Friday, June 5, 2026
HomeNavajivan CornerLink In Bioલવાસા સિટી : સપનાનું શહેર કેવી રીતે વિવાદનું કેન્દ્ર બન્યું

લવાસા સિટી : સપનાનું શહેર કેવી રીતે વિવાદનું કેન્દ્ર બન્યું

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): મહારાષ્ટ્રના (Maharashtra) પુના નજીક લવાસા (Lavasa) નામનો પહાડી વિસ્તાર આવેલો છે. આ પહાડીઓ લીલીછમ્મ છે અને ત્યાં મસમોટું તળાવ છે. હિલ સ્ટેશન તરીકે આ વિસ્તાર જાણીતો હતો અને આસપાસના શહેરોના લોકો અહીં પિકનીકની મજા માટે આવતા હતા. પરંતુ આ જગ્યા જ્યારે ‘હિંદુસ્તાન કન્ટ્રક્શન કંપની લિમિટેડ’ના સર્વેસર્વા અજીત ગુલાબચંદના નજરમાં આવી તો તેમણે અહીંયા ઇટાલીના પોર્ટફિનો શહેર વસાવવાની કલ્પના કરી. ઇટાલીનું પોર્ટફિનો શહેર સમુદ્રી પટ્ટીની વચ્ચે વસેલું સુંદર શહેર છે અને વિશ્વભરના પ્રવાસીઓને આ શહેર આકર્ષે છે. આ સપનું અજીત ગુલાબચંદે જોયું તો ખરાં, પરંતુ તેની પાછળ ખર્ચ, પર્યાવરણની હાનિ અને માનવ વસાહત વસાવવાની અન્ય મુશ્કેલીનો અંદાજ બરાબર ન લગાવી શક્યા. આરંભમાં ખૂબ જોરશોરથી આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો. ગુજરાતમાં ધોલેરાને લઈને જેમ મોટા મોટા વાયદાઓ થયા તે પ્રમાણે મહારાષ્ટ્રમાં લવાસા ડ્રિમ પ્રોજેક્ટ (Lavasa Dream Project) બની ગયો. બીજું કે ધોલેરાની જેમ આ મેદાની નહીં, પણ પહાડી પ્રદેશ હતો તેથી તેનું આકર્ષણ લોકોમાં વધવા લાગ્યું. આ વાત દોઢ દાયકા પહેલાંની છે એટલે ત્યારે હજુ તો આજે છે તેમ મસમોટા રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટની શરૂઆત હતી. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના લોકો પણ તે તરફ આકર્ષાયા. પરંતુ પછીથી આ પ્રોજેક્ટમાં અનેક મુશ્કેલી આવી અને અંતે ઇટાલીના પોર્ટફિનોની કલ્પના તો સાકાર ન થઈ, બલકે દેશના કોઈ સામાન્ય શહેરની જેમ પણ ત્યાં કશું નિર્માણ ન પામ્યું. હવે આ લવાસાની ચર્ચા ફરી થઈ રહી છે કારણ કે આ પૂરો વિસ્તાર 1.80 હજાર કરોડમાં વેચાયો છે.

Lavasa Controversy
Lavasa Controversy

બાંધકામ ક્ષેત્રમાં આવેલી ઝડપથી દેશમાં અનેક લોકોને ઘર મળ્યા છે અને માળખાગત સુવિધા પણ નિર્માણ પામી છે. જોકે આ ઝડપથી પર્યાવરણને પારાવાર નુકસાન થયું છે અને આવાં નુકસાન માટે લવાસા શહેરનું નામ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા જે શહેર વસાવવાની કલ્પના હતી તે ન વસ્યું અને હજારો લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા. આ ઉપરાંત તેમાં નેશનલાઇઝ બેન્કના નાણાં પણ ગયા, કારણ કે લવાસા ડેવલપમેન્ટ કંપની માટે બેન્કે પણ મોટી લોન આપી હતી. તેથી છેવટે આ પૂરો મુદ્દો ‘નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ’ પાસે ગયો. હવે ટ્રિબ્યુનલ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે આ લવાસાની પૂરી જમીન ‘ડાર્વિન પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ને વેચી શકાશે. હવે ‘ડાર્વિન પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પર ઘણી બધી જવાબદારી છે, જેમ કે તેણે આ નાણાં જેમણે આ પ્રોજેક્ટમાં નાણાં આપ્યા છે તેમને ચૂકવી આપવાના અને આ ઉપરાંત અહીંયા બાકી રહી ગયેલા ઘરોનું નિર્માણ કરવું. આ પૂરા સમાધાન પાછળ અન્ય પણ ઘણી બધી શરતો છે.

