પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-14): Nadaan Series ગોપાલ અને સલીમ બે દિવસ સુધી પોલીસ રિમાન્ડ હેઠળ હતા. જોકે હવે પી.એસ.આઈ. ચૌધરી તેમની પુછપરછ કરે તેવી કોઈ માહિતી બાકી રહી નહોતી. ગોપાલ અને સલીમે પોતાના બધા જ પત્તા ખોલી નાખ્યા હતા. પરંતું નિયમ પ્રમાણે પોલીસે રિમાન્ડ માગવા પડે એટલે જ રિમાન્ડ માગ્યા હતા.
સલીમને કારણે પી.એસ.આઈ. ચૌધરીએ પોતાના સ્ટાફને સૂચના આપી હતી કે, સલીમ અને ગોપાલને લોકઅપમાં મૂકવાને બદલે ડી સ્ટાફની ઑફિસમાં જ રાખવા. અને થયું પણ તેવું જ. ગોપાલને સમજાતું નહોતું કે, પોલીસનો વ્યવહાર આટલો સારો કેમ થઈ ગયો! પણ આ બધી કમાલ સલીમની હતી.
ગોપાલના મનમાં રહેલા અફસોસને સલીમે દૂર કરી દીધો હતો. પણ ગોપાલના મનમાં હજુ અનેક પ્રશ્ન હતા. જેમ કે, રિમાન્ડ પુરા થયા પછી શું થશે? વગેરે… સલીમે તેને સમજાવ્યો હતો કે, “જો ભાઈ, આપણે જે કર્યું તેમાં તું સફળ થયો હોત તો જેકપોટ લાગવાનો હતો. પણ કદાચ કુદરતે કંઈક જુદી જ યોજના બનાવી હશે.”
ગોપાલ તેની સામે જોતો રહ્યો. ગોપાલને બધું ઉપરથી જ જઈ રહ્યું હતું. ગોપાલે પૂછ્યું, “જુદી યોજના એટલે?”
સલીમ હસવા લાગ્યો. તે બંને ડી સ્ટાફની ઑફિસમાં બેઠા હતા. સલીમે આજુબાજુ જોયું અને પોતાનું મોઢું ગોપાલના કાન પાસે લાવીને કહ્યું, “હવે થોડા દિવસ જેલયાત્રાના ગ્રહો છે.”
ગોપાલને રીતસર કંપારી છૂટી ગઈ! કારણ કે તેના મનમાં એવું હતું કે, એક વખત પોલીસ કેસ થયો એટલે હવે પોલીસ આપણને છોડી દેશે. તેણે પૂછ્યું, “જેલમાં જવું પડશે?”
સલીમે હકારમાં માથું હલાવ્યું. તેના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું, “હવે તારે પોતાને સાચવવો પડશે.”
સલીમે જોયું તો ગોપાલના ચહેરા પર ડર છવાઈ ગયો હતો. તેણે એનો હાથ પકડીને કહ્યું, “ડરીશ નહીં. જેલમાં પણ હું તારી સાથે જ છું.”
કોર્ટમાં જતા પહેલાં દાદા ગોપાલ અને સલીમ પાસે આવ્યા. દાદાએ કહ્યું, “તમને કોર્ટમાં રજૂ કરવાના છે. તમારાં ઘરે કોઈ મેસેજ આપવાનો હોય તો આપી દો.”
ગોપાલ કંઈ સમજ્યો નહીં. તેણે સલીમ સામે જોયું. સલીમે દાદાને કહ્યું, “જી દાદા. એક ફોન કરવો છે. ગોપાલના ઘરે.”
ગોપાલને સમજાયું નહીં. દાદાએ પોતાનો મોબાઈલ ફોન કાઢીને સલીમના હાથમાં મૂક્યો. સલીમે ફોન ડાયલ કરતા પહેલાં પૂછ્યું, “તારા પપ્પાનો નંબર બોલ.”
ગોપાલ વિચારવા લાગ્યો કે, પપ્પા સાથે શું વાત કરવી હશે? સલીમ તેનો ચહેરો જોઈને સમજી ગયો. સલીમે કહ્યું, “અરે જેલમાં જવાનું છે. તારા માટે જરૂરી કપડાં, બ્રશ વગેરે મગાવવાનું છે.”
આ સાંભળી દાદાના ચહેરા પર સ્મિત આવ્યું. તેઓ સમજી ગયા કે, સલીમ તો જૂનો મુસાફર છે. તેને જેલમાં જવાની આદત હોવાને કારણે, ત્યાં જેની જરૂર પડશે તેની તેને ખબર હતી.
ગોપાલે તરત કહ્યું, “પપ્પાને નહીં. નિશીને ફોન કર. તેણે નિશીનો નંબર આપ્યો.”
સલીમે ફોન જોડ્યો અને નિશીને આગળની પ્રોસિઝર સમજાવી. પછી ગોપાલ માટે જરૂરી સામાન લઈને કોર્ટમાં આવવાની સૂચના આપી.
બપોર થતા દાદા પાછા આવ્યા. તેમણે સલીમને ઇશારો કર્યો. તે સમજી ગયો. સલીમ ઊભો થયો પણ ગોપાલ હજી જમીન પર જ બેઠો હતો. સલીમે તેને કહ્યું, “ભાઈ ચલો, ઉઠો, હવે જવાનો સમય થયો છે.”
ગોપાલ ઊભો તો થયો પણ તેનો ચહેરો અસ્વસ્થ હતો. કારણ કે કોર્ટમાં ફરીથી મમ્મી, પપ્પા અને નિશી મળવાના હતાં. ત્યારે શું વાત કરીશ! તેની ચિંતા હતી. ખાસ કરીને પપ્પાની ચિંતા થતી હતી. કારણ કે પપ્પાએ હજી સુધી તેની સાથે એકપણ વખત વાત કરી નહોતી. કદાચ પપ્પા હજી ગુસ્સામાં હતા. કદાચ ગુસ્સા કરતાં પણ વધારે તેમને દુઃખ થયું હશે!
સલીમ અને ગોપાલ પોલીસની ગાડીમાં ગોઠવાઈ ગયા. પોલીસ તેમને કોર્ટમાં લઈ આવી. તેઓ આરોપીને બેસાડે તે બાકડા પર બેઠા હતા. ગોપાલની નજર કોર્ટમાં ચારે તરફ ફરી રહી હતી. મમ્મી, પપ્પા કે નિશી; કોઈ નજરે પડતાં નહોતાં. ગોપાલને પ્રશ્ન થયો કે, કેમ આવ્યા નહીં હોય! થોડીવાર થઈ. ગોપાલનું ધ્યાન દરવાજા તરફ ગયું. પપ્પા દરવાજામાં ઊભા હતા. તેમની આંખો પણ ગોપાલને શોધી રહી હતી. એક વખત તો ગોપાલને થયું કે “પપ્પા…” કહીને બૂમ પાડે. પણ તેની હિંમત થઈ નહીં.
જેવી પપ્પાની નજર તેની તરફ ફરી, ગોપાલના ધબકારા વધી ગયા! કારણ કે પપ્પા હજી દુઃખી અને ગુસ્સામાં છે. તેવું તેમનો ચહેરો કહેતો હતો. સલીમ આ બધું જોઈ રહ્યો હતો. તેણે ગોપાલના પગ ઉપર હાથ મૂક્યો. જાણે એ ગોપાલને હિંમત આપી રહ્યો હતો!
ગોપાલના પપ્પા તેમની તરફ આવ્યા. એમના એક હાથમાં કાપડનો થેલો અને બીજા હાથમાં પ્લાસ્ટિકની થેલી હતી. તે પાસે આવ્યા. ગોપાલ સામે જોયું પણ નહીં. તેમણે સલીમ સામે જોતાં કહ્યું, “આ કપડાં છે.”
તેમ કહી તેમણે કાપડનો થેલો સલીમ પાસે મૂક્યો અને તરત જ પાછા વળ્યા. લગભગ ત્રણ ડગલાં ચાલીને, જાણે કંઈક યાદ આવ્યું હોય તેમ રોકાયા. તેમના હાથમાં જે પ્લાસ્ટિકની થેલી હતી, તેની તરફ જોયું અને પાછા ફર્યા. તે ફરીથી સલીમ પાસે આવ્યા. સલીમની બાજુમાં બાકડા પર ખાલી જગ્યા હતી, ત્યાં થેલી મૂકતા કહ્યું, “ગોપાલની મમ્મીએ એના માટે કંઈક મોકલ્યું છે.”
