Saturday, April 18, 2026
HomeGeneralમોરબીની મચ્છુએ ગુજરાતને ફરી ડરાવ્યું, ઝુલતો બ્રીજ તૂટ્યો, 500થી વધુ લોકો નદીમાં...

મોરબીની મચ્છુએ ગુજરાતને ફરી ડરાવ્યું, ઝુલતો બ્રીજ તૂટ્યો, 500થી વધુ લોકો નદીમાં ખાબક્યા, 35ના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીમાં ઝુલતો પુલ તૂટી જતા મોટી દુર્ઘટના થવા પામી છે. જોકે હજુ જાન હાનીની વિગતો સામે આવી નથી. કારણ કે ઘટનામાં હજુ રાહત કાર્યો ચાલુ છે. મચ્છુ નદી પર બનાવાયેલો આ ઝુલતો પુલ અચાનક આજે રવિવારે સાંજે તૂટી પડતા મોટી સંખ્યામાં લોકો પાણીમાં ખાબક્યા છે. આ ઘટનામાં લગભગ 500 જેટલા લોકો પાણીમાં ખાબક્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં 35 વ્યક્તિના જીવ ગયાની વિગતો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પુલ માત્ર હજુ ત્રણ જ દિવસ પહેલા લોકો માટે ખુલ્લો મુકાયો હતો.

પુલના સમારકામની ક્વોલિટી પર શંકા ઉપજાવે તેવી ભયંકર ઘટના સામે આવી રહી છે જોકે હાલ કોઈને દોષ દેવાનો સમય તો નથી પરંતુ હાલ તો આ ઘટનામાં કોઈના જીવ કે કોઈને પોતાના પરિજનો ગુમાવવા ન પડે તેવી જ પ્રાથના કરવી રહી. કારણ કે મોરબીના મચ્છુ નદી પર આવેલો વિશ્વકક્ષાનો ઝુલતો પુલ ફક્ત સાત મહિના પહેલા જ રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો. જેતે સમયે તેના રિપેરિંગ પાછળ 2 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે પછી બેસતાવર્ષે જ તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તરોમાં પણ આ પુલને લઈને ત્યાં માહોલ માણવા ગયા હતા.

- Advertisement -

હાલ આ લખાય છે ત્યાં સુધી અપડેટ મળી રહ્યા છે કે 35 વ્યક્તિની લાશ બહાર કાઢવામાં આવી છે જોકે તેઓ કોણ છે તે સહિતની વિગતો હજુ ખબર પડી રહી નથી. મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 35થી વધુના મોતની આશંકા સેવાઇ રહીં છે. તો અનેક લોકો પુલને પકડીને પોતાનો જીવ બચાવવા લટકયા હતા. અત્યારે બચાવ કામગીરી પુરજોશમાં છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાસ સરકાર દ્વારા આર્થિક સહાય પણ જાહેર કરી દેવાઈ છે. ઘટનામાં ઈજાગ્રસ્તોને સરકાર 50,000 રૂપિયા અને મૃતકોના પરિવારજનોને બે બે લાખ રૂપિયા સહાય કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાઈ છે.

સરકારના નેતાઓની મોરબી તરફ દોટ
આ અંગે મંત્રી બ્રિજેશ મેરજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ તંત્રને એલર્ટ કર્યું છે અને તમામને ખડેપગે રહેવા આદેશ કર્યો છે. ઘાયલ તમામની સારવાર માટે મોરબીની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં વિના વિલંબે સારવાર કરવાની સૂચનાઓ આપી દેવાઈ છે. તમામ પીડીતોની સ્થિતિને ધ્યાને લઈ યોગ્ય સારવાર કરવામાં આવશે. હાલ આસપાસના જિલ્લાઓમાંથી પણ બચાવ અને રાહત દળોને બોલાવી લેવામાં આવ્યા છે જે ટુંકા સમયમાં સ્થળ પર પહોંચશે. આ ઉપરાંત તેમણે 35 લોકોના મોતની પૃષ્ટી કરી છે. આ મામલે વડાપાદને અને અમિત શાહે દુખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રી, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સ્થળ પર જવા રવાના થઈ ગયા છે.

કોંગ્રેસની તટસ્થ તપાસની માગ
ઉલ્લેખનીય છે કે આ બ્રીજ ઘણો જુનો છે 1879માં આ બ્રીજને અંગ્રેજો દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો કેટલોક સામાન તો ઈંગલેન્ડથી મગાવવો પડ્યો હતો. આ ઘટનાને લઈ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, આ ઘટના આપણા સહુ માટે દુખદ છે. દિવાળીમાં આ પુલ ખુલ્લો મુકાયો અને બાળકો, મહિલાઓ, વૃદ્ધો તેને નિહાળવા પહોંચ્યા.અને ત્યારે જ પુલ કાગળના પુલની જેમ તૂટી પડ્યો તે ભાજપના વિકાસ અને વાહવાઈનું મોડલ એ માત્ર ભ્રષ્ટાચારનું મોડલ છે તેવું દેખાયું છે. કેમ તંત્રએ તપાસ ન કરી હતી. કેમ આ લોકો પછીથી જ દુર્ઘટના બને તેના પછી જ દોડવા લાગે છે. તપાસ થવી જોઈએ અને કડક પગલા લેવાવા જોઈએ. આ અમારી માગણી છે કે આ ઘટનામાં જવબદારો સામે તાત્કાલીક ધોરણે પગલા લેવામાં આવે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular