Monday, October 19, 2026
HomeGujaratAhmedabadપોલીસની આ હતી સ્ટાઈલ, આરોપીઓની પૂછપરછમાં વપરાતી...

પોલીસની આ હતી સ્ટાઈલ, આરોપીઓની પૂછપરછમાં વપરાતી…

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-10):  Nadaan Series : સલીમ લોકઅપમાં રહેલા આરોપીઓ સામે એટલા આત્મ વિશ્વાસથી ખોટું બોલ્યો કે, તેની સાથે રહેલા આરોપીઓ ડરી ગયા. તેઓ માનવા લાગ્યા કે, આ ભાઈ તો આપણા કરતાં પણ મોટો ગુંડો છે. સલીમ લોકઅપમાં ચુપચાપ બેઠો હતો. તેના માટે આ સફર કંઈ નવી નહોતી, પણ તેના મનમાં સતત ગોપાલનો જ વિચાર આવી રહ્યો હતો. તેને ગોપાલ સાથે વિશેષ લાગણી હતી. તે ગોપાલના આખા પરિવારથી પરિચિત હતો. નિશી અને ગોપાલનાં લગ્ન થયાં ત્યારે તેણે બધા મિત્રોને પોતાના ખર્ચે પાર્ટી આપી હતી.

સલીમને વિચાર આવી રહ્યો હતો કે, ગોપાલે તેની જિંદગીમાં ક્યારેય પોલીસ સ્ટેશન જોયું નથી. ગોપાલનાં મમ્મી-પપ્પા અને નિશીને જો ખબર પડશે કે, ગોપાલ પોલીસ સ્ટેશનમાં છે તો કેટલો આઘાત લાગશે! સલીમ પોતાના વિચારમાં હતો; ત્યારે લોકઅપમાં તેની સાથે રહેલા એક આરોપીનો અવાજ તેના કાને પડ્યો, “ભાઈ…”

- Advertisement -



સલીમે તેની સામે જોયું. એના હાથમાં પાણીની બોટલ હતી તે એણે સલીમ તરફ ધરી હતી. સલીમે તેના હાથમાંથી પાણીની બોટલ લીધી અને બે-ચાર ઘૂંટડા મારીને પાછી આપી.

બીજી તરફ એમ.ઓ.બી.ની ઑફિસમાં બેઠેલા ગોપાલની માનસિક સ્થિતિ બહુ વિચિત્ર હતી. તેના મનમાં સતત રંજ હતો કે, તેના કારણે સલીમ ફસાઈ ગયો. તેણે જે કામ કર્યું તેમાં સલીમની કોઈ ભૂમિકા નથી.

- Advertisement -


સલીમ વિચારમાં હતો એવામાં લોકઅપનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. સલીમે દરવાજા તરફ જોયું. એક ખાનગી કપડામાં પોલીસવાળો ઊભો હતો. તેણે બધા આરોપીઓ તરફ નજર ફેરવતા પૂછ્યું, “સલીમ કોણ છે?”

- Advertisement -

સલીમ તરત ઊભો થયો. તેણે સલીમની કમર પરથી પેન્ટથી તેને પકડ્યો અને લોકઅપની બહાર કાઢ્યો. ડ્રેસમાં રહેલા પોલીસે ફરી લોક માર્યું. તે તેને પોલીસ સ્ટેશનની બહાર લઈ ગયો. સલીમને જે રીતે પોલીસે પકડ્યો હતો, તે ગમ્યું નહીં. તેણે કહ્યું, “સા’બ, ભાગુંગા નહીં.”



પોલીસવાળાના મોંમાંથી એક ગાળ નીકળી. તેણે જે હાથે પકડ્યો હતો તે જ હાથથી જોરથી ઝટકો આપતા કહ્યું, “મિયાંઓ, તમારી ઉપર કોઈ ભરોસો જ ન થાય.”

સલીમને બહુ ગુસ્સો આવ્યો. જ્યારે કોઈ તેને મિયાં કહેતું ત્યારે માઠું લાગી જતું. જોકે મિયાં શબ્દ તો તો બાળપણથી જ સાંભળતો આવ્યો હતો. આમ તો હિન્દી ભાષી પ્રદેશમાં મિયાં શબ્દ માનવાચક તરીકે ઉચ્ચારવામાં આવે છે. જ્યાં સુધી ગુજરાતનો સવાલ હતો; ત્યાં મિયાં શબ્દ તેને ગાળ જેવો લાગતો હતો. આવું અપમાન તો એ અનેક વખત ભોગવી ચૂક્યો હતો.

