નવજીવન ન્યૂઝ. અમદાવાદ : જાહેર શૌચાલયના પ્રણેતા સૂર્યકાંત પરીખની જન્મશતાબ્દી નિમિત્તે તેમના જીવનચરિત્રનું વિમોચન થયું છે. ગુજરાતમાં જ્યાં પણ જાહેર શૌચાલયની સુવિધા ઊભી થઈ તેનો યશ કોઈ એક વ્યક્તિને આપવો હોય તો તે સૂર્યકાંત પરીખ છે. પહેલાં તેઓએ ‘સુલભ ઇન્ટરનેશનલ’ દ્વારા આ જાહેર શૌચાલયનું કાર્ય ગુજરાતમાં ઊપાડ્યું. તે પછી 1989માં પોતાની સંસ્થા ઊભી કરી. આ સંસ્થાનું નામ આપ્યું : ‘નેશનલ સેનિટેશન ઍન્ડ એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ફાઉન્ડેશન'[નાસા]. તેમણે આજીવન આ કાર્ય કર્યું અને અત્યારે પણ ‘નાસા’ સંસ્થા દ્વારા અમદાવાદ સહિત ગુજરાતભરમાં શૌચાલય નિર્માણ કરીને તેને યોગ્ય ઢબે કાર્યરત રાખવાનું કાર્ય કરે છે.

ગાંધીવિચારના આદર્શ સામે રાખીને જીવન જીવનારાં સૂર્યકાંત પરીખે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. કર્મશીલ સૂર્યકાંત પરીખ ‘સેલ્યૂટ ઇન્ડિયા’ એવોર્ડથી સન્માનિત થયા હતા. તેમણે આ સંસ્થાને મજબૂત રીતે ઊભી કરી અને તેમાં આજેય લોકોપયોગી કાર્યો થાય છે. 1926માં જન્મેલા સૂર્યકાંત પરીખનું આ જન્મશતાબ્દી વર્ષ છે અને તેને અનુલક્ષીને તેમનું જીવનચરિત્ર પ્રકાશિત થયું છે. પુસ્તકના લેખક ડંકેશ ઓઝા છે. 56 પાનાંની આ પુસ્તિકાનું પ્રાપ્તિસ્થાન ‘નાસા ફાઉન્ડેશન’ છે. આ ફાઉન્ડેશન નવરંગપુરા, નવજીવન પ્રેસની સામે સ્થિત છે. પુસ્તકનું પ્રકાશન ‘નાસા’ સંસ્થા દ્વારા થયું છે અને તેનું વિમોચન થયું ત્યારે પર્યાવરણવિદ્ કાર્તિકેય સારાભાઈના વક્તવ્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ અને રાજ્યના જાગ્રત નાગરિકો સામેલ થયા હતા. સૂર્યકાંત પરીખ આજે નથી પણ તેમના લોકોપયોગી કાર્યોનો લાભ આજે ગુજરાત રાજ્યના લાખો લોકો મેળવી રહ્યા છે. તેઓની સ્મૃતિમાં થયેલું જીવનચરિત્ર ખરેખર એક સરાહનીય કાર્ય છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








