Thursday, August 27, 2026
HomeGujaratઅમદાવાદ પોલીસના તમામ ઍન્કાઉન્ટરોની સ્ક્રિપ્ટ એક સરખી હતી | શતરંજ-10

અમદાવાદ પોલીસના તમામ ઍન્કાઉન્ટરોની સ્ક્રિપ્ટ એક સરખી હતી | શતરંજ-10

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-9, નવજીવન ન્યૂઝ): અબ્દુલના ઍન્કાઉન્ટરની ઘટનાને બે મહિના થઈ ગયા હતા. નૅશનલ હ્યુમન રાઇટ્સના અધિકારીઓ અમદાવાદ આવી ગયા હતા, તેમની સાથે રઝિયાની મુલાકાત થઈ ગઈ હતી. જોકે બધાના આશ્ચર્ય વચ્ચે રઝિયાએ પોલીસ સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોવાનો ઇનકાર કરી દીધો હતો. સૌથી વધારે આશ્ચર્ય આદેશ અને રાકેશસિંહને થયું હતું. ઍન્કાઉન્ટરના દિવસે રઝિયા પોલીસથી ખૂબ નારાજ હતી. તે આદેશને વિનંતી કરતી કે, પોલીસવાળાને છોડતા નહીં. રાકેશસિંહે તો હાઇકોર્ટમાં કેસ કરવાની તૈયારીઓ પણ કરી દીધી હતી. પણ અચાનક રઝિયા બદલાઈ ગઈ હતી. તે કેસ કરવાની પણ ના પાડતી હતી. પત્રકારો સાથે વાત કરવા પણ તૈયાર ન હતી. જ્યારે આદેશ તેને મળવા ગયો ત્યારે તેણે બે હાથ જોડી વિનંતી કરતાં કહ્યું : “સા’બ, ખુદા કે લિયે હમેં છોડ દો. જાને વાલા તો ચલા ગયા. ઔર મુઝે પોલીસ કી ઝંઝટ મેં નહીં પડના. પોલીસ સે દુશ્મની કર કે ભી ક્યા ફાયદા? મેરા મરદ તો આને વાલા નહીં હૈ.” આદેશ ત્યાંથી નીકળી ગયો. તે જતો હતો ત્યાં એક યુવક આવ્યો. તેણે ધીમા અવાજે કંઈક વાત કરી અને તે ત્યાંથી નીકળી ગયો. આદેશ ત્યાં જ વિચારતો ઊભો રહ્યો. તેણે એક વખત પાછા વળી રઝિયાના ઘર તરફ જોયું. તે કપડાં સૂકવી રહી હતી. તેનું મન માનતું ન હતું. આવું બની શકે! પણ તેણે જે સાંભળ્યું તેનો કોઈ આધાર ન હતો.

સાંજના આઠ વાગ્યા હતા. પોતાની ઑફિસમાં બેઠેલા ડીસીપી જે. કે. વછરાજાનીએ ઇન્ટરકૉમ ઉપર ફોન કરી એસીપી રામસિંહ પરમારને બોલાવ્યા. પરમારે ચેમ્બરમાં દાખલ થતાં ‘જયહિંદ’ કહ્યું અને ખુરશીમાં બેઠા. તેમણે કૌતુક ભાવે ડીસીપી સામે જોયું. વછરાજાનીએ કહ્યું : “પરમાર, કામ બહુ ધીમું ચાલે છે, જરા ઇન્સ્પેક્ટરોને દમ મારો… બે મહિનાથી ચોરીચપાટીના કેસ સિવાય કોઈ ડિક્ટેશન પણ નથી. મિટિંગમાં પોલીસ-કમિશનર સાહેબ પણ પૂછતા હતા. પરમારની હાલત હોમવર્ક વગર સ્કૂલમાં આવેલા વિદ્યાર્થી જેવી હતી. પરમારે કહ્યું : “સર, એકાદ-બે કામ સારાં અને મોટાં છે. પાઇપલાઇનમાં છે. થઈ જશે. હું દોડાવું છું બધાને.” પરમાર પોતાની ચેમ્બરમાં પાછા આવ્યા. તેમણે પોતાના રાઇટરને સૂચના આપી કે રોલકૉલ રાખો, પોલીસમાં રોલકૉલનો અર્થ એવો થાય કે ઉપરી-અધિકારી પોતાના તાબાના અધિકારી અને સ્ટાફને બ્રીફિંગ આપવા અથવા કોઈ સૂચના આપવા એકત્ર કરે તેને રોલકૉલ કહેવાય.