આટલું કહી ત્યાંથી નીકળી ગયા. ત્યાં પોલીસવાળા ઊભા હતા. તેમની નજર આ બધી ઘટનાઓ પર હતી. તેમની આંખમાં પ્રશ્ન હતો કે, થેલીમાં શું છે? કારણ કે કાપડના થેલામાં તો કપડાં હશે. તેનો અંદાજ હતો, પણ પ્લાસ્ટિકની થેલીમાં શું હશે, તેની ખબર નહોતી. પપ્પા જતા રહ્યા એટલે સલીમે તરત થેલી ખોલીને જોયું. ખાતરી કરવા થેલી નાક પાસે લાવીને સુંઘી. પછી પોલીસ સામે જોતા કહ્યું, “સુખડી છે સાહેબ.”
પોલીસના ચહેરા પર નિરાંતનો ભાવ આવ્યો. સલીમે જોયું તો ગોપાલનો ચહેરો પડી ગયેલો હતો. સુખડી ગોપાલની પ્રિય વાનગી હતી. જમ્યા પછી તેને સુખડી ખાવાની આદત હતી એટલે કદાચ મમ્મીએ સુખડી મોકલી હશે. પણ આ સુખડી કેટલાં દિવસ ચાલશે!
ગોપાલની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે પોતાના શર્ટની બાંયથી આંખો સાફ કરી. એટલામાં જ બપોરની રિસેસ પૂરી થઈ અને કોર્ટ શરૂ થઈ. મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થતાં જ કોર્ટમાં હાજર લોકો ઊભા થયા. મેજિસ્ટ્રેટ દ્વારા એક પછી કેસની સુનવણી શરૂ કરવામાં આવી.
ગોપાલ અને સલીમનો કેસ બોર્ડ પર આવ્યો. ગોપાલ અને સલીમ તેમની જગ્યાએ ઊભા થયા. દાદાએ સરકારી વકીલને કેસના કાગળો આપ્યા. મેજિસ્ટ્રેટે કાગળો જોયા અને ગોપાલ, સલીમ સામે જોતાં પૂછ્યું, “કંઈ કહેવાનું છે?”
સલીમે તરત જવાબ આપ્યો, “ના સાહેબ.”
મેજિસ્ટ્રેટે કહ્યું, “જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરું છું.”
ગોપાલને કંઈ સમજાયું નહીં. તેણે સલીમે સામે જોયું. સલીમે ધીમા અવાજે કહ્યું, “જેલમાં મોકલવાની વાત છે.”
અડધો કલાક પછી કોર્ટના ક્લાર્કે દાદાને કેટલાક કાગળો આપ્યા. દાદાએ એ કાગળો લઈને પોતાના સ્ટાફને ઇશારો કર્યો. પોલીસવાળા સલીમ અને ગોપાલને લઈ કોર્ટની બહાર નીકળ્યા. ગોપાલ પપ્પાને શોધી રહ્યો હતો, પણ પપ્પા ક્યાંય નહોતા!
પોલીસનાં વાહનમાં બેસાડી તેમને જેલમાં મૂકવા જવા ગાડી બહાર નીકળી. ગોપાલનું ધ્યાન પડ્યું કે, એના પપ્પા કોર્ટ કેમ્પસમાં આવેલા બાકડા પર એકલા બેઠા હતા. ગોપાલે પોતાની નજર ફેરવી લીધી.
થોડીવાર માટે ગોપાલનું મગજ વિચારોમાં દોડવા લાગ્યું. આ તરફ પોલીસની ગાડી પણ ઝડપભેર રસ્તો પસાર કરવા લાગી. પોલીસની ગાડી એકદમ અટકી. ગોપાલે બહાર જોયું તો, સામે વાદળી અને પીળા રંગનો મોટો લોખંડનો દરવાજો હતો. દરવાજાની છેક ઉપરની તરફ બોર્ડ હતું, ‘પાલનપુર જિલ્લા જેલ’ પાલનપુરના નવાબે બનાવેલી આ જેલ હતી. ત્યારે લગભગ સાંજના છ વાગી રહ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








