પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-51): Nadaan Series: ગોપાલની રજા પંદર દિવસની હતી. પંદર દિવસ કેવી રીતે પસાર થઈ ગયા; એની ગોપાલને ખબર જ ન પડી. આજે ગોપાલને જેલમાં પાછા જવાનું હતું. જોકે આ પંદર દિવસે તેને ઘણા પાઠ શીખવાડી દીધા હતા. ખાસ તો માણસને ઓળખી શકવા, એ આવડત ખૂબ જ અગત્યની હોય છે. ગોપાલ જેમને પોતાના સમજતો હતો; તેવા મિત્રો અને સંબંધીઓ તેને મળવાનું ટાળી રહ્યા હતા. જેઓ મળી રહ્યા હતા તે પણ; જાણે પ્રાણી સંગ્રહાલયના કોઈ પ્રાણીને જોઈ રહ્યા હોય, તેવી કૌતુકભરી નજરે જોતા હતા. ગોપાલને રજા પર આવવાનું ખાસ કારણ તો એ હતું કે, તેને પાલનપુર કોર્ટ દ્વારા જે સજા કરવામાં આવી હતી, એની સામે એને હાઇકોર્ટમાં અપીલ કરવાની હતી.
અપીલ કરવા માટે એ કેટલાક વકીલોને મળ્યો પણ હતો. પહેલાં તો વકીલોની ફી સાંભળીને જ એને આઘાત લાગતો હતો. એક ચાંપાનેરી સાહેબે એની અપીલ દાખલ કરવાની અને કેસ ચલાવવાની એક લાખ રૂપિયા ફી કહી. આમ તો એક લાખ પણ ગોપાલ માટે બહુ મોટી રકમ હતી. પણ બીજા વકીલોની સરખામણીએ ચાંપાનેરી સાહેબની ફી ઓછી હતી.
ગોપાલને પોતાના કેટલાક મિત્રો અને સંબંધીઓ પર ભરોસો હતો. એ તે બધાની પાસે ગયો. પણ બધા તેને પૈસા ન આપવા માટે જુદા જુદા કારણ આપતા હતા. જેમ કે, હમણા પૈસા નથી, થોડા દિવસ પછી કદાચ થઈ શકે, વગેરે. ગોપાલને સમજાતું હતું કે, કોઈપણ વ્યક્તિ મને આર્થિક મદદ કરતાં પહેલાં એટલું તો વિચારે જ કે, ગોપાલ ક્યારે અને કેવી રીતે પૈસા પાછા આપી શકશે? જોકે એનો જવાબ તો ખુદ ગોપાલ પાસે પણ નહોતો. આવી સ્થિતિમાં મદદ કરવા કોણ થાય?
“એક વકીલને મળવા જાઉં છું” એવું કહીને ગોપાલ નીકળ્યો.
મમ્મીને ખબર હતી કે, કોર્ટમાં પૈસા વગર કંઈ થતું નથી. ગોપાલની મમ્મી ભણેલી નહોતી, પણ ગોપાલ જેલમાં હતો ત્યારે; કોર્ટ અને પોલીસસ્ટેશનના ધક્કા ખાવાને કારણે તેને સમજાઈ ગયું હતું કે, દુનિયા કઈ રીતે ચાલે છે! એટલે મમ્મીએ ઘઉંના પીપળામાં એક થેલીમાં સંતાડી રાખેલા પાંચ હજાર રૂપિયા ગોપાલના હાથમાં મૂકતાં કહ્યું, “બેટા, કોર્ટ કચેરીના ચક્કરમાં પૈસા તો જોઈએ જ. પૈસા વગર આપણો હાથ કોઈ પકડતું નથી. આ પૈસા રાખ.”
તેમ કહી પાંચ હજાર રૂપિયા ગોપાલને આપ્યા. ગોપાલે તેની પાસે રહેલા પાંચ હજાર ચાંપાનેરી સાહેબને તરત આપી દીધા. જોકે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં ચાંપાનેરી સાહેબે ગોપાલની વાત સાંભળીને કહ્યું, “પૈસાની ચિંતા કરીશ નહીં. આ પાંચ પણ તારે હમણાં જરૂર હોય તો રાખ. પછી આપજે.”
સાહેબની વાત સાંભળ્યા પછી પણ ગોપાલે પાંચ હજાર તો આપી જ દીધા. બાકીના પૈસાની વ્યવસ્થા કેવી રીતે અને ક્યારે થશે? એની ગોપાલને પણ ખબર નહોતી. એ જ્યાં પણ ગયો, ત્યાંથી તેને નકારાત્મક જવાબ જ મળ્યો. ગોપાલની સ્થિતિ નિશીને સમજાતી હતી. ક્યારેક તેને થતું કે, એના પપ્પાને કહીને થોડા પૈસાની વ્યવસ્થા કરી આપે; પણ પછી પપ્પાનો સ્વભાવ યાદ આવી જતો. એટલે તે માંડી વાળતી હતી.
ગોપાલના પપ્પાએ પણ હમણાં પ્લાસ્ટિકની વસ્તુઓની ફેરી શરૂ કરી હતી. પપ્પા પાસે પણ કોઈ વ્યવસ્થા થવાની શક્યતા નહોતી. નિશી આ બધો વિચાર કરી રહી હતી ત્યારે, એનો હાથ પોતાનાં ગળા પર ગયો. એનાં ગળામાં સોનાની એક પાતળી ચેઇન હતી. એને વિચાર આવ્યો કે, જો એ ગોપાલને કોઈ રીતે મદદ ન કરી શકે; તો આ ચેઇનનો શું અર્થ! તે બજારમાં ગઈ અને પોતાની સોનાની ચેઇન વેચી દીધી. તેમાંથી આવેલા ત્રીસ હજાર તેણે ગોપાલના હાથમાં મૂક્યા. આટલી મોટી રકમ જોઈને ગોપાલને આશ્ચર્ય થયું. તેણે નિશીને પૂછ્યું “આટલી મોટી રકમ ક્યાંથી આવી?”
નિશીએ પણ કંઈ સંતાડ્યું નહીં. બધું જ સાચું કહી દીધું. ગોપાલની આંખોમાં આંસુ આવી ગયા. નિશીએ એને શાંત કર્યો. ગોપાલે કહ્યું, “લગ્ન પછી મેં તો તને કોઈ દાગીનો લઈ આપ્યો નથી. તારાં મમ્મીનાં ઘરેથી આવેલી ચેઈન પણ વેચી નાખી!”
નિશીએ એટલું જ કહ્યું, “મારા માટે તું મહત્ત્વનો છે.”
ગોપાલ કંઈ બોલી શક્યો નહીં. એ તરત વકીલ ચાંપાનેરી સાહેબની ઓફિસે ગયો અને ત્રીસ હજાર રૂપિયા આપી આવ્યો. ચાંપાનેરી સાહેબે કહ્યું, “તારી અપીલ તો હું હાઇકોર્ટમાં કરી દઈશ, પણ બે વર્ષ પહેલાં તારો કેસ બોર્ડ ઉપર આવવાની કોઈ શક્યતા દેખાતી નથી.”
ગોપાલ કંઈ જ બોલ્યો નહીં. કારણ કે તેને તેમાં ખબર પણ પડતી નહોતી. કોર્ટની પ્રક્રીયા પણ એના વિષય બહારની વાત હતી. ચાંપાનેરી સાહેબે પોતાના જુનિયરને બોલાવીને કોર્ટમાં અપીલ કરવા માટેનું ગોપાલનું એક સોગંદનામું કરાવ્યું. જેમાં લખાણ તો બધું વકીલે કર્યું હતું, માત્ર સહિ જ ગોપાલની હતી. સોગંદનામામાં શું લખ્યું છે, એ સમજાવતાં ચાંપાનેરી સાહેબે ગોપાલને કહ્યું, “પોલીસે તારી પર ખોટો કેસ કર્યો છે. તારી પાસેથી મળેલી બનાવટી નોટ તારી દુકાને આવેલા કોઈ ગ્રાહકે આપી હતી. આ નોટ અંગે તું કંઈ જાણતો નહોતો. વગેરે… વગેરે.”
ગોપાલ માત્ર માથું હલાવીને હા પાડતો અને વકીલ સાહેબ કહે ત્યાં સહીઓ કરતો હતો. કારણ કે બધા જ કાગળો અંગ્રેજી ભાષામાં હતા.
આજે ગોપાલને જેલમાં પાછા જવાનું હતું. ઘરના માહોલમાં એકદમ ગમગીની છવાયેલી હતી. મમ્મી તો છેલ્લા બે દિવસથી રડી રહી હતી. પપ્પા પણ કંઈ બોલતા નહોતા. એમના ચહેરાના હાવભાવ ચાડી ખાતા હતા કે, એ એકદમ નોર્મલ હોવાનો ડોળ કરી છે. નિશી પણ શાંત હતી.
આ માહોલ વચ્ચે ગોપાલને મળવા રાકેશ પણ ઘરે આવ્યો. ગોપાલે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો; પણ રાકેશનો ગુસ્સો હજી એવો જ હતો. તેણે અમદાવાદની એક કંપનીમાં નોકરી શરૂ કરી દીધી હતી. ગોપાલે તેને પૂછ્યું, “તું જેલ પર મળવા કેમ નથી આવતો?”
તેણે ગોપાલની આંખમાં જોયું અને પૂછ્યું, “તું કંઈ સ્વતંત્રતા સેનાની છે? દેશ માટે જેલમાં ગયો છે?”
ગોપાલ પાસે એના સવાલોનો કોઈ જવાબ નહોતો. રાકેશ ભલે એના પર ગુસ્સે હતો, પણ ઘરની સંભાળ તો રાખતો હતો. એ તેનો મોટો ઉપકાર હતો. તે દિવસે પણ ગોપાલની મમ્મીએ એને કહ્યું, “રાકેશ, અહીં જ જમીને જજે.”
બધાં સાથે જમવાં બેઠાં. કારણ, ત્યાર પછી ગોપાલને જેલ પર હાજર થવા જવાનું હતું. મમ્મીએ ગોપાલ માટે ખાસ લાપસી બનાવી હતી. લાપસીનો કોળિયો હાથમાં લેતાં જ ગોપાલને યાદ આવ્યું, આજે સાંજે જેલમાં પાછો જતો રહીશ. પછી તો આવું જમણ એક સ્વપન જ બની જશે. બસ, જેલની પેલી જાડી, બળેલી ને કાચી રોટલીઓ, કાચા પાકા ભાત, પાણી જેવી દાળ અને સ્વાદ વગરનાં શાકથી પાછું પેટ ભરવું પડશે.
ગોપાલને પણ રડવું હતું; પણ તેને લાગ્યું કે, જો હું રડીશ તો આખું ઘર રડવા લાગશે. એટલે તે ચુપચાપ જમવા લાગ્યો. આવું જ દ્વંદ્વ લગભગ બધાનાં મનમાં ચાલી રહ્યું હતું. દરેક જણ પોતાની સાથે વાત કરી રહ્યાં હતાં. બસ એકબીજાની સામે માત્ર નજર જ હતી. મમ્મીનું ધ્યાન ગોપાલ અને રાકેશની થાળી તરફ હતું. મમ્મી જમવામાં ઓછું અને પીરસાવામાં વધારે ધ્યાન આપતી હતી.
બધાં જમીને ઊભા થયાં. ગોપાલ જેલ પર જવા નીકળ્યો. નિશી તેને વળગીને રોવા લાગી. તેણે કહ્યું, “હું તને જેલમાં મૂકવા નહીં આવું. કારણ, હું તેને જેલના દરવાજામાં જતાં જોઈ શકીશ નહીં.”
મમ્મી અને પપ્પાની આંખો પણ ભરાઈ આવી હતી. રાકેશે બધાંને સંભાળી લેતાં કહ્યું, “હું જઈશ ગોપાલને મૂકવા. ગોપાલે રાકેશ સામે જોયું. આટલા સમય પછી પહેલી વખત રાકેશ જેલ ઉપર આવી રહ્યો હતો. મમ્મી, પપ્પા અને નિશી ફલેટમાં નીચે સુધી આવ્યાં. જે પાડોશીને મમ્મીએ કહ્યું હતું કે, ગોપાલ મુંબઈ નોકરી કરે છે; તે પાડોશીએ જ્યારે ગોપાલને જતાં જોયો ત્યારે પૂછ્યું, “મુંબઈ જાય છે?”
મમ્મીએ આંસુ લૂછતાં કહ્યું, “હા.”
પાડોશીએ કહ્યું, “અરે, તેમાં રડો છો શું કામ? મુંબઈ તો આ રહ્યું. પાંચ કલાકમાં ત્યાં પહોંચી જશે. ક્યારેક તમે પણ જઈ આવજો.”
બધાં ફટાફટ સીડીઓ ઉતરી ગયાં. કારણ, તેમની પાસે પાડોશીની વાતનો કોઈ જવાબ નહોતો. રાકેશે પોતાની મોટર સાયકલ સ્ટાર્ટ કરી અને ગોપાલ તેની પાછળ બેસી ગયો. તેણે બધાને આવજો કહ્યું. રાકેશનું બાઇક ન્યૂરાણીપથી સાબરમતી જેલ તરફ જવાના રસ્તા પર દોડવાં લાગ્યું. ગોપાલની ઇચ્છા હતી કે, પાછળ ફરીને એક વખત મમ્મી, પપ્પા અને નિશીને જોઈ લે, પણ તેની પાછળ જોવાની હિંમત થઈ નહીં.
બાઇક પર તો ગોપાલ અને રાકેશ વચ્ચે કોઈ સંવાદ ન થયો. જેલ ઉપર પહોંચતાં જ રાકેશે બાઇક પાર્ક કર્યું અને ગોપાલ સામે જોયું. ગોપાલ તેને ભેટી પડ્યો. રાકેશે માત્ર એટલું જ કહ્યું, “ઘરનું ધ્યાન હું રાખીશ. તું તારું ધ્યાન રાખજે.”
ગોપાલ ચાલતો ચાલતો જેલના દરવાજા તરફ આગળ વધ્યો. રાકેશ તેને દૂરથી અંદર જતો જોઈ રહ્યો. ગોપાલ જેલના તોતિંગ દરવામાં દાખલ થયો. રાકેશે આંખનાં ખૂણા લૂંછ્યા અને બાઇક સ્ટાર્ટ કરીને યુ–ટર્ન લીધો.
(ક્રમશ:)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