- Advertisement -

જે. કે. વછરાજાની પોતાની ચેમ્બરની બહાર નીકળ્યા. તેમની કારનું એસી અડધા કલાક પહેલાંથી ચાલુ હતું. ડ્રાઇવર કાર ચાલુ રાખી ડ્રાઇવર-સીટ તરફ બહાર ઊભો હતો, ઑપરેટર ડાબી તરફ દરવાજા પાસે વચ્ચેનો દરવાજો ડીસીપી માટે ખુલ્લો રાખી ઊભો હતો અને કમાન્ડો પાછળની તરફ હતા. વછરાજાની જઈ રહ્યા છે તેવી ખબર પડતાં પરમાર પોતાની ચેમ્બરની બહાર આવ્યા અને સલામ કરતાં કહ્યું : “સર, રોલકૉલ માટે કહી દીધું છે.” વછરાજાની માત્ર માથું હલાવી કારની અંદર બેઠા. ઑપરેટરે દરવાજો બંધ કર્યો. ડ્રાઇવર, ઑપરેટર અને કમાન્ડો પ્રોટોકૉલ પ્રમાણે સલામ કરી કારમાં બેઠા. જ્યાં સુધી ઉપરી-અમલદાર કારમાં બેસે નહીં ત્યાં સુધી ફોર્સના જવાનો કારમાં સલામ કર્યા વગર બેસતા નથી. તેમની કાર બહાર નીકળી ખમાસા, મિરઝાપુર થઈ શાહીબાગ પોલીસ-કમિશનરની ઑફિસ તરફ દોડી રહી હતી. વછરાજાની રસ્તા ઉપર જોઈ રહ્યા હતા, ત્યારે તેમના મનમાં એકસાથે અનેક વિચારો દોડી રહ્યા હતા. કમિશનર તરીકે રાજન પુંડરિકની નિયુક્તિ થઈ ત્યારે વછરાજાનીને થોડી ચિંતા થઈ હતી, કારણ કે કમિશનર પુંડરિક પ્રામાણિક અધિકારી હતા. તેઓ માત્ર ઇન્ડિયન પિનલ કોડ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ પ્રમાણે જ કામ કરવા ટેવાયેલા હતા, તેમની નિવૃત્તિના બે વર્ષ પહેલાં જ તેઓ અમદાવાદ પોલીસ-કમિશનર તરીકે નિયુક્ત થયા હતા. જ્યારે પુંડરિકની કમિશનર તરીકે નિયુક્તિ થઈ, તે જ દિવસે વછરાજાનીએ મંત્રી અમર ઠાકોરને ફોન કરી પુંડરિકની નિયુક્તિ અંગેના પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે મંત્રી ઠાકોરે આશ્વાસન આપતાં કહ્યું : “સીએમ સાહેબે તેમની સાથે કેટલીક સ્પષ્ટતાઓ પછી, તેમને કમિશનર બનાવ્યા છે. લાંબા સમયથી આઇબીમાં પડ્યા હતા. રિટાયર થવાની પહેલાં તેમને બહાર કાઢવામાં આવે તેવી તેમની વિનંતી હતી. કોઈ ચિંતાનું કારણ નથી. તેમનો બાકીનો સમય માનમોભો મળી રહે અને તમારા કામમાં કોઈ દખલ કરશે નહીં તેવી તેમને સૂચના આપી દેવામાં આવી હતી.

હોદ્દાની રુએ તો પોલીસ-કમિશનર રાજન પુંડરિક ડીસીપી વછરાજાનીના સિનિયર હતા. પરંતુ કોઈ ઘટનામાં કન્ફ્યૂઝન ઊભું થાય તો તે વછરાજાનીની જ સલાહ લેતા હતા. કમિશનર-ઑફિસ આવતાં ડ્રાઇવરે કાર ધીમી પાડી. તરત વછરાજાનીએ સૂચના આપી : “અહીંયાં નહીં; આઇબીની ઑફિસ ઉપર લઈ લે.” બ્રેક થયેલી કારનું ફરી એક્સિલરેટર અપાયું અને કાર પોલીસ-કમિશનર કચેરીને ક્રૉસ કરી નગરવાલા પોલીસ-સ્ટેડિયમ તરફ આગળ વધી. પોલીસ-સ્ટેડિયમની બરાબર સામે એક જૂનું પુરાણું મકાન આવેલું. બહુ ઓછા લોકોને તેની ખબર હતી. કોઈ પણ સરકારી બોર્ડ વગરની ઑફિસ હતી. આ ઑફિસમાં ભારતની અત્યંત મહત્ત્વની ગુપ્તચર સેવાના અધિકારીઓ બેસે છે, જેને સરકારી કાગળ ઉપર સબ્સિડિયરી ઇન્ટેલિજન્સ બ્યૂરો તરીકે ઓળખવામાં આવે છે. ડીસીપી વછરાજાની કારમાંથી નીચે ઊતર્યા. તેમણે સ્ટાફને સૂચના આપી કે પાળી ચેન્જ કરવી હોય તો કરી લો. હું ફોન કરું પછી ગાડી મોકલજો. પોલીસના વાહનો ઉપર ફરજ બજાવતા સ્ટાફની નોકરી આઠ વાગે પૂરી થતી હતી. તેમના સ્થાને બીજો સ્ટાફ આવવાનો હતો. કાર રવાના થઈ અને વછરાજાની ઑફિસમાં દાખલ થયા. મોટા ભાગનો સ્ટાફ જતો રહ્યો હતો. વછરાજાનીને જોતાં પટાવાળાએ સલામ કરી, એટલે તેમણે તેને જ પૂછ્યું : “ઘોષ સાહેબ છે ને?” પટાવાળાએ હા પાડી, અને તે પોતે જ વછરાજાની સાહેબની આગળ ચાલવા લાગ્યો. ઘોષ સાહેબની ચેમ્બર આવતાં તે પોતે દરવાજો ખોલી ઊભો રહ્યો.

વછરાજાની ચેમ્બરમાં દાખલ થયા ત્યારે આશરે પચાસ વર્ષની વયની એક વ્યક્તિ ફાઈલોના ઢગલા વચ્ચે બેસી કંઈક નોટિંગ કરી રહી હતી. લાકડાના દરવાજાનો કિચૂડ-કિચૂડ અવાજ આવતાં, ઘોષે ફાઈલમાંથી મોઢું બહાર કાઢ્યું અને વછરાજાનીને જોતાં જ કહ્યું : “અરે સા’બ, અભી તો હમ આપકો ટીવી મેં દેખતે હૈં ઔર અખબારોં મેં પઢતે હૈં.” વછરાજાનીએ સંકોચ સાથે કહ્યું : “અરે સા’બ શરમિંદા ક્યોં કરતે હો? આપ નહીં હોતે તો અખબારોં મેં હમારી સ્ટોરી કહાં સે આતી?” પછી તેમની વચ્ચે રાજ્ય અને દેશની વાતો થઈ. વછરાજાનીએ કહ્યું : “હમારે મુખ્યમંત્રી સા’બ ભી આપકી બહુત તારીફ કરતે હૈં. વો માનતે હૈં આપ કે જૈસે ઑફિસર કે કારણ હમારા દેશ ચલતા હૈ.” ઘોષે કહ્યું : “અરે, વો તો આપ કે ચીફ મિનિસ્ટર સા’બ કા બડપન્ન હૈ. હમ ઔર વો બહુત પુરાને મિત્ર રહે હૈં. હમારા પોસ્ટિંગ બિહાર મેં થા. ચીફ મિનિસ્ટર સા’બ એક કાર્યકર કે તૌર પે બિહાર આતે થે.”

- Advertisement -

વછરાજાની વાત કરી રહ્યા હતા, ત્યાં તેમની ઉપર કોઈનો ફોન આવ્યો. તેમણે તેને કહ્યું : “અંદર આવી જા.” એક વ્યક્તિ અંદર આવી. તેણે બંને અધિકારીઓને સલામ કરતાં અંદાજ આવ્યો કે તે પોલીસવાળો હતો. તેણે વછરાજાનીની બાજુમાં એક થેલી મૂકી અને તે બહાર જતી રહી. વછરાજાનીએ તરત ઘોષના પટાવાળાને બૂમ પાડી. તે તરત એક ખાલી ગ્લાસ અને પાણીની ઠંડી બૉટલ લઈ આવ્યો. પટાવાળો જૂનો હતો. તે ઘણી બધી વાતો બોલ્યા વગર સમજી જતો હતો. વછરાજાનીએ ટેબલ ઉપર ગ્લાસની બાજુમાં એક બ્લૅક-લેબલ બૉટલ કાઢીને મૂકી. તે જોતાં ઘોષ બાબુના મોઢામાં પાણી આવી ગયું હતું, પણ તેમણે વછરાજાનીને કહ્યું : “ડીસીપી સા’બ, જબ તક હમારા પોસ્ટિંગ ગુજરાત મેં નહીં થા, તબ તક હમ ઇતના નહીં લેતે થે. આપને હમેં ડ્રાય સ્ટેટ મેં પિયક્કડ બના દિયા.” “અરે સા’બ, આપકી સેવા હમારા સૌભાગ્ય હૈ.” તેમ કહી વછરાજાનીએ બાટલી ખોલી ઘોષ માટેનો લાર્જ પૅગ ભર્યો, જોકે વછરાજાની પીતા ન હતા પણ તેમને દારૂ પીતા લોકોને જોવાની મજા પડતી હતી.

એક પછી એક પૅગ જતા ગયા. ઘોષની જીભ પણ ભારે થવા લાગી હતી. ક્યારેક તો ઘોષને પણ ખબર પડતી ન હતી કે શું વાત કરી રહ્યા છે, દરમિયાનમાં વછરાજાનીનો પોલીસવાળો ફિશ લઈ આવ્યો. તેમને તો માછલી મળતાં મજા પડી. ઘોષે જ્યાં જ્યાં ફરજ બજાવી હતી, તેની વાતો કરતા હતા. હવે તો મોટા ભાગે વછરાજાનીએ ઘોષબાબુને સાંભળવાના જ હતા. વછરાજાની જે કામ માટે આવ્યા હતા, તેની ઉપર આવતાં કહ્યું : “ઘોષ સા’બ, દો મહિને કે બાદ રથયાત્રા આ રહી હૈ. કઈ દિનોં સે કોઈ કામ હુવા નહીં હૈ, આપકી મદદ મિલ જાય તો નોકરી બચ જાયેંગી.” વછરાજાની આવાં તમામ કામ ઘોષને દારૂ પિવડાવ્યા બાદ જ કહેતા હતા. વાત સાંભળતાં જ ઘોષને જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય તેમ તેમણે તરત પેપર-નૅપ્કિનથી હાથ લૂછી નાખ્યા અને ફાઈલોની વચ્ચે પડેલી એક ફાઈલ કાઢી. તેની ઉપર નજર કરી અને કહ્યું : “જાવ, આપકા કામ હો જાયેગા.” વછરાજાનીના ચહેરા ઉપર ચમક આવી. ઘોષે સ્પષ્ટતા કરતાં કહ્યું : “હમારે જમ્મુ-કાશ્મીર યુનિટને લડકે પકડે હૈં. કલ હી બાત કર લેતા હૂં.”

ઘોષ લગભગ પોણી બાટલી પી ગયા હતા. વછરાજાનીએ પોતાની કાર મંગાવી લીધી અને તેમણે ઘોષને કહ્યું : “સર, મૈં આપ કો ઘર છોડ દૂંગા.” પહેલાં ઘોષે અનાકાની કરી પણ પછી તૈયાર થઈ ગયા. પટાવાળાને સૂચના આપી, તે વછરાજાનીની કારમાં ઘરે જવા રવાના થયા ત્યારે રાતના એક વાગી ગયો હતો. આર. જે. ઘોષ ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં ગુજરાતના જૉઇન્ટ ડાઇરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. રાજ્યમાં ડુંગળી-બટાટાના ભાવથી લઈ ત્રાસવાદી પ્રવૃત્તિઓ સુધીની માહિતી એકત્ર કરવાનું કામ તેમના વિભાગનું હતું. આમ તો તેમની ફરજમાં આવતાં કામ સિવાયનાં કામ તેઓ વધારે કરે છે. ગુજરાત સરકારના ખાસ કરી પોલીસ-અધિકારીઓ તેમનાથી વિશેષ ડરતા હતા. કારણ કે તેમની અનેક પોલ જાણવા છતાં તેઓ પોતાનું મોઢું બંધ રાખતા હતા. જોકે મોઢું બંધ રાખવાનું મહેનતાણું જેવી રીતે જોઈએ તેવી રીતે મળી પણ રહેતું હતું. બે વર્ષ પહેલાં ઘોષની દીકરીનાં દિલ્હીમાં લગ્ન હતાં ત્યારે મંત્રી અમર ઠાકોરે જ દિલ્હીના ગુજરાત ભવનમાં બસો વ્યક્તિઓની તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપી હતી.

- Advertisement -

ઇન્ટેલિજન્સ બ્યૂરોની વિશાળ સત્તાઓને કારણે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના નામે ધારે તેમના ફોન ઑબ્ઝર્વેશનમાં મૂકતા હતા, તેના કારણે ઘણી વખત નહીં સાંભળવાની વાતો પણ તેમને સાંભળવા મળી જતી હતી. ડીસીપી જે. કે. વછરાજાનીને આ બધી જ વાતોની ખબર હતી. આમ તો ઘોષ અને વછરાજાની એક જ માળાના મણકા હતા. વિભાગો અલગ હોવા છતાં બંને એક નાવમાં મુસાફરી કરતા હતા. અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચે કરેલા છમાંથી પાંચ ઍન્કાઉન્ટરોમાં ઘોષની ભૂમિકા મહત્ત્વની હતી, તમામ ઍન્કાઉન્ટરોની સ્ક્રિપ્ટ એક સરખી હતી. બધા જ લશ્કર-એ-તોઇબાના આતંકવાદી હતા અને બધા જ મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતા સહિત દેશી જનતા પાર્ટીમાં નેતાઓને મારવા આવ્યા હતા.

જોકે અબ્દુલ મજીદ પઠાણના છેલ્લા ઍન્કાઉન્ટરને બાદ કરતાં પોલીસે મારી નાખેલી પાંચે વ્યક્તિ કોણ હતી? ક્યાંથી આવી હતી? તેની ઘોષને બાદ કરતા કોઈને ખબર ન હતી. આ બધી કામગીરીને કારણે ઘોષનો દબદબો હતો. માત્ર મુખ્યમંત્રી જ નહીં, દિલ્હીમાં દેશી જનતા પાર્ટીના વિરોધી આક્રોશ પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ પણ ઘોષને કોઈ પણ કારણસર માન આપતા હતા. આક્રોશ પાર્ટીના નેતાઓ ગુજરાત આવે ત્યારે તેમની અને ઘોષ વચ્ચે મિટિંગો થતી હતી. વછરાજાનીને ઘોષની આ કળા જ સમજાતી ન હતી, તે બંને રાષ્ટ્રીય પાર્ટીને કઈ રીતે રમાડતા હતા… કદાચ તે જ તેમનું સિક્રેટ હતું.
(ક્રમશ:)

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular