Sunday, July 19, 2026
HomeBusinessહાજર ચાંદી ઉછળકૂદ કરતા ઘોડે સવાર: ભાવની વર્તમાન ચાલ સમજવી કઠીન

હાજર ચાંદી ઉછળકૂદ કરતા ઘોડે સવાર: ભાવની વર્તમાન ચાલ સમજવી કઠીન

- Advertisement -
  • ચાંદી ૧૩ મે એ ૮૯.૩૮ ડોલરની નવી ઉંચાઈએ હતી તે ગુરુવારે ૧ મહિનાની બોટમે પટકાઈ
  • ચીને સલ્ફ્યુરિક એસિડની નિકાસ નિયંત્રીત કરી તેથી ચાંદી પુરવઠો ભયમાં

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): હાજર ચાંદી ઉછળકૂદ કરતા ઘોડે સવાર થઈ છે, ૧૩ મે એ ૮૯.૩૮ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) હતી, તે ગુરુવારે ૧ મહિનાની બોટમે પટકાઈ. આ ઘટના એવું સૂચિત કરે છે કે તેજી અને મંદીવાળાએ સમયાંતરે બરાબરનો વારો પડી દીધો. શુક્રવારે ચાંદી સતત બજા દિવસે એશિયન ટ્રેડીંગ, ઇન્ટ્રાડે સત્રમાં બોલાઈ. અમેરિકન પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડીચર (પીઈસી) માસ દર માસ એપ્રિલ પ્રાઈસ ઇન્ડેક્સ, ઊંચા ફુગાવાના ભય કરતા પ્રમાણમાં હળવો માત્ર ૦.૨ ટકા વધુ આવતા બજારમાં રાહત અનુભવાઈ હતી. આ આંકડાથી બજારમાં એવી હવા પ્રસરી છે કે ફેડરલ રીઝર્વ જે વ્યાજ દર વધારવા હાંફળી ફાંફળી થઇ હતી તેનો શ્વાસ હવે હેઠો બેઠો હશે. જો ફેડ રીઝર્વ આવું કાઈ નહીં કરે તો સોના ચાંદી જેવી જોખમી અસ્કયામતોનાં ભાવને ઉપર જવાનો માર્ગ મોકળો બનશે.

અમેરિકન ડોલર ઇન્ડેક્સ જેનું જગતની છ કરન્સી બાસ્કેટ થકી મૂલ્યાંકન થાય છે, તે ગુરુવારે એક તબક્કે સાત સપ્તાહની ઊંચાઈ ૯૯.૫૪ પોઈન્ટ હતો તે શુક્રવારે ૯૮.૬૪ પોઈન્ટ સુધી ઘટ્યો હતો. મધ્ય-પૂર્વ વિસ્તારમાં યુદ્ધનું તાપણું ફરી ગરમ થતા, આ યુધનો અંત જલ્દી નહીં આવે તેવી લાગણી વચ્ચે, હોર્મુઝ સમુદ્ર્ધુનીમાં અટવાયેલા જહાજો થકી થનાર પુરવઠો વધુ સમય સુધી સરળ નહિ બને અને ક્રુડ ઓઇલના ભાવની તેજી જળવાઈ રહશે. જો ઉપર ઉપરથી અવલોકન કરીએ તો લાગે છે કે ચાંદીના ભાવની વર્તમાન ચાલ સમજવી કઠીન છે. ઔદ્યોગિક માંગ તો મજબુત છે, સાથે સોલાર પાવરનું વિસ્તરણ થઇ રહ્યુ છે. એઆઈ માળખાગત વૃદ્ધિ સતત સ્વીકૃતિ પામી રહી છે. ઈલેક્ટ્રીફીકેશ, મીલીટરી સીસ્ટમ, સેમીકન્ડકટર અને ગ્રીડમાં થઇ રહેલા રોકાણ, ચાંદીની માંગને સતત વધાર્યા કરે છે.

- Advertisement -

અલબત્ત, આ બધી માળખાગત સગવડોની માંગ વૃધ્ધીએ, તેનું વાસ્તવિક પ્રતિબિંબ ચાંદીના ભાવમાં ઉપસાવ્યું નથી. વર્તમાન મેક્રો આર્થિક સ્થિતિમાં ચાંદીના ભાવમાં વૃદ્ધિ માર્યાદિત રહી છે. ડોલર ઇન્ડેક્સ તાજેતરમાં દબાણમાં આવ્યો હોવા છતાં રોકાણકારો અમેરિકન ડોલરમાં હજુ અસલામતી અનુભવી રહ્યા છે, પરિણામે ડોલર આધારી કોમોડીટી તેજીમાં રૂંધામણ અનુભવાય છે. આ બધું છતાં, અમેરિકન ફેડરલ રીઝર્વ ઉર્જાના ભાવ વધારા સાથે ફુગાવામાં વૃદ્ધિનો ભય અનુભવતી હોઈ, વ્યાજદર વધારોનો ભય સાવ ઓછો નથી થઇ ગયો, જે બિન ઉપજાઉ સોનાચાંદીને બાંધી રાખે છે.

મોટાભાગમાં ભારતીય રોકાણકારો માને છે કે ચાંદીની તેજીમંદી ઘરેણાની માંગ, રિટેઈલ સેન્ટીમેન્ટ અથવા ફુગાવાના આશાવાદથી દોરવાય છે. પણ અભ્યાસુ રોકાણકારો કહે છે કે વર્તમાનમાં ઔધ્યોગીક માંગ સામે ખાણોની સપ્લાયને કેન્દ્રસ્થાને રાખવા જોઈએ. જગતની ૭૦ ટકા ચાંદીની સપ્લાય તાંબુ, જસત અને સીસા ખાણની પેટા ઉપજમાંથી આવે છે. આનો અર્થ એ થાય છે ચાંદીના ભાવની નિર્ભરતા પુરવઠા આધારિત હોય છે અને વધુમાં તે ઔદ્યોગિક માંગ અને આર્થિક નીતિ આધારિત પણ હોય છે. ઈતિહાસ કહે છે કે ભૂરાજકીય અનિશ્ચિતતાઓ ક્યારેક અછતના સમાચારો અગ્રક્રમે આવી જાય ત્યારે કોમોડીટી બજાર વ્યવસ્થા, નવું રૂપ ધારણ કરે છે.

ક્યારેક ઘટનાઓ નવા સ્વરૂપે મહત્વની બની જતી હોય છે, જેમ કે ચીને તાજેતરમાં સલ્ફ્યુરિક એસિડની નિકાસ નિયંત્રીત કરી નાખી. સલ્ફ્યુરિક એસિડની અપૂરતી સપ્લાય કોપર ખાણ કંપનીઓ માટે ખર્ચાળ પુરવાર થાય છે, ક્યારેક કોપર ઉત્પાદનનું આર્થિક રીતે પોષાણ થતું નથી. જ્યારે કોપર ઉત્પાદન ઘટી જાય તો તેની સાથે ચાંદી ઉત્પાદન પણ ધીમું પડી જાય છે. બરાબર આ જ સમયે ચીને સ્થાનીક સિસ્ટમમાં ઉપયોગી ચાંદીની આયાત વધારી સામે રીફાઈન્ડ ચાંદીની નિકાસ નિયંત્રિત કરી નાખી.

- Advertisement -

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૯-૦૫-૨૦૨૬

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular