નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ બિહારમાં હાલમાં રાજકીય દંગલ ચાલી રહ્યું છે. નીતીશ કુમાર 8મી વખત મુખ્યમંત્રી બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ભાજપ સાથે સંબંધો તોડી તેમણે તેજસ્વી યાદવનો હાથ પકડવા હાથ લંબાવ્યો છે. નીતીશ કુમારે મંગળવારે કોંગ્રેસ, રાજદ અને કમ્યુનિસ્ટ પાર્ટીના સાથે સમજૂતી કરી લીધી છે. હવે નીતીશ આજે બપોરે શપથ ગ્રહણ કરશે.
મંગળવારે દિવસભર રાજકીય દંગલ વચ્ચે લાલુ પ્રસાદ યાદવ Lalu Prasad Yadav ની બીજી દીકરી રોહિણી આચાર્ય ચર્ચામાં રહી. તેના ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહ્યા હતા. રોહિણીનું ટ્વીટ, ‘રાજતિલકની કરો તૈયારી આરહ્યા છે, લાલટેન ધારી’ એ સૌથી વધુ ચર્ચામાં રહ્યું. આ ટ્વીટ સાથે તેણે એક ગીતનો વીડિયો પણ શેર કર્યો હતો જેની પણ ખુબ ચર્ચા રહી હતી. રોહિણીના ટ્વીટ પછી લોકોનો રસ ફરી એક વખત લાલુ યાદવના પરિવાર Lalu Yadav Family માં વધી ગયો છે. લોકો તેમના વિશે જાણવા માગે છે કે તેમનો પરિવાર કેટલો છે, કોણ કોણ છે, તેઓ હાલ શું કરે છે વેગેરે વગેરે તો આવો જાણીએ…
શરુઆતમાં આપણે જાણીએ રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ અંગે તો તેઓ ગોપાલગંજમાં જન્મ્યા અને તેમના પિતાનું નામ કુંદન રાય તથા માતા મરછિયા દેવી હતું. લાલુ પોતે કુલ સાત ભાઈ બહેન હતા. જેમાં મંગરુ યાદવ, ગુલાબ યાદવ, મુકુંદ યાદવ, મહાવીર યાદવ, ગંગોત્રી દેવી, લાલુ પ્રસાદ યાદવ અને શુકદેવ યાદવ. લાલુ પ્રસાદ યાદવના પણ 9 સંતાનો છે. હાં, આપના માટે ચોંકાવનારું છે પરંતુ આ સત્ય છે. તેમના 9 સંતાનો અંગે આવો જાણીએ.
તેમની સૌથી મોટી દીકરી છે મીસા ભારતી. તેમના લગ્ન 1999માં સોફ્ટવેર એન્જિનિયર શૈલેશ કુમાર સાથે થયા. હવે શૈલેશ પોતે પોતાની કંપની ચલાવે છે જેમને પણ બે દીકરીઓ છે. મીસા એમબીએનો અભ્યાસ કરી ચુકી છે અને તે રાજ્યસભાના સાંસદ પણ છે.
તેમની બીજી દીકરી છે રોહીણી આચાર્ય છે હમણા ચર્ચાઓમાં છે. રોહિણી પણ રાજકારણમાં ઘણી સક્રિય રહે છે. ખાસ કરીને પિતા અને ભાઈ માટે સોશિયલ મીડિયા પર સતત નોંધમાં રહે છે. રોહિણી હાલમાં સિંગાપોરમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેના લગ્ન વર્ષ 2002માં રાવ સમરેશ સિંહ સાથે થયા હતા. સમરેશ પણ કોમ્પ્યૂટર એન્જિનિયર છે. બંનેને ત્રણ બાળકો છે.
લાલુનું ત્રીજું સંતાન છે ચંદા, લાલુ અને રાબડી દેવી Rabri Devi ની ત્રીજી સંતાન પણ ઘણું ભણેલું છે. તેણે પિતાની જેમ એલએલબી કરેલું છે. તેના લગ્ન 2006માં ફ્લાઈટ પાયલટ વિક્રમ સિંહ સાથે થયા હતા. તેમને એક દિકરો છે.
ચૌથા સંતાનમાં છે રાગિણી યાદવ. તે ઈંટરપાસ છે. તેણે ધોરણ 12 પછી રાંચીના બિરડા ઈંસ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બીટેક માટે એડમીશન લીધું હતું પરંતુ તેણે ભણતર પુરું કર્યું નહીં. રાગીણીના લગ્ન 2012માં સમાજવાદી પાર્ટીના નેતા જિતેન્દ્ર યાદવના પુત્ર રાહુલ યાદવ સાથે થયા છે.
હેમા યાદવ લાલુની પાંચમું સંતાન છે. હેમાએ બીઆઈટી કોલેજથી બીટેક કર્યું છે. હેમાનું એડમીશન મુખ્યમંત્રી ક્વોટામાંથી થયું હતું. તેના લગ્ન વિનીત યાદવ સાથે થયા છે. વિનીત પણ એક સક્રીય રાજકારણમાં છે.
હેમા પછી ધન્નુ ઉર્ફે અનુષ્કા રાવ લાલુ અને રાબડી દેવીનું છઠ્ઠું સંતાન છે. અનુષ્કાના લગ્ન હરિયાણા સરકારમાં મંત્રી રહેલા અજય સિંહ યાદવના પુત્ર ચિરંજીવી રાવ સાથે થયા છે. ચિરંજીવનું પરિવાર પણ હાલ હરિયાણામાં સક્રિય રાજનીતિમાં છે. અનુષ્કાએ ઈંટિરિયર ડિઝાઈનિંગનો કોર્સ કરેલો છે.
રાજલક્ષ્મી યાદવ લાલુ પ્રસાદ યાદવની સૌથી નાની દીકરી અને સાતમું સંતાન છે. રાજલક્ષ્મીના લગ્ન સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવના પૌત્ર તેજ પ્રતાપ યાદવ સાથે થયા છે. તેજ પ્રતાપ પણ એક સક્રિય રાજનીતિમાં છે. સાંસદ પણ રહી ચુક્યા છે. રાજલક્ષ્મીએ સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે.
ભાઈઓમાં સૌથી મોટા તેજ પ્રતાપ જ છે. તેજ પ્રતાપ લાલુ યાદવની સાત દીકરીઓ પછી જન્મેલા પુત્ર છે. તેજે પણ ઈંટર સુધી અભ્યાસ કર્યો છે. 1988માં જન્મેલા તેજ પ્રતાપ બિહારના સ્વાસ્થ્યમંત્રી પણ રહી ચુક્યા છે.
તેજસ્વી યાદવ સૌથી નાના પુત્ર છે. બિહારના નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા તેજસ્વી રાજકારણમાં પ્રવેશતા પહેલા ક્રિકેટ રમતા હતા. તેમણે વિજય હજારે ટ્રોફિમાં ઝારખંડનું નેતૃત્વ પણ કરેલું છે. તેજસ્વી આમ તો નવમું જ પાસ છે અને સ્કૂલમાંથી ડ્રોપઆઉટ છે પણ ક્રિકેટમાં કેરિયર બનાવવા માટે તેમણે ભણતર છોડ્યું હતું. જોકે હવે તેમના ગોલ્સ ઘણા અલગ છે.