નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : અમેરિકાએ ભારત (US India) ને મોટો ઝટકો આપ્યો છે. ઈરાન અને રશિયા પાસેથી ઑઈલની આયાત બંધ થવાથી હવે ભારત (Iran Russia Oil and India) ને ખાડીના અન્ય દેશો અથવા અમેરિકાના બજાર પર નિર્ભર રહેવું પડશે. જે ભારતને મોંઘું પડશે. આ સ્થિતિના કારણે પૂરવઠો ઘટવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.
અમેરિકા અને ઈરાન યુદ્ધ સમયે ઉભી થયેલી ઈંધણની અછતને પહોંચી વળવા રશિયન ઑઈલની ખરીદી (Purchase of Russian Oil) પર અમેરિકાએ આપેલી છૂટછાટની મર્યાદા પાંચેક દિવસ અગાઉ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે 15 એપ્રિલના જાહેરાત કરી છે કે, રશિયન અને ઈરાની ઓઈલની ખરીદી માટે અપાયેલી પ્રતિબંધોની છૂટછાટની સમયમર્યાદા હવે લંબાવવામાં આવશે નહીં.
ભારત આ છૂટછાટનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે. અહેવાલો અનુસાર છૂટ મળ્યા બાદ ભારતે રશિયા પાસેથી લગભગ 3 કરોડ બેરલ ઓઈલના ઓર્ડર આપ્યા હતા. રિલાયન્સ જેવી ભારતીય રિફાઇનરી (Reliance Refinery) ઓએ અગાઉ પ્રતિબંધોને કારણે રશિયન સપ્લાયર્સથી અંતર જાળવ્યું હતું, પરંતુ છૂટ બાદ ફરીથી ખરીદી શરૂ કરી હતી. રશિયા માટેની છૂટ 11 એપ્રિલ 2026ના રોજ સમાપ્ત થઈ છે, જ્યારે ઈરાન માટેની આ છૂટ આગામી 19 એપ્રિલના રોજ સમાપ્ત થશે.








