્દાસ થઈ જવાબ આપ્યો, “કંઈ વાંધો નહીં, પૂછે તો કહેજે કે એક કામમાં છે.” મહેશ કંઈ પૂછે તે પહેલાં વિનયે ફોન કટ કરી નાખ્યો.

વિનય હોટલ તાજમાં રૂમ નંબર ૨૦૧માં રેડિયો જોકી નેહા સાથે હતો. નેહા અને તેની પહેલી મુલાકાત હજી ત્રણ મહિના પહેલાં જ ક્રાઇમ-બ્રાન્ચ ખાતે થઈ હતી. બસ પછી તો વિનયની રોમાંસમાં માસ્ટરી હતી. તે માત્ર ગુનેગારોના જ નહીં, સ્વરૂપવાન યુવતીના પણ ઍન્કાઉન્ટર કરી શકતો હતો. વિનય બેડ ઉપર સૂતો હતો, નેહાનો ચહેરો વિનયની છાતી ઉપર હતો. વિનયના શર્ટનાં બટન ખુલ્લાં હતાં. નેહાની આંગળીઓ વિનયની છાતીના વાળમાં ફરી રહી હતી. વિનય પણ નેહાના ખુલ્લા વાળમાં હાથ ફેરવી રહ્યો હતો. વિનયે ફોન મૂકતાં નેહાએ પોતાનું માથું ઊંચું કરી પૂછ્યું : “કોનો ફોન હતો?” વિનયે જવાબ આપ્યો. “ઑફિસથી.” તેણે તરત પૂછ્યું : “તો જવું પડશે?” વિનયે નેહાને પોતાના બાહુપાશમાં જકડી લેતાં કહ્યું : “તને છોડીને ઑફિસ જઉં એટલો મૂર્ખ છું?” નેહાએ વિનયની મજબૂત પક્કડ ઢીલી કરવાનો ડોળ કરતી હોય તેવો પ્રયત્ન કર્યો અને કહ્યું : “પોલીસવાળાને પ્રેમ કરતા પણ નથી આવડતું. કેવા જંગલીવેડા કરે છે?” વિનયે તેને પોતાની તરફ વધુ ખેંચતાં કહ્યું : “ચાલ મને પ્રેમ કરતાં શિખવાડ.” અને બંનેના ઉચ્છ્વાસ એક થયા. વિનય હોટલની બહાર નીકળ્યો ત્યારે સાંજના છ વાગ્યા હતા, તેણે રસ્તામાં નેહાને ડ્રૉપ કરી અને તે સીધો ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસે પહોંચ્યો હતો.

- Advertisement -

વિનયને ખબર હતી કે, એસીપી પરમાર સવાલ પૂછશે તેની કરતાં વધુ સવાલ મહેશ પૂછવાનો છે, એટલે તેણે શું જવાબ આપવા તેની તૈયારીઓ કરી લીધી હતી. પોતાની ચેમ્બરમાં જતા પહેલાં તે એસીપી પરમારને મળવા ગયો. ‘જયહિંદ’ કહીને સલામ કરી, પરમાર કંઈ પૂછે તે પહેલાં જ તેણે કહ્યું : “સર, એક સારી ઇન્ફર્મેશન ઉપર કામ કરી રહ્યો છું. ભગવાન કરે તો બે-ત્રણ દિવસમાં કામ થઈ જશે.” પરમારને વિનયની વાતમાં કોઈ રસ ન હતો, તે કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે સવારથી વિનયને કેમ યાદ કરી રહ્યો હતો, તે વિનય સામે હોવા છતાં યાદ આવી રહ્યું ન હતું. તે મનોમન બબડ્યો, ‘સાલું હવે યાદ રાખવામાં ગરબડ થાય છે.’ તેમણે પોતાના ટેબલનું ડ્રૉઅર ખોલ્યું. કંઈક કાગળો ફંફોળ્યા પણ કંઈ મળ્યું નહીં. પૅન્ટના પાછળના ખિસ્સામાં રહેલું પર્સ બહાર કાઢી પૈસા અને કાગળો જોયા અને અચાનક એક કાગળ ઉપર તેમની નજર પડતાં ચહેરા ઉપર ચમક આવી. તે કાગળ તેમણે ટેબલ ઉપર મૂક્યો અને પર્સ ખિસ્સામાં મૂકી કાગળ વિનય તરફ ધરતાં કહ્યું : “ડીસીપી સાહેબનું કામ છે, જરા જોઈ લેજે ને.” વિનયે કાગળની ગડી ખોલી. તેની ઉપર નજર કરતાં તેને ખ્યાલ આવી ગયો. તેણે કહ્યું : “હા સર, મને ડીસીપી સાહેબે વાત કરી હતી. જોઈ લઉં છું.” તે વાત કરી બહાર નીકળ્યો અને પોતાની ચેમ્બર તરફ જઈ રહ્યો હતો ત્યારે મહેશ ઉપરથી સીડી ઊતરી નીચે આવી રહ્યો હતો. વિનયને જોતાં જ તેણે કહ્યું : “પહેલાં પરમાર સાહેબને મળી લે.” તેણે કહ્યું : “મળી આવ્યો.” વિનય ઉપર જવા માટે સીડી ચઢી રહ્યો હતો ત્યારે મહેશે કહ્યું : “હમણાં આવું છું.” મહેશ અડધો કલાક પછી પાછો આવી સીધો વિનયની પાસે ગયો.

વિનયે કુતૂહલવશ પૂછ્યું : “ક્યાં જઈ આવ્યો?” મહેશે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું : “સાલી આપણી જિંદગી છે?! આપણાં બૈરાં-છોકરાંને બહાર લઈ જવા માટે સમય નથી અને ઍડિશનલ ડીજીપીનું ફૅમિલી ફિલ્મ જોવા આવે તો તેની વ્યવસ્થા આપણે કરવાની!” વિનયને સમજાય તે માટે સ્પષ્ટતા કરતાં કહ્યું : “ડીસીપી સાહેબનો ફોન હતો માટે સીટી ગોલ્ડ જઈ આવ્યો.” મહેશ પોલીસ-અધિકારી હતો. તેણે બે-ત્રણ વખત કંઈક સૂંઘી રહ્યો હોય તેમ અંદર શ્વાસ લઈ જોયો. વિનય હવે શું થવાનું છે તેનો અંદાજ મેળવી ચૂક્યો હતો, માટે તે કામ હોય તેમ ટેબલ ઉપર પડેલી ફાઈલ જોઈ રહ્યો છે તેવો ડોળ કર્યો. મહેશે ઊંડો શ્વાસ લીધો અને સવાલ કર્યો : “આ પરફ્યૂમની સુવાસ કંઈ નવી છે.” વિનયે કંઈ સાંભળ્યું જ ના હોય તેવું બતાડ્યું. જોકે તેના કાન મહેશ તરફ જ હતા. તેણે કહ્યું : “વિનય.” એટલે તેણે ફાઈલમાં જ નજર રાખી કહ્યું : “હં.” મહેશે તેને પૂછ્યું : “આ પરફ્યૂમની સુવાસ ક્યાંથી આવે છે?” વિનયે જવાબ આપ્યો : “ખબર નથી.” મહેશ સામેની ખુરશીમાંથી ઊઠી વિનય તરફ ગયો. વિનયની બાજુમાં ઊભા રહી, નીચા નમી વિનયના શર્ટ પાસે નાક લાવ્યો અને તરત સીધા થતાં કહ્યું : “અરે આ જ પરફ્યૂમની સ્મેલ છે.” વિનય જાણે વાતને મહત્ત્વ નથી આપતો તેમ, મોં મચકોડીને કહ્યું : “હશે.” તરત થોડા ઊંચા અવાજે મહેશે કહ્યું : “હશે.જલદી બોલ ક્યાંથી આવ્યો?” વિનયને લાગ્યું હવે મહેશ તેનો પીછો નહીં મૂકે. તેણે નારાજગી વ્યક્ત કરતાં પૂછ્યું : “તારો પ્રૉબ્લેમ શું છે? કેમ મારી પર્સનલ લાઇફમાં માથું મારે છે?” પોતાની ખુરશી ઉપર પાછા બેસતાં મહેશે ગુસ્સા સાથે કહ્યું : “મારીશ… હજાર વખત માથું મારીશ. સાલા જુઠ્ઠા… કઈ તપાસ કે કયા કામમાં હતો, તેની મને ખબર પડે છે. કારણ કે તું ક્યારેય પરફ્યૂમનો ઉપયોગ જ કરતો નથી.” મહેશનો ગુસ્સો જોઈ વિનય શાંત થઈ ગયો. તેને ખબર હતી કે મહેશને પૂછવાનો અને ગુસ્સે થવાનો અધિકાર છે. તે પકડાઈ ગયો હતો. હજી મહેશ જાણવા માગતો હતો કે, વિનય કોની સાથે હતો. તેણે વિચાર કરી પૂછ્યું : “પેલી રેડિયોવાળી હતી?” વિનયે હા પણ પાડી નહીં અને ના પણ નહીં. મહેશે પોતાની નારાજગી વધુ કડક રીતે રજૂ કરતાં કહ્યું : “પેલી તારી બૈરી સારી છે ને એટલે તારા આ ધંધા ચાલે છે. કોઈ દિવસ મારું માથું ફાટ્યું તો તારો ભાંડો ફોડી નાખીશ.” વિનયના ચહેરા ઉપર હાસ્ય જોઈ મહેશ વધુ ગુસ્સે થયો. “સાલો નફ્ફટ” — આટલું બોલી તે પોતાની ચેમ્બરમાં જતો રહ્યો.

રાતના નવ વાગે વિનય મહેશની ચેમ્બરમાં ગયો. તેણે પૂછ્યું : “નીકળવાનું નથી?” મહેશના ટેબલ પાસે નીચે એક આરોપીને બેસાડ્યો હતો. મહેશના હાથમાં નાનકડો ડંડો હતો. આરોપી મહેશ તરફ બે હાથ જોડી બેઠો હતો. આરોપીની બાજુમાં એક કૉન્સ્ટેબલ ઊભો હતો. વિનયનો પ્રશ્ન સાંભળી મહેશે કહ્યું : “તું નીકળ.” તેમ કહી આરોપી તરફ ઇશારો કરતાં કહ્યું : “આના રિમાન્ડ કાલે પૂરા થાય છે, કામ પતાવી દઉં ને?” વિનયે આરોપી સામે જોતાં પૂછ્યું : “તું તો ગેંડીદાદા છો ને? એરિયામાં બહુ દાદાગીરી કરે છે કેમ?” તેમ કહેતા વિનયે તેને એક લાત ફટકારી અને ગેંડીદાદા ‘ઓ બાપા રે’ કહી જમીન ઉપર ઢળી પડ્યો. જોકે તરત બાજુમાં ઊભા રહેલા કૉન્સ્ટેબલે તેને કૉલરમાંથી પકડી ઊભો કરતાં કહ્યું : “ચાલ નાટક બંધ કર.” “ચલ મળીએ” તેમ કહી વિનય ઘરે જવા નીકળ્યો. વિનયને ખ્યાલ આવી ગયો હતો કે, મહેશ સાંજનો ગુસ્સો ભૂલી ગયો છે. ઘરે જતા વિનયે મીઠાખળી છ રસ્તા પાસે કાર ઊભી રાખી. બે-ત્રણ મિનિટ પછી વિનયની કાર પાર્ક કરેલી હતી તેની પાછળ એક બીએમડબ્લ્યુ કાર આવી ઊભી રહી. તેમાંથી એક વ્યક્તિ ઊતરી… તેના બંને હાથની ત્રણ-ત્રણ આંગળીમાં સોનાની વીંટીઓ, ગળામાં સોનાની ચેન અને જમણા હાથના કાંડા ઉપર સોનાનું પૅન્ડલ હતાં.

- Advertisement -

પેલી વ્યક્તિ કારમાંથી ઊતરી વિનયની કાર સુધી આવી. વિનય ડ્રાઇવિંગ સીટ ઉપર જ બેઠો હતો. પેલી વ્યક્તિ વિનય સાથે વાત કરવા માટે થોડી નમી અને પોતાનો હાથ લાંબો કરી કહ્યું : “કેમ છો સાહેબ? તમે તો અમને યાદ જ કરતા નથી ને?” વિનયે તેની સાથે હાથ મિલાવતાં કહ્યું : “પાનસુરિયા શેઠ, તમે નોટો છાપવામાંથી ઉપર આવો તો મુલાકાત થાય ને! કેટલી સાઇટો ચાલે છે?” તે શહેરનો જાણીતો બિલ્ડર કેતન પાનસુરિયા હતો. નાની ઉંમરે નામ અને દામ બંને કમાયો હતો. તેને પોલીસવાળા સાથે દોસ્તી કરવાનો શોખ હતો. પાનસુરિયાએ નમ્રભાવે કહ્યું : “અરે તોમર સાહેબ, તમારા આશીર્વાદ છે.” પછી કેતને તેની ઉપર કરેલા ઉપકારને યાદ અપાવતાં કહ્યું : “સાહેબ, તમે ના હોત તો બોપલની જમીન તો હાથમાંથી ગઈ જ હતી. બાકી દાળરોટી નીકળે એટલું કામ મળી રહે છે.”

વિનય તેની સામે જોયા વગર ક્યારેક ફ્રન્ટ ગ્લાસમાંથી તો ક્યારેક બારીના કાચમાંથી સ્કૂટર ઉપર પસાર થતી છોકરીઓ તરફ તો ક્યારેક પોલીસની જેમ પસાર થતી કારની નંબરપ્લેટ ઉપર નજર કરી લેતો હતો. પાનસુરિયાએ પૂછ્યું : “બોલો સાહેબ, કેમ યાદ કર્યો?” વિનયે પોલીસની સ્ટાઇલમાં આગળ-પાછળ અને આજુબાજુ નજર કર્યા પછી ડેશ-બોર્ડ ઉપર પડેલી ચબરખી ઉપાડી અને ખોલી-ખાતરી કરી લીધી કે તે જ કાગળ છે ને? અને તે પાનસુરિયા તરફ આગળ કરતાં કહ્યું : “ડીસીપી સાહેબનું કામ છે, કાલ સુધીમાં થઈ જવું જોઈએ.” પાનસુરિયાએ કાગળ ખોલ્યો. તેમાં એક સરનામું હતું અને માત્ર ૧૦ એટલું જ લખેલું હતું. પાનસુરિયાને કામ સમજાઈ ગયું. તે પહેલાં પણ આવાં કામ કરી ચૂક્યો હતો. પાનસુરિયાના ચહેરા ઉપર આનંદ અને ચિંતા બંને લાગણીઓ એક સાથે હતી. વિનયે તેની સામે જોયું. પાનસુરિયાનો ચહેરો જોતાં પૂછ્યું : “શું થયું?” તેણે જવાબ આપ્યો : “કંઈ નહીં. સાહેબ, કાલ સાંજ પહેલાં કામ થઈ જશે.” વિનયે કારનો સેલ માર્યો અને જતાં કહ્યું : “તારી ખાનપુરવાળી ફાઈલ લઈ ઑફિસ આવી જજે. કંઈ રસ્તો કાઢી આપીશ.” પાનસુરિયાએ કહ્યું : “ભલે.”

વિનય ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેની કારમાં રેડિયો ચાલુ હતો અને આર જે નેહા (રેડિયો જોકી નેહા) પ્રોગ્રામ ઍન્કરિંગ કરી રહી હતી. વિનયના ચહેરા ઉપર એક સ્મિત હતું. તે બપોરના સમયને વાગોળી રહ્યો હતો.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular