Bajrang Dal activists beat up girls in Ahmedabad : વેલેન્ટાઈન ડે અને નવરાત્રી પર હિન્દુત્વના બચાવવા નીકળી પડતા બજરંગદળના કાર્યકરો અનેક વખત કાયદો હાથમાં લઈ ચૂક્યાં છે અને આ વખતે પણ અમદાવાદમાં આવી જ એક ઘટના ઘટી છે. આ વખતે પાકિસ્તાની સામાજિક કાર્યકર મલાલા યુસૂફઝઈ (Malala Yousafzai) ના પુસ્તકને લઈને વિવાદ વકર્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર ગાર્ડનમાં ‘I M Malala‘ સહિતના પુસ્તક વાંચવા એકઠા થયેલા યુવક-યુવતીઓનો વિરોધ કરી બજરંગદળના કાર્યકરોએ માર માર્યો હતો. ભગવા રંગના ખેસ પહેરીને આવેલા શખસોના ટોળાએ એક યુવતીના માથાના વાળ ખેંચ્યા હતા અને બીજી યુવતીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur Police Station) માં 6 કલાકના વિલંબ બાદ રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે.
મલાલાના પુસ્તકના વિરોધ બાદ મારામારી
વસ્ત્રાપુર ગાર્ડન ખાતે ગુરૂવારે સાંજે છએક વાગે પુસ્તકોનું વાંચન કરવા જયકુમાર ઠક્કર સહિતના યુવક-યુવતીઓ એકઠાં થયા હતા. આ સમયે બજરંગદળના કાર્યકર હિરેન રબારી, જીમીત રબારી સહિત વીસેક શખસોનું ટોળું આવ્યું હતું અને મલાલાનું પુસ્તક વાંચવાને લઈને વિરોધ કર્યો હતો. બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી ચર્ચા દરમિયાન કેટલાંક કાર્યકરોએ હુમલો કરી દીધો હતો. સ્નેહ ભાવસાર, સાવન જાલરીયા અને શશીકુમારને હુમલામાં ઈજા થઈ હતી. સ્વાતિબહેન ગોસ્વામીના માથાના વાળ ખેંચી તથા મૈત્રેયી છાયાને હુમલાખોરોએ ગડદાપાટુનો માર મારી ધમકી આપી હતી.
ઘટનાના કલાકો બાદ મધરાતે ફરિયાદ
મલાલાના પુસ્તકને લઈને થયેલા હુમલાનો મેસેજ મળતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, બજરંગદળના કાર્યકરોએ પોલીસની હાજરીમાં એક યુવાનનો પીછો કરીને લોકોના ટોળાની વચ્ચે માર માર્યો હતો. એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે. હુમલાખોરોએ મચાવેલા આતંક બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ જી.એમ. ચૌધરી (G M Chaudhari PI)એ ભોગ બનનારાઓની ફરિયાદ લેવામાં કલાકો કાઢ્યા હતા. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદમાં બજરંગદળના નામનો ઉલ્લેખ કરવાનું પોલીસે ટાળ્યું હોવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો છે.








