Student dies in vehicle accident in Ahmedabad : અમદાવાદમાં પ્રતિદિન વાહન અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાય છે. કેટલાંક કિસ્સાઓમાં તો મૃત્યુ પણ થાય છે. અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા ગીતા મંદિર વિસ્તારમાં સર્જાયેલા એક અકસ્માત (Accident in Gita Mandir area of Ahmedabad) માં ધોરણ 10નો વિદ્યાર્થી મોતને ભેટ્યો છે. રોંગ સાઈડમાં જઈ રહેલા એક્ટિવાની રિક્ષા સાથે ટક્કર થતાં સર્જાયેલા અકસ્માતમાં 15 વર્ષીય સગીરને થોડા દિવસો અગાઉ ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થતાં ટ્રાફિક પોલીસે એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
અમદાવાદના જમાલપુરમાં રહેતા અને લોન્ડ્રીનું કામ કરતા ઉમરભાઈ મેડીવાલાનો પુત્ર જેદ (ઉ. 15) ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. જેદ ગત 3 ઓગસ્ટના રોજ ખાલિદ શેખની એક્ટિવા પાછળ બેસીને સ્વિમિંગ શીખવા જઈ રહ્યો હતો. આ સમયે ગીતામંદિરથી આસ્ટોડિયા તરફ રોંગ સાઈડમાં જતી વખતે આરોગ્ય ભવનના ગેટ પાસે એક્ટિવા રિક્ષા સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર જેદ, ખાલિદ અને રિક્ષાચાલક મોઈન શેખ ત્રણેયને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં લાંબી સારવાર બાદ જેદનું મોત નિપજ્યું છે. આથી કે-ડિવિઝન ટ્રાફિક પોલીસે (K-Division Traffic Police) એક્ટિવા ચાલક ખાલિદ શેખ સામે ગુનો નોંધ્યો છે.








