નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણી પહેલા અને અમદાવાદ તથા બોટાદના લઠ્ઠાકાંડ પછીની સ્થિતિને પગલે બદલીઓનો દૌર હજુ પણ યથાવત રહ્યો છે. ગુજરાતના પોલીસના 23 ડીવાયએસપી (ડેપ્યૂટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ)ની બદલીઓના ઓર્ડર થયા છે. ઉપરાંત ત્રણ પીઆઈ (પોલીસ ઈન્સપેક્ટર)ને બઢતી મળી છે. હાલમાં જ થયેલા ગુજરાતના લઠ્ઠાકાંડ દરમિયાન પોલીસની છબી ઘણી ખરડાઈ હતી. જેમાં અમદાવાદ અને બોટાદના એસપીની બદલી થઈ અને નવા એસપીની નિમણૂંક કરાઈ છે. અમદાવાદ ગ્રામ્યમાં નવા એસપી અમિત વસાવા અને બોટાદમાં નવા એસપી તરીકે કિશોર બલોલિયાને મુકાયા છે.
અહીં આપ સમક્ષ સંપુર્ણ લીસ્ટ અમે રજૂ કર્યું છે જેમાં હાલમાં બદલી પામેલા તમામ અધિકારીઓ અને તેમના હાલના સ્થળ ઉપરાંત બદલી પામલા સ્થળનો પણ ઉલ્લેખ છે. અહીં બોટાદમાં જોવા જઈએ તો મહર્ષિ રાવલને કાર્યભાર સોંપવામાં આવ્યો છે જેઓ પહેલા રાજકોટ ગ્રામ્યમાં એસસી એસટી સેલમાં કાર્યરત હતા. ઉપરાંત અમદાવાદ શહેર ક્રાઈમમાં બી એ પટેલને કાર્યભાર સોંપાયો છે જેઓ પહેલા પોરબંદર હેડક્વાર્ટર હતા. તદઉપરાંત અમદાવાદ વિરમગામમાં ડી એસ ચૌહાણની નિમણૂંક કરાઈ છે જેઓ પહેલા વડોદરા શહેર ક્રાઈમમાં ફરજ બજાવતા હતા.




