જર્મન ડોક્યુમેન્ટરીઝ નામની એક પહેલ અંતર્ગત અદભુત ડોક્યુમેન્ટરી ફિલ્મો નિર્માણ થાય છે. આ વર્ષે તેમાં ‘ધ ન્યૂ ગોસ્પેલ’ નામે એક ફિલ્મ રીલિઝ થઈ છે. આ ફિલ્મની પૃષ્ઠભૂમિ ઇટાલીના દક્ષિણ ક્ષેત્રની છે. ‘ધ ન્યૂ ગોસ્પેલ’ ફિલ્મના કથાવસ્તુની પ્રશંસા થઈ રહી છે અને આપણા દેશમાં કૃષિ બિલને લઈને જે માહોલ ખડો થયો છે તેને આ ફિલ્મની પૃષ્ઠભૂમિ સાથે સરખાવી શકાય! કૃષિ બિલ સામે ચાલી રહેલાં મસમોટા આંદોલનની વાત તો તેમાં નથી, પરંતુ ખેતમજૂરોના અધિકારની વાત છે. આ મજૂરો ઇટાલીના ખેતરોમાં અમાનવીય સ્થિતિમાં કામ કરે છે અને તેઓ મોટે ભાગે આફ્રિકાથી મજૂરી કરવા અહીં આવે છે. બળબળતા તાપ અને કડકડતી ઠંડીમાં તેઓ કલાકોના કલાકો કામ કરે છે. આ બદતર સ્થિતિમાં તેઓ કામ કરવા મજબૂર છે તો બીજી તરફ આ ખેતરો પર ઇટાલીના માફીયાઓનો અંકુશ છે. પોતાની મજબૂરી અને ક્રૂર માલિકો વચ્ચે ફસાયેલાં આ ખેત મજૂરોમાંથી એક એવી વ્યક્તિ બહાર આવે છે, જે મજૂરોની આગેવાની લઈને તેમને સમજાવે છે કે આપણે બદતર સ્થિતિમાં કામ કરી રહ્યા છીએ. સંગઠીત થઈને એક લડત ચાલે છે અને તે સફળગાથાના અંતે નિર્માણ પામે છે‘ધ ન્યૂ ગોસ્પેલ’ની કથાવસ્તુ.
ઇટાલીનું માટેરા નામનું એક શહેર છે. આ શહેર યુરોપની સંસ્કૃતિનું કેન્દ્ર છે. અહીંયા પથ્થરો કોતરીને નિર્માણ પામેલી વસાહતો અદ્વિતિય છે અને તેનું જતન પણ આજે થઈ રહ્યું છે. આ શહેરના લોકેશનના કારણે અહીંયા ઇસુ ખ્રિસ્તના જીવન સાથે જોડાયેલી અનેક ફિલ્મોનું નિર્માણ પામી છે. ઇસુ ખ્રિસ્ત સમયનું જે બેકગ્રાઉન્ડ ફિલ્મમાં જોઈએ તેવાં લોકેશન અહીં તૈયાર છે. માટેરાની આ ખૂબીના કારણે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. આ રીતે જ અહીંયા એક પ્રવાસી સ્વિઝર્લેન્ડના ડિરેક્ટર મિલો રાઉ આવ્યા. 2017ના આ પ્રવાસ દરમિયાન તેમણે એક ડિરેક્ટર તરીકે અહીંયાના લોકેશન જોયા, જ્યાં ‘ધ ગોસ્પેલ અકોર્ડિંગ ટુ સેન્ટ મેથ્યૂ’ અને ‘ધ પેશન ઑફ ક્રિસ્ટ’ જેવી ફિલ્મો શૂટ થઈ હતી. અહીંયા સુધી ડિરેક્ટર મિલો રાઉનો પ્રવાસ અદભૂત લોકેશન જોયાના આનંદ સાથે ચાલી રહ્યો હતો. પણ જેવા તેઓ અહીંયા આવેલા ખેતરોમાં જાય છે તેમનો આ પૂરા શહેર પ્રત્યેનો મોહ ભાંગી જાય છે. આ ખેતરોમાં તેઓ બે દિવસ ફરે છે અને જે જોવે છે તે વિશે તેમણે લખ્યું છે : “જાણે હું ભાંગી પડ્યો હોવું તેવું મને થયું. આ અત્યાચાર વચ્ચે તમે તમારી જાતને કેવી રીતે જીવિત રાખી શકો. એક અઠવાડિયા સુધી તમારે તમારી શક્તિ ટકાવી રાખવાની. અહીંયા સમયાંતરે ખૂબ તાપ અને ઠંડી પડે છે તેમાં આ મજૂરો દિવસ-રાત જોયા વિના કામ કરે છે. આ ક્રૂર હિંસા છે તેઓ મરી રહ્યા છે.”
મિલો રાઉએ તત્કાલ આપેલી આ પ્રતિક્રિયા વખતે જ તેમણે નક્કી કરી કર્યું હતું કે જે યુરોપિય કલ્ચરનું કેન્દ્ર છે તેની લગોલગ જ માણસો આવી સ્થિતિમાં જીવી રહ્યા છે તે યુરોપની અને માનવજાતની કેટલી કમનસીબી કહેવાય!બસ, તે પછી ‘ધ ન્યૂ ગોસ્પેલ’ની વાર્તા વિકસતી ગઈ અને તે અંતર્ગત તેઓ ખેતરોમાં રોજબરોજ થઈ રહેલી હિંસાની કહાની બયાન કરવા માંગતા હતા.
મિલો રાઉના મનમાં ફિલ્મનું બીજ રોપાઈ ગયું પછી તેમને આ કથાવસ્તુ સાથે સંકળાયેલું એક ઓર મજબૂત પાસું મળ્યું. આ પાસું એટલે આ ખેતરોમાં જ કામ કરતો યુવક વાન સાગ્નેટ. હાલ 35 પહોંચેલા વાન સાગ્નેટ આજે નોન-ફિક્શન લેખક તરીકે પણ ઓળખ પામી ચૂક્યો છે. આ ઓળખ મળી તે અગાઉ વાન સાગ્નટ ઇટાલીમાં જ આવેલી ‘યુનિવર્સિટી ઓફ તુરીન’માં એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા અર્થે આવ્યો હતો. અહીંયા આવવાનું બન્યું હતું તે એક સ્કોલરશિપના સહારે. પરંતુ અભ્યાસ દરમિયાન પરીક્ષામાં નાપાસ થવાના કારણે તેની સ્કોલરશિપ રદ થઈ. અભ્યાસ કર્યા વિના પાછા ઘરે જવું તો મુશ્કેલ હતું એટલે ઇટાલીમાં જ માટેરામાં આવેલા ખેતરોમાં મજૂરી કરવાનો વિકલ્પ પસંદ કરે છે. આ ક્ષેત્રમાં ટમાટર અને સંતરાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, જ્યાં આ મજૂરો કામ કરે છે. પોતે શિક્ષિત છે અને ઇટાલીની જ યુનિવર્સિટીમાં સમય ગાળી ચૂક્યો છે. ઉપરાંત, આફ્રિકાથી અહીંયા સુધી સફર કાપ્યા પછી થોડી સમજ પણ કેળવી ચૂક્યો છે. તે કામ કરતાં કરતાં મજૂરોની સ્થિતિ નિહાળે છે અને તેને ખ્યાલ આવે છે કે આ તો અમાનવીય સ્થિતિમાં કામ કરવું પડી રહ્યું છે. અને આ ચક્કરમાં રોજેરોજ હજારો મજૂરો પીસાઈ રહ્યા છે અને તેઓને તે પ્રમાણે વળતર તો નથી જ મળતું પણ જે પાયાની સુવિધા મળવી જોઈએ તેનાથી પણ તેઓ વંચિત છે.
આ મનોમંથન વાન સાગ્નેટના મનમાં ચાલી રહ્યું હતું ત્યારે એક ઘટના બને છે અને વાન નક્કી કરે છે કે બસ હવે આ નહીં ચાલે. વાત બની એમ હતી કે 2011માં ઉનાળો તપી રહ્યો હતો ત્યારે ટમાટરનો આવેલો પાક લણવાનો સમય ચાલી રહ્યો હતો. આ સમયે એક મજદૂર થાકના કારણે ત્યાં જ બેભાન થઈ જાય છે. ખેતર અને ખેતમજૂરોને સંભાળતા મુકાદમ આવે છે અને તે મજદૂરને હોસ્પિટલ લઈ જવા ઉતાવળો થાય છે. મુકાદમ ખેત મજૂરોની ચિંતા કરે છે તે માટે હોસ્પિટલ લઈ નથી જતો, બલકે તે જાણે છે કે જો તે ખેતરમાં મરશે તો તેનું કામ વધશે. બસ, અહીંયા વાન વચ્ચે પડે છે અને મુકાદમ સાથે બાખડે છે. બંનેની હાથાપાઈ થાય છે. આ પ્રકરણ જ્યારે પૂરું થાય છે ત્યારે જે મજૂર બેભાન થઈને પડ્યો હતો તેને હોસ્પિલટ પહોંચાડવા બદલ મુકાદમને 20 પાઉન્ડ ચૂકવવા પડે છે. આ ઘટના પછી વાન સૌ મજૂરોને સંગઠિત કરે છે અને તેમના વતી એક લડત ઉપાડે છે.
મજૂરોની ગુલામીની હદ સુધીની જે સ્થિતિ નિર્માણ પામી છે તેનું એક કારણ આ ખેતરો માફીઓના અંકુશમાં છે અને તેમના વતી કામ કરતાં મુકાદમો યોગ્ય વળતર મજૂરો સુધી નથી પહોંચાડતા તે છે. બીજુ જે કારણ છે તે છે અત્યારે ભારતના કૃષિ બિલ સાથે જોડાયેલું છે અને તે છે અલ્ટ્રા લિબરલિઝમ. મતલબ કે અન્ય પ્રોડક્ટની જેમ કૃષિ ઉત્પાદન પણ સીધેસીધુંમાર્કેટમાં માંગ-પુરવઠાના નિયમ અનુસાર કાર્યરત થાય. ખેતપેદાશ સિવાયની અન્ય પ્રોડક્ટને મહદંશે મહિનાઓ સુધી કોઈ ખાસ કાળજી વિના સુરક્ષિત રાખી શકાય છે. પરંતુ કૃષિ ઉત્પાદન થાય પછી તેને તુરંત માર્કેટ સુધી અને ત્યાંથી ગ્રાહક સુધી પહોંચાડવું પડે છે. આમાં કોલ્ડ સ્ટોરેજ અને ધાન્ય માટે ગોદામ ઉપયોગી બને, તેમ છતાં તેની પણ એક સમય મર્યાદા હોય છે. આ રીતે અંતે તેમાં ખેડૂત એ સ્ટેજ પર આવી જાય કે તેને કોઈ પણ ભાવે પોતાનું ઉત્પાદન વેચવું પડે. ઇટાલીના આ ખેતરોની પણ સ્થિતિ એવી જ છે, ત્યાં ગોઠવાયેલા નેટવર્કમાં મોટો ભાગ માફીયાઓ લઈ જાય છે. અને એક વખત આવું નેટવર્ક ગોઠવાય પછી સરકાર પણ તેને તોડી શકતી નથી અને તેમાં શોષણ કરવાની એક વ્યવસ્થા ઊભી થાય છે.
વાન સાગ્નેટની આ લડત એટલી આગળ વધી કે જ્યારે ટમાટરનો પાક લણવાનો હતો ત્યારે જ સૌએ હડતાળ પાડી અને પોતાના અધિકારની માંગણી કરી. એક તરફ સોનારૂપી પાક હતો અને બીજી તરફ મજૂરોની માંગણી. તેમના સિવાય આ કામ કોઈ કરી શકે તેમ ન હતું અને તેઓ ન કરે તો કરોડોનું નુકસાન જાય એમ હતું. આ હડતાળની ધારી અસર થઈ અને ઇટાલીના લોકોનું ધ્યાન ખેંચાયું અને તેમાં એક નામ વારેવારે ઊભરીને આવ્યું તે વાન સાગ્નેટનું; કારણ કે અલ્ટીમેટલી આ દૂષણને હટાવવાનું પ્રણ સૌ પ્રથમ તેણે લીધું હતું. અને હવે તો ઇટાલીમાં આ અમાનવીય મજૂરીને અટકાવવા માટેનો મજબૂત કાયદો સુદ્ધા બન્યો છે અને તેનાથી વાન સાગ્નેટને સંતોષ છે. આ સંઘર્ષ અને સંતોષની કહાની ‘ધ ન્યૂ ગોસ્પેલ’માં જોવા મળે છે. ‘ગોસ્પેલ’નો અર્થ થાય છે; ઈસુ ખ્રિસ્તનો ધર્મોપદેશ. આ યુગમાં શોષણ વિરુદ્ધ ઉપદેશ આપનારા અને તેની સામે લડત ચલાવનારાઓ લાખો વાન સાગ્નેટની જરૂર છે. સાથે વાન સાગ્નેટની વાતો કોઈ પણ મહત્તમ લોકો સુધી પહોંચે તે પણ જરૂરી છે.