નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News: મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી (Mining Theft) સામે હવે સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયા (MLA Kanti Amrutiya) મેદાને પડ્યા છે. જિલ્લામાં નંબર વગરના ટ્રકમાં ખનીજ માફિયાઓ (Mining Mafia) બેફામ બની ખનીજ ચોરી કરતાં હોવાની જાણકારી મળતા કાંતિ અમૃતિયાએ જાતે જ રંગેહાથે ખનીજ ચોરી કરતી ટ્રક ઝડપી પાડી હતી. તેમજ જિલ્લમાં બેફામ બેનલા ખનિજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા અધિકારીઓને પણ ટકોર કરી છે. ઉપરાંત તેમણે જિલ્લામાં નંબર પ્લેટ વગર ખનીજ ચોરી થતી હોવાના તંત્ર સામે આક્ષેપ કર્યા છે. હાલ કાંતિ અમૃતિયાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યા છે કે, મોરબી જિલ્લામાં બેરોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે. ધારાસભ્યની રજૂઆત બાદ અધિકારીઓ ખનીજ માફિયો સામે કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું.
ગઈકાલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર જવા માટે નીકળી રહ્યા હતા. તે દરમિયાન તેઓ હળવદ તાલુકાનાં દેવળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે 15થી 20 જેટલા ખેડૂતો રસ્તા પર ઉભા હતા. ધારાસભ્યએ તેમને જોઈ ગાડી ઉભી રાખી હતી. ત્યારે ખેડૂતોએ તેમની પાસે આવી 15થી 20 જેટલી ગાડીઓ નંબર પ્લેટ વગરની દરરોજ આવતી હોવાની રજૂઆત કરી હતી. જે બાદ નંબર પ્લેટ વગરના ડમ્પર ગામમાંથી આવતા કાંતિ અમૃતિયાએ ડમ્પર રોકાવ્યા હતા અને ડમ્પરમાં ખોટી રીતે ખનીજ ચોરી થતી હોવાનું જાણવા મળતા આ મામલે તેમણે ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરી હતી. તેમજ તેમણે મોરબીમાં નંબર પ્લેટ વગર ફરતી ગાડીઓ સામે પણ કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. જિલ્લામાં ચાલી રહેલી બેફામ ખનીજ ચોરીની પ્રવૃતિને ડામવા પણ તેમણે ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડિયોમાં કાંતિ અમૃતિયાએ ડમ્પર પર નંબર પ્લેટ ન હોવાને લઈ રજૂઆત કરી છે કે, ગામમાં ખનીજ ચોરી થઈ રહી છે. જેમાં ખનીજ ચોરો ગામના લોકોને કહી રહ્યા છે અમારો બે નંબરનો ધંધો હોય તો નંબર પ્લેટ કેમ લગાડવાની હોય. જે બાદ કાંતિ અમૃતિયાએ અધિકારીને ફોન કરીને ટકોર કરતા કહ્યું હતું કે, આવી રીતે નંબર પ્લેટ વગરના વાહનો બેફામ ચાલશે તો કાલે દારૂવાળા અને પાવડરવાળા નંબર પ્લેટ નહીં લગાડે તો શું કરી લેશો? આ તો થોડું પાકિસ્તાન છે.
સુરેન્દ્રનગર હોય કે મોરબી હોય ખનીજ માફિયાઓ બેલગામ બની ગેરકાયદેસર ખનીજ ચોરી કરી રહ્યા છે અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં ખનીજ માફિયાઓ અને તંત્રની મિલિભગત હોવાથી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. તેમજ કોઈ ખનીજ માફિયાઓનો વિરોધ કરે તો દમદાટી આપી ફરિયાદીને હેરાન પરેશાન કરવામાં આવે છે. હવે સત્તાપક્ષના ધારાસભ્ય પણ ખૂલીને વિરોધ કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જોવાનું એ રહ્યું કે ધારાસભ્યની રજૂઆત બાદ તંત્ર જાગે છે કે પછી અધિકારીઓની સાથે મળીને જ આ ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે, તે હવે સમય જ જણાવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








