Thursday, April 16, 2026
HomeGeneralમદદ માગતો હોય તેવી નજરે લોકો સામે જોયું, કદાવર સિંહનું રેસ્ક્યુઃ ગીર...

મદદ માગતો હોય તેવી નજરે લોકો સામે જોયું, કદાવર સિંહનું રેસ્ક્યુઃ ગીર સોમનાથમાં કૂવામાં પડ્યો સિંહ- Video

- Advertisement -

ધર્મેશ જેઠવા (નવજીવન ન્યૂઝ.ઉના): ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર જંગલ વિસ્તાર નજીક એક સિંહ ખેતરના ખુલ્લા કૂવામાં પડી જતાં હડકંપ મચી ગયો હતો.

શિકારની શોધમાં અકસ્માત
માહિતી મુજબ સિંહ શિકારની શોધમાં ફરતો હતો ત્યારે અચાનક કૂવામાં ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતના સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ ઘણી વખત શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારો તરફ આવી જતા હોય છે. જેને કારણે કેટલીકવાર તેમની સાથે અણબનાવો બનતા હોય છે.

- Advertisement -

સ્થાનિકો દોડી આવ્યા
દરમિયાન ગામમાં આ ખેતર પાસેથી જતા લોકોને સિંહની ગર્જનાઓ સંભળાવા લાગી હતી. સિંહના અવાજ સાંભળતા સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ જોઈ ચોંકી ઉઠ્યા હતા. તેઓ ગભરાતા ગભરાતા પહેલા તો સિંહ ક્યાં છે તે જાણવાનો પ્રયત્ન કરતા હતા. બાદમાં ખબર પડી કે સિંહનો અવાજ તો કૂવામાંથી આવી રહ્યો છે. તેઓ તુરંત કૂવા પાસે ગયા અને ત્યાં જોયું તો એક કદાવર સિંહ અંદર પાણીમાં હતો અને પોતાનો જીવ બચાવી બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યો હતો. બે ઘડી તો બધાના લોહી સુકાઈ ગયા હોય તેવી સ્થિતિ થઈ. આ દરમિયાનમાં આ સિંહે પોતાને બચાવવાના સતત પ્રયત્નો બંધ કરી દીધા. કદાચ ઘણો થાકી ગયો હતો. તે જાણે લાચાર બની ગયો હોય તે રીતે લોકો સામે જોઈ રહ્યો હતો. જેની એક તસવીર ત્યાં હાજર એક વ્યક્તિએ પોતાના ફોનના કેમેરામાં કંડારી લીધી હતી.

વન વિભાગને જાણ
સ્થાનિક લોકોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે સિંહની સ્થિતિ જોતા તેને દોરડાથી ખેંચવાનું નક્કી કર્યું. જેમતેમ કરીને તેને દોરડાથી બાંધવામાં આવ્યો. જે પછી વન વિભાગ અને અન્ય સ્થાનીક લોકો દ્વારા સિંહને ખેંચવામાં મદદ કરવાની શરૂ કરી. કદાવર વજન ધરાવતો સિંહ કૂવામાંથી બહાર ખેંચતા ખેંચતા લોકોને આંટા આવી ગયા. પરંતુ આખરે ઓપરેશન સફળ રહ્યું. જેનો વીડિયો અહેવાલના અંતમાં પણ દર્શાવ્યો છે.

રેસ્ક્યુ ઓપરેશન સફળ
વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સિંહને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

- Advertisement -

હાલ સ્થિતિ સુરક્ષિત
વન વિભાગ મુજબ સિંહ હાલ સુરક્ષિત છે અને તેને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

તપાસ બાદ છોડાશે
ડોક્ટરો દ્વારા તપાસ કર્યા બાદ સિંહને ફરીથી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે. જેને કારણે પ્રાણી પ્રેમી લોકોના મનમાં પણ હાંશકારો થયો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular