નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગરઃ ગુજરાત સરકાર હવે ડિજિટલ તરફ આગળ વધી રહી છે. તેવામાં છેલ્લા કેટલાક વર્ષોથી જમીનની માપણીને (Land Survey) પણ મોર્ડનાઈઝ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતું આ કાર્યવાહી કરવામાં આવતા ખેડુતોને (Farmers) ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે અધિકારીઓ સ્થળ પર ગયા વગર જ સેટેલાઈટના માધ્યમથી જમીનની માપણી કરતાં હોવાથી અનેક ભુલો થઈ રહી છે. તેમ છતાં ભૂલ ભરેલી માપણીને સરકાર દ્વારા માન્યતા આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા (Congress Leader) પાલ આંબલીયા (Pal Ambaliya) દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ આ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2010-11થી ગુજરાતમાં જમીનના રેકર્ડ મોર્ડનાઈઝ કરવાના બહાના તળે ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની આ મૂળ યોજનામાં બનાવેલા મેન્યુઅલના નિયમોનો ઉલાળીયો કરી ખેડૂતોના ખેતર પર ગયા વગર જ સેટેલાઇટના માધ્યમથી જમીન માપણીમાં કરવામાં આવી છે. જેના કારણે અસંખ્ય ભૂલો રહી ગઈ છે અને આ ભૂલ ભરેલી જમીન માપણીને સરકારે માન્યતા આપી દીધી છે. જેથી અત્યારે ખેડૂતોના ખેતરના આકાર, નકશાઓ બદલાઈ ગયા છે, ક્ષેત્રફળમાં વધ-ઘટ થઈ છે, ખેડૂતોના ખેતર એકબીજા સાથે અદલ-બદલ થઈ ગયા છે.
વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ભૂલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત 7 વખત મુદત વધારી છે, પણ એકપણ ખેડૂતની ભૂલ કાયદા મુજબ નિકાલ કરી સુધારી શકી નથી. ખેડૂતો સુરેન્દ્રનગર ખાતે DILR કચેરીએ ધક્કા ખાવા માટે મજબુર બન્યા છે અને હવે થાકી ગયા છે, પણ કોઈ ઉકેલ આવતો નથી. પાલ આંબલિયાએ સુરેન્દ્રનગર જિલ્લાના ખોટી અને ભૂલ ભરેલી માપણીથી પીડિત ખેડૂતોને હાકલ કરતા કહ્યું હતું કે, આવો આપણે સૌ સાથે મળી લડત કરીએ. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને તારીખ 10/07/2023ને સોમવારના રોજ સવારે 10 વાગ્યે DILR કચેરી, સર્વે ભવન, ટિવી કેન્દ્ર પાસે સુરેન્દ્રનગર ખાતે ઉમટી પડવા હાકલ કરી છે, ઉપરાંત જે ખેડૂતોએ અગાઉ અરજી કરેલી છે તેની એક નકલ વોટ્સઅપ નંબર 9924252499 પર મોકલી આપવા અને સુરેન્દ્રનગર ઉપસ્થિત રહેવા ખેડૂતોને આહવાન કર્યું હતું
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