- Advertisement -
Lavasa City News
Lavasa City News

દેશમાં અત્યારે બાંધકામ ક્ષેત્રમાં મોડું થાય અને નાણાં અટકી પડે તેને લઈને કાયદા કડક થયા છે. પરંતુ આ કાયદા ત્યારે જ કામ આવી શકે જ્યારે જે-તે બિલ્ડર્સ પાસે નાણાં હોય અને તે પ્રોજેક્ટ પૂરો કરવામાં સક્ષમ હોય. આ ઉપરાંત લવાસા જેવા મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટમાં તો પર્યાવરણનો પણ મુદ્દો હતો, તેથી તે ઓર પેચીદો બન્યો હતો. અને તે જ કારણે 2010માં કેન્દ્રના પર્યાવરણ મંત્રાલય દ્વારા પર્યાવરણની હાનિના કારણે આ પૂરા પ્રોજેક્ટને બંધ કરાવી દીધો હતો. જોકે તે પછી સામાન્ય લોકોના ફસાયેલા નાણાંના કારણે પ્રોજેક્ટને ફરી મંજૂરી મળી, પરંતુ તેનો વ્યાપ ઘટાડી દેવામાં આવ્યો હતો. અને પછી આ પ્રોજેક્ટની રફ્તાર એટલી ધીમી થઈ ગઈ કે કંપની નાણાંનું રોકાણ કરનારાઓને સીધો જવાબ આપતી નહોતી.

Lavasa City Project
Lavasa City Project

લવાસા પ્રોજેક્ટ ઘોંચમાં મૂકાયો તેનું એક કારણ પશ્ચિમી ઘાટ પણ હતો. આ ઘાટ ‘યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ’ની યાદીમાં સમાવિષ્ટ છે. અને અહીંયા પ્રાણી-પશુ માટે તે સુરક્ષિત વિસ્તાર હતો. લવાસા શહેર નિર્માણ થવાથી અહીંયાની ઇકોસિસ્ટમને નુકસાન પહોંચ્યું અને ઘણી જગ્યાએ તો પહાડોને તોડવા સુદ્ધા આવ્યા. પહેલાંવહેલાં જ્યારે લવાસા શહેરને મંજૂરી મળી ત્યારે તેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ નહોતો. પરંતુ જ્યારે અહીંયા નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે અહીંના પહાડી વિસ્તારોને તોડવામાં આવ્યા. આ કારણે પૂરા પ્રોજેક્ટની પુનઃતપાસની માંગણી શરૂ થઈ. આ સિવાય અહીંયા જમીન હસ્તાંતરણ મામલે પણ ખૂબ વિવાદ થયો હતો. લવાસાની આસપાસ ગ્રામ્ય વિસ્તાર હતા. તેઓને ખસેડીને આ પ્રોજેક્ટ નિર્માણ કરવાનો હતો. તેથી અહીંની ખેતીલાયક જમીનનું હસ્તાંતરણ કરવાનું હતું. આ હસ્તાંતરણમાં લવાસાની કંપનીએ એક હિસ્સો સરકારને આપવાનો હતો. પરંતુ તેમ ન થયું તે કારણે પણ પ્રોજેક્ટના માલિકો પ્રત્યે તત્કાલીન શાસકોની નારાજગી રહી. એટલું જ નહીં આટલું મોટું શહેર બનાવવાનો નિર્ણય થયો પરંતુ તેનું પાણી ક્યાંથી મળશે તેનું પ્લાનિંગ ન કરવામાં આવ્યું. છેલ્લે લવાસા શહેરને પાણીનો સપ્લાય કરવા માટે પુના શહેરને જ્યાંથી પાણી મળે છે તે જ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવ્યો. તે કારણે પણ આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ થયો. લવાસાના કારણે પુના શહેરના પાણી પુરવઠામાં મુશ્કેલી ઊભી થઈ હતી.

Lavasa Dream City Project
Lavasa Dream City Project

હવે આ બધા વિરોધને ખાળવા માટે તેમાં મહારાષ્ટ્રના શરદ પવાર પણ સામેલ થયા હતા. શરદ પવાર પરિવારના સંદાનંદ સુલે આ પ્રોજેક્ટમાં દસ ટકા હિસ્સો ધરાવતા હતા. અને શરદ પવારે તે કારણે આ પ્રોજેક્ટમાં ખૂબ રસ લીધો. એક વાયકા એવી પણ છે કે ‘હિંદુસ્તાન કન્ટ્રક્શન કંપની લિમિટેડ’ના સર્વેસર્વા અજીત ગુલાબચંદને લવાસા સિટીનું સપનું દેખાડનારા શરદ પવાર જ હતા. અને તે જ કારણે તે વખતે ઝડપથી મહારાષ્ટ્ર સરકાર તરફથી બધી જ મંજૂરી મળી ગઈ હતી. શરૂઆતમાં એટલે કે 2001માં મહારાષ્ટ્ર સરકારે 10,000 એકર જમીન એકઝાટકે આ પ્રોજેક્ટ માટે ફાળવી દીધી હતી. અને તે વખતે શરૂઆતનું કામ ઝડપભેર પૂરું પણ થયું.

- Advertisement -

પરંતુ તે પછી અલગ-અલગ કારણસર લવાસા શહેરનું કાર્ય વિલંબમાં પડ્યું. જ્યારે દેવેન્દ્ર ફડનવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે લવાસાનું સ્પેશિયલ સ્ટેટ્સ રદ કર્યું હતું, તેનું કારણ ફડનવીસે કોંગ્રેસના એક ધારાસભ્યના ઊંડાણભર્યા અહેવાલથી આ સ્ટેટ્સ રદ કર્યું હતું. આ રીતે લવાસામાં સતત ઘાલમેલ થતી રહી અને તેમાં મંજૂરીના નામે દોષનો ટોપલો એકબીજા પર માલિકો નાંખતા રહ્યા. છેલ્લે તેમાં નાણાં ડૂબ્યા સામાન્ય લોકોના જેઓએ અહીંયા રહેવાના સપના જોયા હતા.

લવાસાનો વિવાદ છેલ્લા દસ વર્ષથી ચાલી રહ્યો છે અને અવારનવાર તેના વિશે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોને મીડિયા પૂછતું રહ્યું છે. પરંતુ તેના જવાબ મળતા નથી. આ પ્રોજેક્ટના વિલંબ વિશે જ્યારે શરદ પવારની દીકરી સુપ્રિયા શુલેને પૂછવામાં આવ્યું કે ત્યારે તેઓ જાણે આ પ્રોજેક્ટ સાથે કંઈ લેવાદેવા ન હોય તે રીતે જવાબ આપ્યો. સુપ્રિયાના પતિ સદાનંદના લવાસામાં હિસ્સા અંગે તેમણે કહ્યું કે તેમનો હિસ્સો નજીવો હતો અને હવે તેમણે વેચી કાઢ્યો છે.

આ વિવાદના મુદ્દામાં મહારાષ્ટ્ર કેડરના પૂર્વ આઈપીએસ ઓફિસર વાય. પી. સિંઘે પણ શરદ પવાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે લવાસા પ્રોજેક્ટ 3000 એકર પર પ્રસરેલો છે અને તેમાં ત્રણ હજાર કરોડનું રોકાણ થયું છે. આ પૂરા પ્રોજેક્ટમાં પવાર પરિવાર તરફથી ખૂબ ઘાલમેલ થઈ છે. શરદ પવાર અને અજીત ગુલાબચંદનું આ સપનાંએ અનેક લોકોને લવાસા તરફ આકર્ષ્યા, પરંતુ આજે તે લવાસા લોકોની મૂડી લઈને ડૂબ્યું છે. રાજકારણીઓ મોટી મોટી જમીનો ઘાલમેલ કરીને પોતાના માટે કરોડો રૂપિયા સુરક્ષિત કરી લે છે અને જ્યારે તેનાથી પ્રજાને નુકસાન જાય છે ત્યારે હાથ ખંખેરી લે છે. એકવીસમી સદીના ડિજિટલ યુગમાં પણ રાજકારણીઓ માટે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવો હજુ પણ સરળ છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular