વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પાદર સમા ધનતેજ ગામની ધૂળથી ભરેલું માથું અને હળ જાેડી જાેડીને નાની વયે પાકટ થવા માંડેલા ખોબામાં હસ્તરેખાઓનું પોટલું લઈ એ વડોદરા આવ્યા. આંખોમાં હતું સ્વપ્નોનું ઘટાટોપ જંગલ અને હૈયામાં સર્જનશીલતાનું ઘોડાપૂર.
એમનું નામ ખલીલ ધનતેજવી. એક વખતના ઓળખ વગરના એમને ઓળખતા હોવાનો દાવો કરનારાઓનો અને એમના એક એક શેર પર આફરિન પોકારનારા ચાહકોનો આજે રાફડો ફાટ્યો છે – અને એ સ્વાભાવિક પણ છે. ખાખી બીડીના કસ ખેંચતા ખેંચતા ક્યાંક અપલક તાકી રહેલી આંખોમાં એક પછી એક શેર આળસ મરડતા અને એ જ્યારે કાગળ પર ઉતરે ત્યારે સંપૂર્ણ ગઝલ સ્વયં એમને કૂરનિશ બજાવતી હોય એમ પવનના ઝોકે ફરફરતી.
ખલીલ હવે ખાસ કરીને ગુજરાતી ગઝલનો પર્યાયવાચી શબ્દ છે.
મારી કિશોરાવસ્થાથી માંડી છેક હમણાં સુધી યાકુતપુરાની કોઈ બંધ દુકાનના ઓટલે આખી આખી રાત માણેલી એમની સંગત હવે માત્ર સ્મૃતિના પટારામાં કેદ થઈને રહી જવાની.
માત્ર ગઝલ જ નહીં, વાર્તા-નવલકથા-નાટકો-પત્રકારત્વ અને કથા-પટકથા-સંવાદો સહિતની સંખ્યાબંધ ફિલ્મોની સંપૂર્ણ સ્ર્કિપ્ટ સુધીના સાહિત્ય-કલાવિશ્વનો સ્વબળે સિધ્ધિ પામેલો પ્રવાસી એટલે ખલીલ ધનતેજવી.
ચાની ટપરીથી માંડી વૈશ્વિક કક્ષાના મુશાયરાઓના મંચ પરથી એના ઘટાદાર અવાજમાં એ મત્લો ઉપાડે અને ઉપસ્થિત તમામ શ્રોતાના કાનની બૂટ એના શબ્દેશબ્દને સમેટીને અંદર ઠાલવી લેવા ખડેપગે સજ્જ થઈ જાય.કતારબંધ મોજાઓની જેમ ગઝલના એક પછી એક શેર પુરા થાય અને મક્તાની સાથે તો તાળીઓના ગડગડાટ- દુબારા..દુબારા… ની સામુહિક ફરમાઈશો સાથે આખો હોલ ગુંજી ઉઠે.ખલીલભાઈની અસરદાર રજુઆતશૈલિમાં ભીંજાયેલો એક એક શ્રોતા,એક એક ચાહક આજે ખલીલભાઈની વિદાયના સમાચાર સાંભળી અશ્રુથી પોતાની આંખો ભીંજવી રહ્યો છે.
છેલ્લા લગભગ ૪૦ વર્ષથી મારા અંગત સહ્રદયી વડિલ મિત્ર તથા સંવેદનશીલ સર્જકસાથી એવા મરહૂમ ખલીલ ધનતેજવીની દુઃખદ વિદાય ટાણે હાલ તો માત્ર એટલો સંતોષ લઈ શકાશે કે, ખલીલ ભલે સદેહે નહીં,પણ શબ્દરૂપે તો મળશે નવી પેઢીના શાયરમુખે એ ફરી ફરી અવતરશે.
એવી આશા અને અલ્લાને ઈબાદત સાથે જન્નતનશીન ખલીલસાહેબ ને સજળ આંખે અલવિદા…