નવજીવન ન્યૂઝ, અમદાવાદ : એકાદ સપ્તાહમાં રાજ્યભરમાં વાહન ચાલકોની બેદરકારીના કારણે અનેક ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. અમદાવાદ જિલ્લાના નળ સરોવર-વિરમગામ હાઇવે પર શુક્રવારે સવારે સર્જાયેલા એક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો મોતને ભેટ્યા (Fatal accident in Ahmedabad rural) છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે અને તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
નળ સરોવર-વિરમગામ હાઇવે પર કમીજલા અને વનથળ ગામ વચ્ચે રોડ પર જઈ રહેલી બાઈકને પાછળથી પૂર ઝડપે આવતી પીકઅપ વાને ટક્કર મારી હતી. બાઈક પર જઈ રહેલો પરિવાર ટક્કર વાગવાથી ફંગોળાઈ ગયો હતો. ગંભીર ઈજા થવાથી દંપતીનું ઘટનાસ્થળે તેમજ તેમના સંતાનનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતમાં અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માતની ઘટના બાદ વાહન ચાલક સ્થળ પરથી નાસી (Hit and Run In Viramgam) ગયો હતો. આ મામલે વિરમગામ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.