પોલીસવાળો તેને પોલીસ સ્ટેશનની ડાબી તરફ આવેલી સર્વેલન્સ સ્કવૉડની ઑફિસમાં લઈ આવ્યો. સલીમે જોયું, જે સાહેબે તેને દુકાનેથી પકડ્યો હતો; તે જ સાહેબ ખુરશીમાં બેઠા હતા. સલીમ પારખું હતો. તે સમજી ગયો કે, સાહેબ ડી સ્ટાફ પી.એસ.આઈ.. છે. સલીમને પોલીસની સ્ટાઇલ અને તેમના નિયમોની ખબર હતી.

સલીમ ઑફિસમાં દાખલ થતાં જ સાહેબની સામે હાથ જોડી નમસ્તે કરીને ઊભો રહ્યો. પેલા પોલીસવાળાએ હજી તેને પકડી રાખ્યો હતો. ચૌધરીએ તેની સામે જોયું એટલે તે સમજી ગયો. તેણે સલીમનું પેન્ટ છોડી દીધું અને દરવાજો બંધ કરીને ઑફિસની બહાર નીકળી ગયો. ચૌધરી શાંત હતા. તે સલીમને ઓબ્ઝર્વ કરી રહ્યા હતા. સલીમ નીચી મુંડી રાખીને ઊભો હતો.



ચૌધરીએ ઑફિસના ખૂણામાં પડેલી લાઠી ઉપાડી. લાઠીનો અવાજ થતા સલીમે ઉપર નજર કરી. તેણે જોયું કે, ચૌધરીના હાથમાં લાઠી છે. સલીમે નમસ્તેની મુદ્રામાં ફરી હાથ જોડતા કહ્યું, “સાહેબ તેની કોઈ જરૂર પડશે નહીં. તમે જે પુછશો, એ મારે બોલાવાનું છે.”

ચૌધરીને લાગ્યું કે, તે ગોપાલ કરતાં સ્માર્ટ ગુનેગાર છે. ચૌધરીના ચહેરા પર એક સ્મિત આવ્યું. જો ડંડો ચલાવ્યા વગર આરોપી બોલવા તૈયાર હોય; તો ડંડો ચલાવવાની મહેનત શું કામ કરવી? ચૌધરીએ લાઠી પાછી એની જગ્યાએ મૂકી દીધી અને ટેબલની આગળ આવ્યા. તેમણે સામે પડેલી ખુરશી સલીમ તરફ ફેરવી અને તેમાં બેસતા સલીમને નીચે બેસવાનો ઇશારો કર્યો. સલીમ પલાઠીવાળી નીચે બેસી ગયો. ચૌધરીએ ખુરશીમાં પાછળ તરફ ખસતા પૂછ્યું, “સલીમ, તારી ઉપર કેટલા કેસ છે?”


સલીમે બારીની બહાર તરફ જોઈ વિચાર કર્યો અને કહ્યું, “સાહેબ, પ્રોહિબિશનના પાંચ, ગેમલિંગના બે અને એક 332નો છે.”

332 સાંભળતા ચૌધરીના ભવાં તંગ થયા. સલીમે તરત કહ્યું, “સાહેબ, ગોમતીપુરનો પોલીસવાળો ફારૂક; હપ્તો લીધા પછી પણ દાદાગીરી કરતો હતો એટલે જરા ઊંચા અવાજે બોલાવાનું થયું હતું. ત્યારે સાહેબ ખોટી 332 લગાડી હતી.”

ચૌધરીએ પૂછ્યું, “દેશીનો ધંધો કરે છે કે ઇંગ્લિશનો?”

સલીમે કહ્યું, “અરે સાહેબ, આપણે આબરૂદાર વેપારી છીએ. દેશીનો ધંધો થોડો થાય!”

‘આબરૂદાર’ શબ્દ સાંભળી ચૌધરીના ચહેરા પર સ્મિત આવ્યું. તેમણે કહ્યું, “મિયાં, દારૂનો ધંધો કરે છે અને પાછો આબરૂદાર!”

ચૌધરી જે રીતે મિયાં બોલ્યા, તેમાં અપમાનનો ભાવ નહોતો. એટલે સલીમને સારું લાગ્યું. સલીમે કહ્યું, “અરે સાહેબ, રાજસ્થાનમાં જો કોઈ દારૂનો ધંધો કરે તો વેપારી કહેવાય અને ગુજરાતમાં અમે દારૂ વેચીએ તો બુટલેગર કહેવાઈએ!”



ચૌધરીને લાગ્યું કે, સલીમની વાતમાં દમ તો છે. ચૌધરી એકદમ ઊભા થયા અને ટેબલ ઉપર પડેલું સિગારેટનું પાકિટ ઉપાડી તેમાંથી એક સિગારેટ કાઢીને સળગાવી. અચાનક તેમને યાદ આવ્યું હોય તેમ, તેમણે સિગારેટનું પાકિટ સલીમ તરફ ધર્યું. સલીમે તરત કાનની બુટ પકડતાં કહ્યું, “તોબા તોબા સાહેબ, મુસલામ છું. કોઈ નાપાક ટેવ નથી.”

ચૌધરીએ આંખો જીણી કરી. સલીમે કહ્યું, “સા’બ દારૂ કા ધંધા કરતા હું. લેકીન આજ તક બુંદ ભી નહીં પી.”

ચૌધરી વિચારવા લાગ્યા કે, આ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. ચૌધરીએ પૂછ્યું, “ક્યાં સુધી ભણ્યો છે?”

સલીમના ચહેરા પર એક ઉદાસી આવી ગઈ. તેણે કહ્યું, “સા’બ, મેં ખૂબ પઢું, એસી મેરે અબ્બૂ કી ઇચ્છા થી. મેરે દાદા કો લકડે કા ધંધા થા. મેરે અબ્બૂ કભી સ્કૂલ નહીં ગયે. ઉન્હોને મુઝે અચ્છી સ્કૂલ મેં દાખીલા દિલવાયા થા. લેકીન સા’બ મેરે દોસ્ત મુઝે મિયાં કહેતે થે તભી ગુસ્સા આ જાતા થા. એક દિન એક લડકે ને મિયાં કહા તો પીટ દીયા. સ્કૂલને મુઝે નિકાલ દીયા. ઘર ગયા તો અબ્બૂને ફીર પીટા. તબ સે ફીર કભી સ્કૂલ નહીં ગયા. સ્કૂલ નહીં ગયા, લેકીન પૈસા તો કમાના થા. મેરે મોહલ્લે કે પાસ અયુબકા સ્ટેન્ડ ચલતા થા. બસ, દારૂ કે ધંધે મેં આ ગયા.”

થોડી ક્ષણ રૂમમાં એકદમ શાંતિ વ્યાપી ગઈ. સલીમે અચાનક પૂછ્યું, “સા’બ આપ સે મેં એક બાત પૂછું? મેં મુસલામ હું, તો ક્યા ગુનાહ હે? અભી લોગ મુઝે કહેતે હે કી, પાકિસ્તાન ચલા જા. મેં ક્યૂં જાઉં પાકિસ્તાન! મેં પેદા હુઆ ઉસ સે પહેલે પાકિસ્તાન હો ગયા થા. મેરે દાદાજાન કહેતે થે, પાર્ટિશન કે વક્ત હમને ભારત મેં રહેને કા તય કીયા થા. સા’બ પાકિસ્તાન જા નહીં શકતે ઔર હિંદુસ્તાની હમે અપના નહીં શકતે. તો અબ ક્યા કરે સા’બ?”


ચૌધરીને લાગ્યું કે, સલીમના આ પ્રશ્નનો તેમની પાસે કોઈ જ ઉત્તર નથી. સલીમ બુટલેગર હતો પણ તેની સમજ કોઈ વિદ્વાન જેવી હતી!

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

૪. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા (કિંમત રૂ. ૫૦૦)

૫. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમત રૂ. ૩૦૦)

૬. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા (કિંમત રૂ. ૩૦૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular